સી. પી. રાધાકૃષ્ણનને ઝારખંડથી મહારાષ્ટ્રમાં લાવવામાં આવ્યા
સી. પી. રાધાકૃષ્ણન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે નવ રાજ્યોમાં નવા ગવર્નરો અને પૉન્ડિચેરીમાં નવા લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂકની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર હરિભાઉ કિસનરાવ બાગડેની નિમણૂક રાજસ્થાનના ગવર્નર તરીકે અને ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જિષ્ણુ દેવ વર્માની નિમણૂક તેલંગણના ગવર્નર તરીકે કરવામાં આવી હતી. રાજ્યસભાના ભૂતપૂર્વ સંસદસભ્ય ઓમ પ્રકાશ માથુરની નિમણૂક સિક્કિમના ગવર્નર તરીકે કરાઈ હતી. એ જ રીતે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સંતોષકુમાર ગંગવારની ઝારખંડ અને આસામના લોકસભાના ભૂતપૂર્વ સંસદસભ્ય રમણ દેકાની છત્તીસગઢના ગવર્નર તરીકે નિમણૂક કરાઈ હતી. કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન સી. એચ. વિજયશંકરની નિમણૂક મેઘાલયના ગવર્નર તરીકે થઈ હતી.
ઝારખંડના વર્તમાન ગવર્નર સી. પી. રાધાકૃષ્ણનની બદલી મહારાષ્ટ્રના ગવર્નર તરીકે કરાઈ હતી. આસામના ગવર્નર ગુલાબ ચંદ કટારિયાની નિમણૂક પંજાબના ગવર્નર અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢના ઍડ્મિનિસ્ટ્રેટર તરીકે કરાઈ હતી. એ જ રીતે સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની આસામના ગવર્નર તરીકે નિમણૂક કરીને તેમને મણિપુરનો વધારાનો ચાર્જ સોંપાયો હતો.
ભૂતપૂર્વ ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર કે. કૈલાસનાથનને પૉન્ડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નીમવામાં આવ્યા હતા.


