સ્વાદમાં મીઠાશ ન હોવાથી વેચાણ મોળું પડ્યું, પૉપ્યુલર મલાવી મૅન્ગો પણ આ વર્ષે માર્કેટમાં નહીં આવે, હવે આફ્રિકાની બે જાતો પર જ ટકી છે વેપારીઓની આશા
ટૉમી ઍટકિન્સ
ગયા અઠવાડિયે વાશીની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં આવેલી ટૉમી ઍટકિન્સ કેરી કસ્ટમર્સને ભાવી નથી એટલે વેપારીઓમાં નિરાશા જોવા મળી છે. આ કારણે વેપારીઓએ હવે આ કેરીની ઇમ્પોર્ટ અટકાવી દીધી છે. ઇમ્પોર્ટેડ મૅન્ગોમાં જોવા મળી રહેલી અનિશ્ચિતતાને લીધે સામાન્ય રીતે ભારતમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવતી મલાવી મૅન્ગોની જાત આ સીઝનમાં ન આવે એવાં એંધાણ છે. પરિણામે હવે કેરીના હોલસેલર અને રીટેલર વેપારીઓ પ્રીમિયમ આફ્રિકન જાતો કિટ અને કેન્ટ મૅન્ગો પર જ આશા ટેકવીને બેઠા છે.
સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે ‘ટૉમી ઍટકિન્સ આ વર્ષે જોઈએ એવી મીઠી નહોતી. જોઈએ એવો સ્વાદ ન મળતાં કસ્ટમર્સની અપેક્ષા ન સંતોષાઈ અને એની સીધી અસર વેચાણ પર દેખાઈ રહી છે.’
ADVERTISEMENT
એક વેપારીએ જણાવ્યું હતું કે ‘ગયા વર્ષે પણ રિસ્પૉન્સ નબળો હતો. આ વર્ષે અમે ૩ કિલો વજનનાં ફક્ત ૨૦૦ બૉક્સ લાવ્યાં હતાં. એ સ્ટૉક પણ ખૂબ મુશ્કેલીથી વેચાયો હતો. લોકોને એની ક્વૉલિટી અને ટેસ્ટ ગમ્યાં નથી એટલે અમે વધુ શિપમેન્ટનો ઑર્ડર ન આપવાનું નક્કી કર્યું છે.’
અધૂરામાં પૂરું, આ વર્ષે મલાવી મૅન્ગો પણ નથી એવું જણાવતાં બીજા એક વેપારીએ કહ્યું હતું કે ‘આ બે મહિના અમે મલાવી કેરી પર ખૂબ આધાર રાખતા હતા, પણ ઉત્પાદન કરતા વેપારીઓએ દાવો કર્યો હતો કે આ વખતે મલાવી મૅન્ગોનું ઉત્પાદન પણ હલકી ગુણવત્તાનું હતું. વેડિંગ સીઝનને લીધે હજી ડિમાન્ડ સારી છે એ કારણે હવે માર્કેટમાં કિટ અને કેન્ટ કેરી આવે એની રાહ જોવાઈ રહી છે. એ ડિસેમ્બરના અંત સુધી આવવી જોઈએ.’
કોણ ખરીદે છે ઇમ્પોર્ટેડ કેરી?
ઇમ્પોર્ટેડ મૅન્ગો મોટા ભાગે પ્રીમિયમ કસ્ટમર્સ ખરીદે છે એમ કહીને અન્ય એક વેપારીએ જણાવ્યું હતું કે ‘વેડિંગ્સમાં રિટર્ન ગિફ્ટ્સ તરીકે એનો ઘણો ઉપયોગ થાય છે. ગયા વર્ષે અમને પહેલી વાર કેન્ટ કેરી મળી હતી. ૪ કિલોના બૉક્સના ૨૫૦૦થી ૨૭૦૦ રૂપિયા હતા. એને સારો રિસ્પૉન્સ મળ્યો હતો. આ વર્ષે પણ એવી આશા છે. કેન્ટ કેરીની સીઝન ૧૫-૨૦ દિવસ જ ચાલે છે. પછી રત્નાગિરિથી આફૂસ આવે છે, પણ આ વર્ષે નક્કી નથી. આફૂસ મોડી પડી શકે છે.’


