Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કુર્લાના અશોકનગરમાં લૅન્ડસ્લાઇડ: રહેવાસીઓને આ ચોમાસે ૧૬૦ નોટિસ આપવામાં આવી હતી

કુર્લાના અશોકનગરમાં લૅન્ડસ્લાઇડ: રહેવાસીઓને આ ચોમાસે ૧૬૦ નોટિસ આપવામાં આવી હતી

Published : 13 August, 2026 07:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂસ્ખલનના જોખમ વિશે લોકોને ચેતવીને ઘર ખાલી કરવાની સલાહ આપી હતી BMCએ: કુર્લાના અશોકનગરમાં લૅન્ડસ્લાઇડે જીવ લીધો ૭ જણનો, લોકો ભરનિદ્રામાં હતા ત્યારે પરોઢિયે પોણાચાર વાગ્યે ત્રાટક્યું મોત

ગઈ કાલે સવારે ગૌસિયા ચાલની રૂમો પર ધસી પડેલી ભેખડો, સાંકડી જગ્યામાં ચાલતું રેસ્ક્યુ ઑપરેશન. તસવીરો: સૈયદ સમીર અબેદી

ગઈ કાલે સવારે ગૌસિયા ચાલની રૂમો પર ધસી પડેલી ભેખડો, સાંકડી જગ્યામાં ચાલતું રેસ્ક્યુ ઑપરેશન. તસવીરો: સૈયદ સમીર અબેદી


કુર્લા (વેસ્ટ)માં અશોકનગરમાં આવેલી ગૌસિયા ચાલની બેથી ત્રણ રૂમ પર બાજુની ટેકરી પરથી લૅન્ડસ્લાઇડ થઈ હતી. મંગળવારે થયેલા વરસાદ બાદ ટેકરીની મોટી ભેખડો ધસી પડતાં રૂમો પળવારમાં કાટમાળમાં ફેરવાઈ હતી જેને પગલે રાતે ભરઊંઘમાં સૂતેલા પરિવારો માટી, પથ્થરો અને ઘરના કાટમાળ નીચે દટાયા હતા. દટાયેલા ૧૪ લોકોમાંથી ૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય ૭ લોકોને ઈજા થઈ હતી.
બુધવારે પરોઢિયે ૩.૪૫ વાગ્યે બનેલી આ ઘટના બાદ નૅશનલ ડિઝેસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) સાથે ફાયરબ્રિગેડ અને રેસ્ક્યુ ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. અસરગ્રસ્ત વિસ્તારનો રસ્તો અત્યંત સાંકડો હોવાથી બચાવ કામગીરી પડકારજનક બની હતી. એક સમયે ફક્ત એક જ વ્યક્તિ પસાર થઈ શકે એટલી જગ્યા હોવાથી કાટમાળ હટાવવા માટેનાં મશીનોની મદદ લેવી પણ મુશ્કેલ બની હતી. અેથી અંદર દટાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ-ટીમના સભ્યોએ જાતે જ કાટમાળ હટાવવો પડ્યો હતો.
બુધવારે બપોર સુધી ચાલેલી 
બચાવ-કામગીરીમાં કાટમાળમાંથી બહાર કાઢીને લોકોને ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ૭ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અન્ય  ઈજાગ્રસ્તોમાંથી ૪ લોકોની ભાભા હૉસ્પિટલ અને રાજાવાડીમાં સારવાર ચાલુ કરવામાં આવી છે.
અશોકનગરમાં ટેકરી નંબર ૩ની આસપાસના વિસ્તારમાં ભૂસ્ખલનના જોખમ વિશે BMCએ એકલા આ ચોમાસામાં જ રહેવાસીઓને ૧૬૦ વાર ચેતવણી આપીને ઘર ખાલી કરવાની સલાહ આપી હતી  અને જાગૃતિ-અભિયાન ચલાવ્યું 
હતું. રહેવાસીઓએ આ ચેતવણી અવગણી ન હોત તો ૭ લોકોના જીવ બચી શક્યા હોત.
BMCએ જણાવ્યું હતું કે નિયમિતપણે રહેવાસીઓને ચેતવણી અપાય છે અને તેમને ભૂસ્ખલન અથવા ખડકો પડવાની સંભાવના ધરાવતા સંવેદનશીલ વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવે છે. ચોમાસા પહેલાંના સાવચેતીનાં પગલાંના ભાગરૂપે પણ નોટિસ પાઠવવામાં આવે છે.

 જીવ ગુમાવનારાના પરિવારને ચાર લાખની સહાય
મુંબઈનાં મેયર રિતુ તાવડેએ બચાવ-કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. રિતુ તાવડેએ આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓના પરિવારને ૪ લાખ રૂપિયાની આર્થિક સહાય તાત્કાલિક પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. દરેક ઘાયલ વ્યક્તિની ટ્રીટમેન્ટ માટે ૫૦,૦૦૦ રૂપિયાની મદદ કરવામાં આવશે. 



કુર્લા-ઘાટકોપરમાં હંમેશાંથી રહ્યું છે લૅન્ડસ્લાઇડનું જોખમ
ઘાટકોપર-વેસ્ટના ચિરાગનગર નજીક બનેલી ગઈ કાલની ઘટનાને પગલે જૂની દુર્ઘટનાઓ ફરી તાજી થઈ છે.
૨૦૦૦ની ૧૨ જુલાઈ : ઘાટકોપરના ઇતિહાસમાં લૅન્ડસ્લાઇડની આ સૌથી ગંભીર ઘટના હતી. આ દુર્ઘટનામાં ૭૮ લોકોએ જીવ ગુમાવ્યા અને ૭ ગંભીર રીતે ઘાયલ થયા હતા. 
૨૦૨૪ની ૧૨ એપ્રિલ : ઘાટકોપર-પશ્ચિમમાં હિમાલય સોસાયટી અને વાલ્મીકીનગર નજીક ટેકરી પરથી એક મોટો ખડક પડ્યો હતો. સાવચેતીના પગલારૂપે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ તાત્કાલિક ૧૦-૧૨ ઝૂંપડીઓ ખાલી કરાવી હતી. પરિણામે કોઈ જાનહાનિ થઈ નહોતી અને ફક્ત એક મહિલાને નાની ઈજાઓ થઈ હતી.
૨૦૨૨ની ૫ જુલાઈ : ભારે વરસાદને કારણે ઘાટકોપરના પંચશીલનગર વિસ્તારમાં લૅન્ડસ્લાઇડ થઈ હતી. એક ઘરને નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. 


કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવા વિક્ટિમ-ડિટેક્શન કૅમેરાની મદદ લેવાઈ
ગૌસિયા ચાલની રૂમો પર ધસી પડેલી ભેખડો હટાવવાનું કામ ખૂબ આકરું હતું. બેઠી ત્રણ રૂમ આખી જ દટાઈ ગઈ હતી, જ્યારે આસપાસ્ની જગ્યા અને રૂમો પર પણ નાના પથ્થરો અને માટી પડી હતી. ચાલનો રસ્તો પણ સાંકડો હોવાથી રેસ્ક્યુ ટીમોને કાટમાળ સુધી પહોંચવામાં મુશ્કેલી થઈ હતી. ઘટનાસ્થળે જતા રસ્તામાંથી માંડ એક જણ પસાર થઈ શકે એમ હતું, બે જણ સામસામે ઊભા રહીને બચાવકામ માટે એકબીજાને મદદ કરી શકે એટલી પણ જગ્યા નહોતી. એ સાંકડી ગલીમાં પણ પથ્થરો પડ્યા હતા. સેંકડો ટનનો કાટમાળ હટાવવા માટે મશીનરી અંદર લાવવી શક્ય નહોતી. માત્ર ૩થી ૩.૫ ફુટની સાંકડી ગલીને કારણે રેકરની મદદથી કાટમાળ દૂર કરવો પડ્યો હતો અને પછી જમા કરેલો કાટમાળ બાલદીથી મૅન્યુઅલી દૂર કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન કાટમાળ નીચે કોઈ દટાયું છે કે નહીં અે શોધવા માટે ખાસ વિક્ટિમ-ડિટેક્શન કૅમેરાની મદદ લેવાઈ હતી જેના ટેલિસ્કોપિક પોલ પર હાઈ-રેઝોલ્યુશન કૅમેરા ગોઠવવામાં આવે છે. તે ખૂબ જ સાંકડી જગ્યામાંથી પસાર થઈ શકે એવો પોલ હોય છે જેમાં લાઇવ વિડિયો સ્ટ્રીમિંગ થાય છે અને સેન્સર શરીરની ગરમી પરથી અંદર કોઈ જીવ હોય એની માહિતી આપે છે. ટૂ-વે  ઑડિયો ટ્રાન્સમિટ થવાથી ફસાયેલા લોકો સાથે વાત પણ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK