મમતા બૅનરજી અને અભિષેક બૅનરજી SIRના વિરોધમાં રસ્તા પર ઊતર્યાં, કહ્યું કે અમે આ કવાયતને સ્વીકારતાં નથી
ગઈ કાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અને તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા અભિષેક બૅનરજીએ કલકત્તામાં મતદારયાદી સુધારણાના વિરોધમાં રૅલી કાઢી હતી.
પશ્ચિમ બંગાળમાં મતદારયાદીઓની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ફૉર્મનું વિતરણ પણ શરૂ થઈ ગયું છે ત્યારે રાજ્યમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રેસનાં નેતા મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અને તેમના ભત્રીજા અભિષેક બૅનરજીએ ગઈ કાલે એક વિશાળ વિરોધ રૅલીનું આયોજન કર્યું હતું.
ચૂંટણીપંચે જણાવ્યું છે કે જેમનાં નામ ૨૦૦૨-’૦૩ની મતદારયાદીમાં છે તેમને કોઈ દસ્તાવેજો બતાવવાની જરૂર નથી, તેઓ આ વર્ષના SIRમાં આપમેળે સામેલ થઈ જશે. જોકે જેમનાં નામ આ મતદારયાદીમાં નથી તેમણે કમિશન દ્વારા માગવામાં આવેલા દસ્તાવેજો સાથે બૂથ લેવલ ઑફિસર (BLO)નો સંપર્ક કરવો પડશે. BLO પણ ઘરે-ઘરે જઈને દસ્તાવેજો એકત્રિત કરશે. તૃણમૂલ કૉન્ગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે ચૂંટણીપંચ દ્વારા ટાંકવામાં આવેલા દસ્તાવેજો અને ૨૦૦૨-’૦૩ની મતદારયાદીઓ બિલમાં બંધબેસતી નથી. પાર્ટીનો આરોપ છે કે ૨૦૦૨-’૦૩ના SIR પછી તૈયાર કરાયેલી મતદારયાદીમાં પણ ભૂલો હતી. આવી સ્થિતિમાં ખામીયુક્ત મતદારયાદીનો આધાર તરીકે ઉપયોગ કરીને આ પ્રક્રિયા કેવી રીતે હાથ ધરી શકાય?
ADVERTISEMENT
૭.૬૬ કરોડ મતગણતરી ફૉર્મ તૈયાર
પશ્ચિમ બંગાળમાં મતદારયાદીની SIR પ્રક્રિયા શરૂ થઈ છે, બૂથ લેવલ ઑફિસર મતગણતરી ફૉર્મનું વિતરણ કરવા માટે મતદારોના ઘરે જઈ રહ્યા છે. આ પ્રક્રિયા માટે કુલ ૮૦,૬૮૧ BLOs તહેનાત કરવામાં આવ્યા છે. રાજ્યના ૨૯૪ વિધાનસભા મતવિસ્તારો માટે અત્યાર સુધીમાં કુલ ૭.૬૬ કરોડ મતગણતરી ફૉર્મ તૈયાર કરવામાં આવ્યાં છે અને દરેક મતદારને બે ફૉર્મ પ્રાપ્ત થશે.


