હૈદરાબાદથી જીત નાયક ઉર્ફે શ્રધાકર લુહાને પકડીને ગઈ કાલે અમદાવાદ ખાતે લઈ આવવામાં આવ્યો હતો.
ફાઇલ તસ્વીર
ગુજરાતમાં પેપર લીકના આરોપીઓને ૧૨ દિવસના રિમાન્ડ
અમદાવાદ : ગુજરાતમાં પેપર લીક કેસમાં આંતરરાજ્ય ગૅન્ગના ૧૬ આરોપીઓને ઝડપીને ગુજરાત એટીએસએ ગઈ કાલે કોર્ટમાં રજૂ કરીને ૧૨ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી જુનિયર ક્લર્ક વર્ગ–૩ની પરીક્ષાનું પેપર વડોદરામાં વિદ્યાર્થીઓને વેચવાનો પ્રયાસ થાય એ પહેલાં જ ગુજરાત એટીએસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા એસઓજીની ટીમે રેઇડ પાડીને આરોપીઓને પકડી લીધા હતા. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદથી જીત નાયક ઉર્ફે શ્રધાકર લુહાને પકડીને ગઈ કાલે અમદાવાદ ખાતે લઈ આવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
બળાત્કારના કેસમાં આસારામ દોષી
અમદાવાદ : અમદાવાદમાં મોટેરા ખાતે આવેલા આશ્રમના આસારામે એક મહિલા પર કરેલા દુષ્કર્મના કેસમાં ગઈ કાલે ગાંધીનગર સેશન્સ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ પી. કે. સોનીએ આસારામને દોષી ઠેરવ્યા છે અને અન્ય ૬ જણને છોડી મૂક્યા છે. આજે કોર્ટ આસારામને સજા ફરમાવશે. સ્પેશ્યલ સરકારી વકીલ આર. સી. કોડેકરે આ કેસની વિગત આપતાં કહ્યું કે ‘૨૦૦૧ના વર્ષમાં મોટેરામાં આવેલા આશ્રમમાં એક બહેનને ફાર્મહાઉસ પર બોલાવીને બળાત્કાર કર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટના વિશે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જેમાં આસારામ સામે દુષ્કર્મનો કેસ હતો અને એમાં અદાલતે આસારામને દોષી જાહેર કર્યા છે.’ ઉલ્લેખનીય છે કે આસારામ હાલમાં જોધપુર જેલમાં બંધ છે અને તેમને વિડિયો-કૉન્ફરન્સના માધ્યમથી હાજર રખાયા હતા.
પુસ્તકની મદદથી મોઝેઇક આર્ટ
ગઈ કાલે મહાત્મા ગાંધીની ૭૬મી પુણ્યતિથિ હતી. આ પ્રસંગે ચેન્નઈમાં આવેલા ગવર્નમેન્ટ મ્યુઝિયમમાં તેમના વિશે લખાયેલાં પુસ્તકોને ભેગાં કરીને તેમના ચહેરાનું મોઝેઇક આર્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કાગળના કે પછી અન્ય ટુકડાઓની મદદથી આવી કલાકૃતિ તૈયાર કરવામાં આવે છે, પણ આ કંઈક અલગ જ પ્રયાસ હતો.
કાશ્મીરમાં સર્વત્ર બરફનું સામ્રાજ્ય
શ્રીનગર : કાશ્મીરમાં સતત હિમવર્ષાને કારણે યુનિવર્સિટીએ ગઈ કાલે પરીક્ષા મોકૂફ રાખી છે. જમ્મુ-શ્રીનગર હાઇવે પર ખડક ધસી પડવાને લીધે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. લદાખના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. આવતા ૨૪ કલાકમાં ભારે વર્ષા અને હિમવર્ષાની ચેતવણી હવામાન વિભાગે આપી છે.
‘રૅન્ચો’ પણ નારાજ
લદાખ : કેન્દ્ર સરકાર દ્વારા લદાખના પર્યાવરણને બચાવવા માટે પૂરતાં પગલાં લેવામાં ન આવતાં હોવાના આરોપ મૂકીને સોનમ વાંગચુક જાહેરમાં પ્રતીક-ઉપવાસ પર બેઠા હતા, પરંતુ સરકારે તેમને જાહેરમાં બેસવાને બદલે ત્યાંથી ઉઠાવીને તેમના જ ઘરમાં નજરકેદ કર્યા હતા. પરિણામે શિક્ષક અને સામાજિક કાર્યકર નારાજ થઈ ગયા હતા. તેમના પાત્રને આધારે જ ‘થ્રી ઇડિયટ’ નામની ફિલ્મમાં રૅન્ચોનું કૅરૅક્ટર હતું. વાંગચુકે આરોપ મૂક્યો હતો કે લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ એની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી
રહ્યું છે.
બીબીસીની ડૉક્યુમેન્ટરીની સુનાવણી કોર્ટનો સમય બગાડશે : કાયદા પ્રધાન
નવી દિલ્હી : ગુજરાતમાં થયેલાં રમખાણો પર બીબીસીની ડૉક્યુમેન્ટરી પર સરકારે લગાવેલા પ્રતિબંધ મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર થઈ ગઈ છે. આ મામલે છઠ્ઠી ફેબ્રુઆરીએ સુનાવણી થશે. ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ નામની આ ડૉક્યુમેન્ટરીને બ્લૉક કરવા ઉપરાંત એની ક્લીપને શૅર કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ ડૉક્યુમેન્ટરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે એમના નેતૃત્વને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે પ્રતિબંધ સામે કરાયેલી અરજી પર ટિપ્પણી કરતાં કાયદાપ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે ‘આ લોકો સુપ્રીમ કોર્ટનો કીમતી સમય બગાડી રહ્યા છે, જ્યાં હજારો લોકો ન્યાય માટે તારીખોની રાહ જોઈ રહ્યા છે.’

