૨૦ ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે કેદારનાથ ધામ
કેદારનાથ ધામને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર મનાતાં ચાર ધામની યાત્રાની આજથી શરૂઆત થશે અને દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલાં યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામનાં કપાટ આજે અક્ષય તૃતીયાના દિવસથી ભક્તો માટે ખુલ્લાં મુકાશે. શિયાળામાં આ મંદિરો બંધ રહે છે. કેદારનાથ અને યમુનોત્રી મંદિરનાં કપાટ સવારે ૭ વાગ્યે ખૂલશે, જ્યારે ગંગોત્રી ધામનાં કપાટ બપોરે ૧૨.૨૦ વાગ્યે ખોલવામાં આવશે. બીજી તરફ ચારધામના ચોથા ધામ બદરીનાથ ધામનાં કપાટ ૧૨ મેના સવારે ૬ વાગ્યે ખોલવામાં આવશે. કેદારનાથ ધામને ૨૦ ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે. બાબા કેદારની પંચમુખી મૂર્તિ લઈને ઉખીમઠના ઓમકારેશ્વરથી યાત્રા ગઈ કાલે કેદારનાથના માર્ગમાં ગૌરીકુંડ પહોંચી હતી જે આજે સવારે કેદારનાથ ધામ પહોંચશે. કપાટ ખૂલતાં જ આ મૂર્તિને મંદિરમાં વિધિવિધાનથી સ્થાપિત કરવામાં આવશે.