૨૪ વર્ષની મેકઅપ આર્ટિસ્ટ રિદ્ધિ ઠક્કર બાઇકર્સના ગ્રુપ સાથે રાયપુરથી બસ્તર જઈ રહી હતી ત્યારે થયો અકસ્માત
રિદ્ધિ ઠક્કર
કાંદિવલી-વેસ્ટ વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષની બાઇક-રાઇડર રિદ્ધિ ઠક્કરનું ગઈ કાલે વહેલી સવારે છત્તીસગઢના બસ્તરના પ્રવાસે જતી વખતે માર્ગ-અકસ્માતમાં મૃત્યુ થયું છે. ધમતરી અને બાલોદ જિલ્લાની સરહદ પર આવેલા જગતરા ઘાટી વિસ્તારમાં એક અજ્ઞાત વાહને રિદ્ધિની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. દેશના વિવિધ ભાગોમાંથી એકત્ર થયેલી ૨૩ મહિલા બાઇકર્સનું એક ગ્રુપ રાયપુરથી બસ્તર તરફ જઈ રહ્યું હતું, જેમાં ૧૭ બાઇક અને ૩ કાર સામેલ હતી.
ધમતરી નગરપાલિકાના મેયર રામુ રોહરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતાં જ રિદ્ધિ રસ્તા પર ફેંકાઈ ગઈ હતી અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતાંની સાથે જ અજ્ઞાત વાહનચાલક સ્થળ પરથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ગઈ કાલે સવારે ૬ વાગ્યે ધમતરી વિસ્તાર પાર કર્યા બાદ બાઇક અને કારમાં પ્રવાસ કરી રહેલી તેની સાથી રાઇડરો આગળ નીકળી ગઈ હતી, જ્યારે રિદ્ધિ બે સાથીઓ સાથે પાછળ રહી ગઈ હતી. એ દરમ્યાન મરકાટોલા નજીક પાછળથી આવતા એક ટ્રેલરે રિદ્ધિની બાઇકને ટક્કર મારી હતી. રસ્તા પર ફેંકાયેલી રિદ્ધિને તેના બે સાથી બાઇકર્સ અને સ્થાનિકોએ તરત નજીકની ચારામા હૉસ્પિટલ અને ત્યાર બાદ ધમતરી જિલ્લા હૉસ્પિટલે પહોંચાડી હતી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં જ હું મારી ટીમ સાથે હૉસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં તેના બન્ને પગમાં ગંભીર ઈજાઓ જોવા મળી હતી. પ્રાથમિક માહિતી મુજબ હૉસ્પિટલ લઈ જતી વખતે તે જીવંત હતી અને વાતો કરી રહી હતી, પરંતુ હૉસ્પિટલ પહોંચતાં જ તેનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ મેં તાત્કાલિક મુંબઈમાં કાંદિવલી સ્થિત તેના પરિવારજનો સાથે વાત કરી હતી. પરિવારના સભ્યોએ આપેલી માહિતી મુજબ રિદ્ધિ રવિવારે સવારે આ રાઇડ માટે કાંદિવલીથી નીકળીને ઔરંગાબાદ, નાગપુર થઈને રાયપુર આવી હતી.’
કોણ હતી રિદ્ધિ ઠક્કર?
૨૪ વર્ષની રિદ્ધિ ઠક્કર છેલ્લાં ત્રણ વર્ષથી બાઇક-રાઇડિંગ કરતી હતી અને તેને બાઇક ચલાવવાનો ખૂબ જ શોખ હતો. બાઇક-રાઇડર હોવાની સાથે જ તે એક કુશળ મેકઅપ આર્ટિસ્ટ પણ હતી. આ અગાઉ પણ તેણે નાગપુર, પુણે સહિતના વિવિધ વિસ્તારોમાં બાઇક પર સોલો ટ્રિપ કરી હતી. સોશ્યલ મીડિયા પર પણ તે ખૂબ લોકપ્રિય હતી અને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ૧૬ હજારથી વધુ ફૉલોઅર્સ છે, જ્યાં તે પોતાની બાઇક-ટ્રિપ્સના અવનવા વિડિયો પોસ્ટ કરતી હતી.
ADVERTISEMENT
આજે કાંદિવલીમાં રિદ્ધિના અંતિમ સસ્કાર
ગઈ કાલે રાત્રે રિદ્ધિના પાર્થિવ દેહને ઍર ઍમ્બ્યુલન્સ મારફત મુંબઈ લાવવામાં આવ્યો હતો અને આજે કાંદિવલી ખાતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ સંદર્ભમાં ‘મિડ-ડે’ દ્વારા રિદ્ધિના પિતા દિવ્યેશ ઠક્કર સાથે વાતચીત કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ આઘાતમાં સરેલા પિતા ગઈ કાલે વાત કરવાની સ્થિતિમાં નહોતા. આ કરુણ ઘટનાથી કાંદિવલી સ્થિત તેના પરિવાર અને મિત્રવર્તુળમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.
શું કહેવું છે પોલીસનું?
બાલોદના પોલીસ-અધીક્ષક કિરણ ચૌહાણે જણાવ્યા અનુસાર ટક્કર મારીને નાસી છૂટેલા અજ્ઞાત વાહનની શોધખોળ માટે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસવામાં આવી રહ્યાં છે અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં હિટ ઍન્ડ રનનો કેસ નોંધવામાં આવ્યો છે.’
