ભાવિકો આગળ કે પાછળ ન જઈ શકે એવી હાલત થઈ ગઈ
યમુનોત્રી ધામ
ચારધામનાં દર્શન માટે અક્ષયતૃતીયાના દિવસે કપાટ ખૂલ્યા બાદ પહેલા જ દિવસે ૪૬,૦૦૦ થી વધુ ભાવિકો ત્રણ ધામનાં દર્શને પહોંચ્યા હતા. ચારધામનાં દર્શન માટે આવતા ભાવિકો સૌથી પહેલાં યમુનોત્રી ધામમાં દર્શન કરવા જતા હોય છે અને શુક્રવારે પહેલા જ દિવસે યમુનોત્રી ધામમાં ૧૨,૦૦૦થી વધુ ભાવિકો પહોંચી જતાં ટ્રાફિક જૅમ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકો ન આગળ વધી શકતા હતા કે ન પાછળ જઈ શકતા હતા. આથી ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પહેલા દિવસે ઘોડા-ખચ્ચરવાળા કે ડોલીવાળા પણ ઉપલબ્ધ નહોતા એથી વૃદ્ધ ભાવિકો અને બાળકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ભારે ભીડના કારણે યમુનોત્રી હાઇવે પર જૅમ સર્જાયો હતો. વૃદ્ધ તીર્થયાત્રીઓને ઊંચકવા માટે ડોલીવાળા પણ ભીડના કારણે રસ્તાની સાઇડમાં જ ઊભા રહી ગયા હતા. તેમનું કહેવું હતું કે પહેલા અઠવાડિયામાં આવી ભીડ રહેશે, પછી બધું બરાબર થશે.
પહેલા દિવસે કેદારનાથમાં ૨૯,૦૦૦થી વધારે અને ગંગોત્રીમાં પાંચ હજારથી વધારે ભાવિકોએ દર્શન કર્યાં હતાં.

