સિડનીમાં રિસન્ટલી તેમના માનમાં યોજાયેલી ઇવેન્ટનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝ જ નહીં, પરંતુ આ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને વિરોધ પક્ષોના સંસદસભ્યો પણ તેમના દેશ માટે સાથે હતા.

જપાન, પાપુઆ ન્યુ ગિની અને ઑસ્ટ્રેલિયાની મુલાકાત લઈ ગઈ કાલે નવી દિલ્હી પાછા ફરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઍરપોર્ટ પર ખૂબ જ મોટી સંખ્યામાં તેમના સપોર્ટર્સ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તસવીર પી.ટી.આઇ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવા સંસદભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવા બદલ નામ લીધા વિના વિરોધ પક્ષોની આકરી ઝાટકણી કાઢી હતી. વડા પ્રધાન જપાન, પાપુઆ ન્યુ ગિની અને ઑસ્ટ્રેલિયા એમ ત્રણ દેશોની યાત્રા પૂરી કર્યા બાદ ગઈ કાલે દિલ્હી પાછા ફર્યા હતા. સિડનીમાં રિસન્ટલી તેમના માનમાં યોજાયેલી ઇવેન્ટનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝ જ નહીં, પરંતુ આ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને વિરોધ પક્ષોના સંસદસભ્યો પણ તેમના દેશ માટે સાથે હતા.
વડા પ્રધાને મહામારીની પીક દરમ્યાન વિદેશોને કોરોનાની રસી એક્સપોર્ટ કરવા બદલ કેન્દ્ર સરકારને સવાલ કરનારા વિરોધ પક્ષોની ટીકા કરતાં કહ્યું હતું કે ‘કટોકટીના સમયે તેમણે સવાલ કર્યો હતો કે શા માટે મોદી દુનિયાને વૅક્સિન્સ આપી રહ્યા છે. યાદ રાખો, આ બુદ્ધની ભૂમિ છે. આ ગાંધીની ભૂમિ છે. આપણે આપણા દુશ્મનોની પણ પરવાહ કરીએ છીએ.’ વડા પ્રધાન દ્વારા રવિવારે નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જોકે ૨૦ વિપક્ષોએ જાહેર કર્યું છે કે તેઓ આ ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે.
આ પણ વાંચો : નવું સંસદ ભવન: આદિવાસી રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટનમાં વાંધો શો? શું છે કલમ 79?
રાષ્ટ્રપતિ દ્વારા નવા સંસદભવનના ઉદ્ઘાટન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નવા સંસદભવનના ઉદ્ઘાટન માટે લોકસભાના સચિવાલયને આદેશ આપવાની માગણી કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. ઍડ્વોકેટ જયા સુકિન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે નવા સંસદભવનના ઉદ્ઘાટન વિશે લોકસભાના મહાસચિવ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલું આમંત્રણકાર્ડ અને ૧૮ મેએ લોકસભાના સચિવાલય દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા સ્ટેટમેન્ટથી બંધારણનો ભંગ થાય છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક અને સંસદસંસ્થાના વડા છે. લોકસભાના સચિવાલય અને ભારત સરકાર રાષ્ટ્રપતિનું અપમાન કરવાની કોશિશ કરી રહ્યા છે.