જુનિયર ક્લર્ક (વહીવટ-હિસાબ)ની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાને કૅન્સલ કરવી પડી, આ પેપર હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હતું અને સૌપ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યું, ૧૬ જણની અટકાયત

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
અમદાવાદ : ગુજરાતમાં વધુ એક વખત પેપર લીક કાંડને લઈને હોબાળો મચ્યો છે. ગઈ કાલે જુનિયર ક્લાર્ક (વહીવટ-હિસાબ)ની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવાની હતી. જોકે આ સ્પર્ધાને એના નિયત સમયના કલાકો પહેલાં જ કૅન્સલ કરવી પડી હતી, કેમ કે એનું ક્વેશ્ચન પેપર લીક થઈ ગયું હતું. આ પેપર હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હતું અને સૌપ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ૪૦ ઉમેદવારો સુધી આ પેપર પહોંચ્યું હતું. ગુજરાત એટીએસ (ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ)એ વડોદરાના એક કોચિંગ સેન્ટરના સંચાલક સહિત ૧૬ જણની અટકાયત કરી છે. સીલ કરવામાં આવેલા કોચિંગ સેન્ટરમાંથી અનેક પરીક્ષાર્થીઓનાં આધાર કાર્ડ, પૅન કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ મળી આવ્યાં છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ગઈ કાલે વહેલી સવારે બાતમીના આધારે પોલીસે એક શકમંદની અટકાયત કરી હતી અને તેની પાસેથી એક્ઝામના ક્વેશ્ચન પેપરની કૉપી મળી આવી છે, જેના પછી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે ઉમેદવારોના વ્યાપક હિત માટે આ એક્ઝામને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પસંદગી મંડળે જણાવ્યું હતું કે શક્ય એટલી વહેલી એક્ઝામ નવેસરથી લેવામાં આવશે, જેના માટે નવી જાહેરાત આપવામાં આવશે.
1181
આટલાં પદ માટે એક્ઝામ લેવાવાની હતી
આ પણ વાંચો : ડબલ ટ્રબલઃ ગુજરાતમાં મહા મહિનામાં પડ્યો માવઠાનો માર
9.53
આટલા લાખ ઉમેદવારોએ આ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું
2995
સમગ્ર રાજ્યમાં આટલાં સેન્ટર્સ પર એક્ઝામ લેવાવાની હતી
આ પેપર નહીં, પણ બીજેપીની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું છે. પેપર ફોડવાની પરંપરા રહી છે. ૨૦ કરતાં વધારે વખત પેપર ફોડવામાં આવ્યાં છે. બીજેપી સરકારમાં બેસેલા લોકો દ્વારા પેપર ફોડીને પોતાના મળતિયાઓને નોકરીમાં ઘુસાડવાનું એક વ્યવસ્થિત ષડ્યંત્ર ચાલે છે. - અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા