પહેલગામમાં આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરાયેલા `ઓપરેશન સિંદૂર` પછી આક્રમક રાજદ્વારી અભિયાનના ભાગ રૂપે, સરકાર આગામી અઠવાડિયાથી વિવિધ દેશોમાં અનેક બહુપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલશે
શશિ થરૂરની ફાઇલ તસવીર
પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) પછી ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે થયેલા વિવાદ (India-Pakistan Conflicts)માં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)થી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓની કમર તોડી નાખી છે અને આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાએ ૧૦૦ થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. હવે ભારત તેની નવી યોજના હેઠળ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને ઉઘાડું પાડવાની તૈયારી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સરકાર (Indian Government)એ એક રણનીતિ બનાવી છે અને આમાં માત્ર ભારતીય જનતા પાર્ટી - ભાજપ (Bharatiya Janata Party – BJP)ના સાંસદો જ નહીં પરંતુ વિપક્ષી પક્ષોના સાંસદોને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા સાંસદો વિવિધ દેશોમાં જશે અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરશે.
પહેલગામ આતંકવાદી હુમલા અને `ઓપરેશન સિંદૂર` પછી, ભારત સરકાર વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે `ઝીરો ટોલરન્સ` ના સંદેશને મજબૂત બનાવવા માટે આ મહિનાના અંતમાં મુખ્ય ભાગીદાર દેશોમાં સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો (All-Party Delegations) મોકલશે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, ‘આ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો વિશ્વ સમક્ષ આતંકવાદ સામે ભારતની સર્વસંમત અને મક્કમ વ્યૂહરચના રજૂ કરશે. તેઓ આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે ભારતના કડક વલણનો સંદેશ લઈ જશે.’ સરકારે આ પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ કરવા માટે તમામ મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓની પસંદગી કરી છે, જેઓ વિવિધ વૈચારિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરવા અને પાકિસ્તાનને ઉજાગર કરવા માટે એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ (All Party Delegation)ની રચના કરી છે. આ યાદીમાં ૭ સાંસદોના નામનો સમાવેશ થાય છે. રવિશંકર પ્રસાદ (ભાજપ સાંસદ), બૈજયંત પાંડા (ભાજપ સાંસદ), શશિ થરૂર (કોંગ્રેસ સાંસદ), સંજય ઝા (જેડીયુ સાંસદ), કનિમોઝી (ડીએમકે સાંસદ), સુપ્રિયા સુલે (એનસીપી - શરદ પવાર જૂથના સાંસદ), શ્રીકાંત શિંદે (શિવસેના સાંસદ)ના નામ સામેલ છે.
આ દરેક પ્રતિનિધિમંડળ લગભગ પાંચ દેશોની મુલાકાત લઈ શકે છે. આમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશો અને ભારતના મુખ્ય વ્યૂહાત્મક ભાગીદારો શામેલ હશે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દરેક પ્રતિનિધિમંડળમાં ભારતના વરિષ્ઠ અને અનુભવી રાજદ્વારીઓનો પણ સમાવેશ થશે. મંત્રાલયના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ‘દરેક પ્રતિનિધિમંડળમાં પ્રતિષ્ઠિત રાજદ્વારીઓનો પણ સમાવેશ થશે. ઓપરેશન સિંદૂર અને સરહદ પાર આતંકવાદ સામે ભારતની સતત લડાઈની પૃષ્ઠભૂમિ સામે, આ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં મહત્વપૂર્ણ ભાગીદાર દેશો અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોની મુલાકાત લેશે.’
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. થરૂર મોદી સરકારના વિરોધીઓ રહ્યા છે, છતાં તેમને પ્રતિનિધિમંડળની યાદીમાં કેમ સામેલ કરવામાં આવ્યા છે? એ મુદ્દે ચર્ચા થઈ રહી છે.


