નરેન્દ્ર મોદીએ કહ્યું કે માતાની ગેરહાજરીથી આવેલા ખાલીપાને હજુ પણ હું અનુભવું છું
ગઈ કાલે દિલ્હીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાને લોકાર્પણ કરતા નરેન્દ્ર મોદી.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ‘ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક : માય લાઇફ, માય સ્ટ્રગલ્સ’ના વિમોચન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનાં માતાને યાદ કરતી વખતે ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે ‘હું ભાગ્યશાળી રહ્યો છું કે મારાં માતા ૧૦૦ વર્ષથી વધુ જીવ્યાં અને મને આશીર્વાદ આપતાં રહ્યાં પરંતુ આજે પણ તેમની યાદ આવે છે. હું હજુ પણ તેમની ગેરહાજરીથી પેદા થયેલા ખાલીપાને અનુભવું છું.’
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના ભાષણ દરમ્યાન નરેન્દ્ર મોદીએ રામનાથ કોવિંદના બાળપણ અને તેમના સંઘર્ષોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોવિંદે ખૂબ જ નાની ઉંમરે પોતાનાં માતાને ગુમાવી દીધાં હતાં.
ADVERTISEMENT
યુવાનોને નરેન્દ્ર મોદીની સલાહઃ શૉર્ટકટ છોડો, આત્મકથાઓ વાંચો
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના વિમોચન પ્રસંગે નરેન્દ્ર મોદીએ યુવાનોને શૉર્ટકટ સંસ્કૃતિથી દૂર રહેવા અને પ્રેરણા માટે આત્મકથાઓ વાંચવા વિનંતી કરી હતી. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘આજે રીલ્સનો યુગ છે અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ તમને ક્યાંક ને ક્યાંક ખેંચી જાય છે, પરંતુ આ યુગમાં પણ રેલવે-સ્ટેશનો પર શું લખ્યું છે એ યાદ રાખો: શૉર્ટકટ તમને નાના કરશે. યુવાનોએ તેમના રોલ-મૉડલના જીવનસંઘર્ષ અને અનુભવોમાંથી શીખવા માટે આત્મકથાઓ વાંચવી જોઈએ. આત્મકથા વ્યક્તિના જીવનના એવા ચોક્કસ સમયગાળાને સમજવાની તક પૂરી પાડે છે જેનો તેણે સામનો કર્યો હતો.’
