Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > News in Shorts: દિલ્હીમાં લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગની લેડી ડૉન મૅડમ ઝહરની ધરપકડ

News in Shorts: દિલ્હીમાં લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગની લેડી ડૉન મૅડમ ઝહરની ધરપકડ

Published : 21 February, 2026 09:40 AM | Modified : 21 February, 2026 11:55 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

News in Shorts: પુણેમાં ટીનેજર પર મમ્મીના મિત્રએ ‍જ બળાત્કાર કર્યો; ભારત પૅક્સ સિલિકામાં સામેલ થયું; અને વધુ સમાચાર

બિશ્નોઈ ગૅન્ગ સાથે સંકળાયેલી લેડી ડૉન મૅડમ ઝહર‍

બિશ્નોઈ ગૅન્ગ સાથે સંકળાયેલી લેડી ડૉન મૅડમ ઝહર‍


દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે સંકળાયેલી લેડી ડૉન મૅડમ ઝહર‍ની ધરપકડ કરી છે. મૅડમ ઝહરનું સાચું નામ ખુશનુમા અન્સારી છે. તેના પર લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ માટે ડ્રગ-સિન્ડિકેટનું સંચાલન કરવાનો આરોપ છે. તે નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં એક બ્યુટી-પાર્લર ચલાવતી હતી. તેની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. ખુશનુમા અન્સારી નેહા તરીકે પણ ઓળખાય છે, તેને લાંબા સમયથી તેના સાથી બૉબી કબૂતર અને બે અન્ય લોકો સાથે કસ્ટડીમાં લેવામાં આવી હતી. બૉબી કબૂતરનું સાચું નામ મહફૂઝ છે, તેને ગૅન્ગ માટે મુખ્ય બંદૂકધારી અને શસ્ત્રોના સપ્લાયર તરીકે વર્ણવવામાં આવે છે. તપાસકર્તાઓનો દાવો છે કે તેણે લૉરેન્સ બિશ્નોઈ અને હાશિમ બાબા ગૅન્ગ માટે એક મહત્ત્વપૂર્ણ કડી તરીકે કામ કર્યું હતું.

ભારત પૅક્સ સિલિકામાં સામેલ થયું : હવે મહત્ત્વપૂર્ણ ખનિજો મેળવવામાં મદદ થશે



ભારતે ઔપચારિક રીતે ગઈ કાલે અમેરિકાના નેતૃત્વ હેઠળના વ્યૂહાત્મક જોડાણ પૅક્સ સિલિકામાં પ્રવેશ કર્યો હતો. નવી દિલ્હીમાં ચાલી રહેલી AI ઇમ્પૅક્ટ સમિટ દરમ્યાન ભારતે એની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓમાં વિશ્વમાં મહત્ત્વપૂર્ણ ખનિજો અને પર્મનન્ટ મૅગ્નેટની સપ્લાય ખોરવાઈ ગઈ છે જેમાં ભારત સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક છે. પૅક્સ સિલિકા પહેલ મહત્ત્વપૂર્ણ ખનિજો, સેમિકન્ડક્ટર્સ અને AI સંબંધિત વૈશ્વિક સપ્લાય-ચેઇન જાળવવામાં એક સીમાચિહનરૂપ સાબિત થઈ શકે છે. 


પુણેમાં ટીનેજર પર મમ્મીના મિત્રએ ‍જ બળાત્કાર કર્યો

પુણેમાં ફરી એક વાર જાતીય અત્યાચારની ચોંકાવનારી ઘટના બની છે. ૧૩ વર્ષની કિશોરી પર તેની મમ્મીના ૨૯ વર્ષના એક પરિચિતે સ્કૂલ મૂકવા જવાના બહાને લઈ જઈને બળાત્કાર કર્યો હતો એવો આરોપ કરવામાં આવ્યો છે. પોલીસ-સ્ટેશનમાં આ કેસ નોંધાયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતાની ૩૨ વર્ષની મમ્મી વિધવા છે અને આરોપી ૨૯ વર્ષનો જ્ઞાનેશ્વર રાયરીકર ઘણાં વર્ષોથી તેનો મિત્ર છે. બન્ને વચ્ચે સારી ઓળખાણ અને વિશ્વાસ હતો. આ વિશ્વાસના આધારે મમ્મીએ દીકરીને તેની સાથે જવા દીધી હતી. ઘટનાના દિવસે મમ્મીએ દીકરીને સ્કૂલ લઈ જવા માટે જ્ઞાનેશ્વરને બોલાવ્યો હતો. હું તેને સ્કૂલ છોડી દઈશ કહીને તે કિશોરીને ટૂ-વ્હીલર પર લઈ ગયો હતો. જોકે તેને સ્કૂલ લઈ જવાને બદલે તેને અન્ય જગ્યાએ લઈ જઈને તેના પર બળાત્કાર કર્યો હતો. એ પછી ગભરાઈ ગયેલી દીકરીએ ઘરે આવીને મમ્મીને હકીકત જણાવી હતી. એ પછી કિશોરીની મમ્મીએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જ્ઞાનેશ્વરની ધરપકડ કરી હતી. 


રાહુલ ગાંધી ભિવંડી કોર્ટમાં આજે હાજર થશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઍક્ટિવિસ્ટે દાખલ કરેલા બદનક્ષીના દાવામાં રાહુલ ગાંધી આજે ભિવંડી મૅજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે. રાહુલ ગાંધીને આ કેસમાં શ્યૉરિટી પર છોડવામાં આવ્યા હતા. એ શ્યૉરિટી કૉન્ગ્રેસના નેતા શિવરાજ સિંહ પાટીલે આપી હતી. શિવરાજ સિંહ પાટીલનું ૧૨ ડિસેમ્બરે નિધન થયું હોવાથી રાહુલ ગાંધીએ નવેસરથી ફ્રેશ શ્યૉરિટી આપવી પડશે એટલે તેમણે આજે ભિવંડી કોર્ટમાં હાજર થવું પડશે.

૮ કરોડ રૂપિયાના ખર્ચે થશે બાબુલનાથ મંદિરનું બ્યુટિફિકેશન

મહાલક્ષ્મી મંદિરના પરિસરના બ્યુટિફિકેશન પછી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બાબુલનાથ મંદિરના બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. બાબુલનાથ મંદિરના રસ્તા ડેવલપ કરવામાં આવશે. એન્ટ્રી-ગેટ પર ઊભા કરાયેલા સ્ટૉલ દૂર કરવામાં આવશે, લાઇટિંગ કરવામાં આવશે અને કમ્પાઉન્ડ-વૉલ બનાવવા જેવાં કામ હાથ ધરવામાં આવશે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૮ કરોડ રૂપિયા છે. આગામી બજેટમાં ટોકન ફન્ડ મંજૂર થઈ શકે છે. BMCના D વૉર્ડ દ્વારા બાબુલનાથ મંદિર પરિસરનું કામ હાથ ધરવામાં આવશે.

BMCની સ્ટૅન્ડિંગ કમિટી અને એજ્યુકેશન કમિટીના અધ્યક્ષની નિયુક્તિની જાહેરાત

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષપદે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના નગરસેવક પ્રભાકર શિંદેની બિનવિરોધ નિયુક્તિ કરવામાં આવી હતી. મેયર રિતુ તાવડેએ તેમની નિયુક્તિ કરાઈ હોવાની જાહેરાત કરી હતી. એ પછી તેમણે પ્રભાકર શિંદેને પુષ્પગુચ્છ આપીને તેમનું અભિવાદન કર્યું હતું. એજ્યુકેશન કમિટીનાં અધ્યક્ષ તરીકે નિમાયેલાં રાજેશ્રી શિરવડકરે એક સુંદર પહેલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો કોઈ મને અભિનંદન આપવા માગતું હોય તો પુષ્પગુચ્છને બદલે સ્કૂલોમાં બાળકોને ઉપયોગી થાય એવી સ્ટેશનરી ભેટ આપશે તો મને વધુ ગમશે; બાળકો એનો ઉપયોગ કરી શકશે.

ચિકનપૉક્સમાં પણ બોર્ડ-એક્ઝામ આપી શકાય એ માટે કરવામાં આવી ખાસ વ્યવસ્થા

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE)ની સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (SSC) બોર્ડની પરીક્ષા ગઈ કાલથી શરૂ થઈ હતી. બોર્ડની એક્ઝામનું મહત્ત્વ સમજીને ચિકનપૉક્સ જેવી બીમારીમાં પણ સ્ટુડન્ટ્સ એક્ઝામ આપવા આવ્યા હતા અને તેઓ સુરક્ષિત રીતે એક્ઝામ આપી શકે એ માટે એક્ઝામ-સેન્ટરના સ્ટાફે પણ તેમને અલગ બેસાડવાની વ્યવસ્થા કરી હતી.

બોરીવલી-ઈસ્ટનો આ સ્કાયવૉક ક્યારે પૂરો થશે?

તસવીર : સતેજ શિંદે

બોરીવલી-ઈસ્ટમાં સ્ટેશન નજીક એમ. જી. રોડ પર લાંબા સમયથી બની રહેલો આ સ્કાયવૉક હજી પૂરો થયો નથી. સ્કાયવૉકના રેલવે તરફના ભાગનું બાંધકામ હજી બાકી છે એટલે રાતે અસામાજિક તત્ત્વોનો ત્રાસ પણ વધી જતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. 

હવામાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું, પણ ધુમ્મસ સાથે શરૂ થયો મુંબઈગરાનો દિવસ

તસવીર : સતેજ શિંદે

મુંબઈમાં ગઈ કાલની સવાર ગાઢ ધુમ્મસ સાથે થઈ હતી. એને કારણે વિઝિબિલિટી ખૂબ ઓછી રહી હતી. ફેબ્રુઆરી મહિનામાં સરેરાશ હવાની ગુણવત્તા સુધરી હતી, પણ શુક્રવારે ફેબ્રુઆરી મહિનાનો પાંચમા નંબરનો હાઇએસ્ટ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) નોંધાયો હતો. મુંબઈનો સરેરાશ AQI ૧૩૦ રહ્યો હતો, જ્યારે સૌથી પ્રદૂષિત હવા વરલીની રહી હતી. વરલીનો AQI ૨૫૬, કુર્લાનો ૧૬૦ અને બોરીવલીનો ૧૩૨ રહ્યો હતો. બોરીવલીના એક હાઇરાઇઝ બિલ્ડિંગમાંથી ધુમ્મસની ચાદર ઓઢેલા સ્ટેશનનો નઝારો કંઈક આવો લાગતો હતો. 

સાંતાક્રુઝની ચાલમાં સિલિન્ડરનો બ્લાસ્ટ થયો, ચાર જણ દાઝી ગયા

સાંતાક્રુઝ-ઈસ્ટમાં વાકોલા બ્રિજ નજીક દીઘે ચાલમાં ગુરુવારે મોડી સાંજે ગૅસનું સિલિન્ડર ફાટવાને કારણે આગ લાગી હતી. એમાં ૪ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. દીઘે ચાલની 
રૂમ-નંબર ચારમાં મૂકેલા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ હતી. દાઝેલી વ્યક્તિઓમાં ૧૫ વર્ષના ટીનેજર અને ૬૫ વર્ષના સિનિયર સિટિઝનનો પણ સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફાયર-બ્રિગેડની મદદથી દોઢ કલાકે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 11:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK