Bombay HC: સીસીટીવીમાં આ છોકરી તો ટ્યુશનનું બહાનું આપીને કોઈ અન્ય યુવક સાથે જોવા મળી હતી. ફરિયાદને આધારે પોલીસે તેને શોધી કાઢી હતી.
પ્રતીકાત્મક તસવીર
એડલ્ટ બાળકોને પોતાની રીતે પોતાના લાઈફ પાર્ટનરને શોધવાનો અધિકાર છે, તેમાં કોઈપણ અન્ય વ્યક્તિ દબાણ કરી શકે નહીં, પેરેન્ટ્સ પણ નહીં. હા, કંઇક આવો જ નિર્ણય આપ્યો હતો બોમ્બે હાઇકોર્ટ (Bombay HC)ની નાગપુર બેન્ચે. વાત એમ છે કે નાગપુરમાં રહેતી એક ૧૭ વર્ષની ગર્લ ટ્યુશન જવાના બહાને ઘરની બહાર નીકળી હતી. પરંતુ તે ટ્યુશન ગઈ જ નહોતી. જ્યારે આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી ત્યારે સીસીટીવી ફુટેજ તપાસવામાં આવ્યા. સીસીટીવીમાં આ છોકરી તો ટ્યુશનનું બહાનું આપીને કોઈ અન્ય યુવક સાથે જોવા મળી હતી. ફરિયાદને આધારે પોલીસે તેને શોધી કાઢી હતી અને પરિવારને પાછી સોંપી હતી. પરંતુ થોડા સમય બાદ એ છોકરી ફરીથી ઘર છોડીને જતી રહી. ત્યારબાદ તેની માતાએ પુત્રીની કસ્ટડી મેળવવા માટે હાઈકોર્ટમાં `હબિયસ કોર્પસ` (Habeas Corpus) અરજી ફાઇલ કરી.
હબિયસ કોર્પસ (Habeas Corpus) શું છે?
ADVERTISEMENT
હબિયસ કોર્પસ (Habeas Corpus) એટલે જે તે વ્યક્તિને સદેહે હાજર કરવી. જો કોઈ પેરેન્ટ્સ પોતાની પુખ્ત વયની દીકરીને તેની મરજી વિરુદ્ધ ઘરમાં પૂરી રાખે છે અથવા કોઈ વ્યક્તિ કોઈને બંધક બનાવી લે છે ત્યારે તો તેને છોડાવવા માટે આ અરજી કરાતી હોય છે. આ કેસમાં ઘરેથી ભાગી ગયેલી પોતાની છોકરીને કોર્ટમાં હાજર કરવા તેની મમ્મીએ જ આ અરજી કરી હતી. કારણ કે આ દીકરીના પેરેન્ટ્સને એવું લાગતું હતું કે તેમની દીકરીને પેલા અજાણ્યા યુવકે ગેરકાયદેસર રીતે પોતાની પાસે કેદ કરી રાખી છે.
ત્યારબાદ છોકરીને કોર્ટ (Bombay HC)માં હાજર કરવામાં આવી હતી અને કોર્ટે છોકરી સાથે વાતચીત કરીને તેના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેસની સુનાવણી દરમિયાન યુવતીએ તો કોર્ટ સમક્ષ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તે પોતાની રાજીખુશીથી અને મરજીથી ઘર છોડીને આ યુવક પાસે ગઈ હતી. અને હવે પછી પણ તે આ જ યુવક સાથે જ જીવન વિતાવવા માંગે છે.
છોકરીના આ નિવેદન બાદ બોમ્બે હાઈકોર્ટ (Bombay HC)ની નાગપુર બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે એડલ્ટ બાળકો સ્વતંત્ર વ્યક્તિ છે અને તેઓ કંઇ પેરેન્ટ્સની પ્રોપર્ટી નથી. જો કોઈ એડલ્ટ છોકરી પોતાની મરજીથી કોઈ વ્યક્તિ સાથે રહેવાનું પસંદ કરે છે, તો તેની કસ્ટડી મેળવવા માટે હબિયસ કોર્પસ (Habeas Corpus) અરજી દાખલ ન કરી શકાય. આમ, એક માતા દ્વારા પોતાની એડલ્ટ પુત્રીની કસ્ટડી માંગતી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. અને એડલ્ટ દીકરીને પોતાના લાઈફપાર્ટનરને પસંદ કરવાના અધિકારને માન્ય રખાયો હતો. કેમ કે સુનાવણી દરમિયાન કોર્ટે જોયું કે છોકરી હવે એડલ્ટ કહેતાં કે પુખ્ત વયની થઈ ગઈ છે અને તેને પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કરવાનો પૂર્ણ કાનૂની અધિકાર છે.
માતાએ તો એવું કહીને અરજી કરી હતી કે તેમની દીકરી સગીર છે અને અજાણ્યા યુવકે તેને ગેરકાયદેસર કેદમાં રાખી છે, અને તેની સામે પોક્સો (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવે. પણ, કોર્ટે (Bombay HC) માતાના આ દાવને પણ અગ્રાહ્ય રાખ્યો હતો. આ તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને નાગપુર બેન્ચે માતાની કસ્ટડી અરજી ફગાવી દીધી હતી.
