પ્રયાગરાજના તમામ રસ્તાઓ થઈ ગયા છે ફુલ, વાહનોને પાર્કિંગની જગ્યા નથી મળી રહી : લોકો જ્યાં જગ્યા મળે ત્યાંથી બૅરિકેડ્સ તોડીને સ્નાન કરવા જવાની કરી રહ્યા છે કોશિશ : વીક-એન્ડને લીધે થયેલી અસહ્ય ભીડ સામે પ્રશાસન પણ બન્યું લાચાર
ગઈ કાલે ત્રિવેણી સંગમ પર ઊમટેલો માનવમહેરામણ.
પ્રયાગરાજમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વધી ગયેલી ભીડ ગઈ કાલે અસહ્ય બની ગઈ હતી. ત્રિવેણી સંગમ સુધી પહોંચવા માટે ભાવિકો જબરદસ્ત હેરાન થઈ રહ્યા છે. શહેરના તમામ રોડ પર ટ્રાફિક-જૅમ થઈ ગયો છે. હાઇવે પર પણ અમુક કિલોમીટર સુધી ટ્રાફિક-જૅમને કારણે વાહનોની લાંબી લાઇન જોવા મળી રહી છે. શહેરમાં જેટલાં પાર્કિંગનાં સ્થળ બનાવવામાં આવ્યાં છે એ બધાં ફુલ થઈ જતાં મોટરિસ્ટોને પાર્કિંગ શોધવામાં પણ હેરાનગતિ થઈ રહી છે. અમુક લોકો પાર્કિંગ ન મળતાં જ્યાં જગ્યા મળે ત્યાં પાર્કિંગ કરીને જતા રહે છે, પણ પાછા આવે ત્યારે તેમને પોતાનું વાહન ત્યાં ન મળતું હોવાથી તેમની મુસીબતમાં વધારો થઈ જાય છે. વીક-એન્ડને લીધે આટલી ગિરદી થઈ હોવાનું પ્રશાસનનું માનવું છે.
ADVERTISEMENT
ગઈ કાલે પવિત્ર સ્નાન માટે બૅરિકેડ કૂદીને જઈ રહેલી મહિલા પડી ગઈ હતી.
આવી પરિસ્થિતિ જોઈને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે ‘પ્રયાગરાજ મહાકુંભમાં ફસાયેલા કરોડો શ્રદ્ધાળુઓ માટે તુરંત વ્યવસ્થા કરવી જોઈએ. ચારે તરફ ભૂખ્યા, તરસ્યા, બેહાલ અને થાકી ગયેલા તીર્થયાત્રીઓ સામે માનવીય દૃષ્ટિએ જોવું જોઈએ. પ્રયાગરાજથી ત્રીસ-ત્રીસ કિલોમીટર સુધી ટ્રાફિક-જૅમ છે. લોકો ટ્રેનના એન્જિનમાં પણ ઘૂસીને પ્રવાસ કરી રહ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે.’
પ્રયાગરાજના તમામ રસ્તાઓ પર ગઈ કાલે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.
ગઈ કાલે તો ભીડ એટલી વધી ગઈ હતી કે લોકો બૅરિકેડ્સ તોડીને પ્રતિબંધિત રસ્તાઓથી પણ સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા. આ બધા વચ્ચે પ્રશાસને બધાને વ્યવસ્થા બનાવી રાખવાની અપીલ કરી છે. તેઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે નિર્ધારિત રસ્તા સિવાય બીજા કોઈ રસ્તાનો ઉપયોગ કરવો નહીં.

