Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર; ૪ મેએ રિઝલ્ટ આવશે

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર; ૪ મેએ રિઝલ્ટ આવશે

Published : 16 March, 2026 10:14 AM | Modified : 16 March, 2026 10:15 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આસામ, કેરલમ અને પૉન્ડિચેરીમાં ૯ એપ્રિલે; તામિલનાડુમાં ૨૩ એપ્રિલે અને પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન થશે

દિલ્હીમાં ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.

દિલ્હીમાં ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.


ભારતના મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારે નવી દિલ્હીના વિજ્ઞાનભવનમાં આયોજિત પત્રકાર-પરિષદમાં ગઈ કાલે પશ્ચિમ બંગાળ, આસામ, કેરલમ, તામિલનાડુ અને પૉન્ડિચેરી એમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આસામ, કેરલમ અને પૉન્ડિચેરીમાં ૯ એપ્રિલે મતદાન થશે. તામિલનાડુમાં ૨૩ એપ્રિલે મતદાન થશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં મતદાન-પ્રક્રિયા બે તબક્કામાં ૨૩ અને ૨૯ એપ્રિલે હાથ ધરવામાં આવશે. આ તમામ રાજ્યોનાં ચૂંટણી-પરિણામો ૪ મેએ જાહેર કરવામાં આવશે. આ પાંચેય વિધાનસભાઓનો કાર્યકાળ મે મહિનામાં સમાપ્ત થાય છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે આ તમામ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આમ ચૂંટણી-પ્રક્રિયા એપ્રિલ-મે મહિનામાં પૂરી થશે. આ સાથે ૮ પેટાચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી હતી.

કાર્યકાળ ક્યારે પૂરો થશે?



વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં તમામ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ ૭ મેએ સમાપ્ત થાય છે. આ સિવાય તામિલનાડુ વિધાનસભાનો કાર્યકાળ ૧૦ મે, આસામનો ૨૦ મે, કેરલમનો ૨૩ મે અને પૉન્ડિચેરી વિધાનસભાનો કાર્યકાળ ૧૫ જૂને સમાપ્ત થાય છે.


પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકો માટે ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં કુલ ૬.૪૪ કરોડ મતદારો છે, જેમાં ૩.૨૮ કરોડ પુરુષો અને ૩.૧૬ કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. ૧૪૦૨ થર્ડ જેન્ડર મતદારો પણ પાત્ર છે. પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકો માટે ચૂંટણીઓ યોજાવાની છે.


લગભગ ૩૫ વર્ષથી પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી ૮ તબક્કામાં યોજાય છે, જ્યારે આ વખતે માત્ર બે તબક્કામાં મતદાન થશે. પહેલા તબક્કામાં ૨૩ એપ્રિલે ૧૫૨ બેઠકો પર અને બીજા તબક્કામાં ૨૯ એપ્રિલે ૧૪૨ બેઠકો પર મતદાન થશે.

ગયા વખતે પશ્ચિમ બંગાળમાં ૮ તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)એ ૨૧૫ બેઠકો જીતી હતી અને BJPએ ૭૭ બેઠકો જીતી હતી.

તામિલનાડુમાં ૨૩૪ બેઠકો માટે ચૂંટણી

તામિલનાડુમાં કુલ ૫.૬૭ કરોડ મતદારો છે, જેમાં ૨.૭૭ કરોડ પુરુષો અને ૨.૮૯ કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. ૭૬૧૭ થર્ડ જેન્ડર મતદારો પણ છે. તામિલનાડુમાં ૨૩૪ બેઠકો માટે ચૂંટણીઓ યોજાવાની છે.

છેલ્લી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પણ એક જ તબક્કામાં યોજાઈ હતી, જેમાં દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK)એ ૧૩૩ બેઠકો, ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (AIADMK)એ ૬૬ બેઠકો અને BJPએ પાંચ બેઠકો જીતી હતી. ચૂંટણી બાદ એમ. કે સ્ટૅલિને મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

આસામમાં ૧૨૬ બેઠકો માટે ચૂંટણી

આસામમાં કુલ ૨.૪ કરોડ મતદારો છે, જેમાં ૧.૨ કરોડ પુરુષો અને ૧.૨ કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. ૩૪૩ મતદાર થર્ડ જેન્ડરના છે. આસામમાં ૧૨૬ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. છેલ્લી આસામ વિધાનસભા ચૂંટણી ૩ તબક્કામાં યોજાઈ હતી. નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)એ ૭૫ બેઠકો જીતીને આસામમાં સરકાર બનાવી હતી અને હિમંતા બિસ્વા સર્માએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

કેરલમમાં ૧૪૦ બેઠકો માટે ચૂંટણી

કેરલમમાં કુલ ૨.૭૦ કરોડ મતદારો છે, જેમાં ૧.૩૧ કરોડ પુરુષો અને ૧.૩૮ કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. ૨૭૭ મતદાર થર્ડ જેન્ડરના છે. કેરલમમાં ૧૪૦ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ગઈ વખતે પણ કેરલમ વિધાનસભાની ચૂંટણીઓ એક જ તબક્કામાં યોજાઈ હતી. લેફ્ટ ડેમોક્રૅટિક ફ્રન્ટ (LDF)એ ૯૯ બેઠકો જીતી હતી અને યુનાઇટેડ ડેમોક્રૅટિક ફ્રન્ટ (UDF)એ ૪૧ બેઠકો જીતી હતી. આ ચૂંટણી બાદ પિનરાઈ વિજયન સતત બીજા કાર્યકાળ માટે મુખ્ય પ્રધાન બન્યા હતા.

પૉન્ડિચેરીમાં ૩૦ બેઠકો માટે ચૂંટણી

પૉન્ડિચેરીમાં કુલ ૯.૪ લાખ મતદારો છે, જેમાં ૪.૪ લાખ પુરુષો અને ૫ લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. ૧૩૯ મતદારો થર્ડ જેન્ડરના છે. પૉન્ડિચેરીમાં ૩૦ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે.

ગઈ વખતે પૉન્ડિચેરી વિધાનસભાની ચૂંટણી એક જ તબક્કામાં યોજાઈ હતી. NDAએ ૧૬ બેઠકો જીતી હતી અને યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA)એ ૯ બેઠકો જીતી હતી. NDAના એન. રંગાસ્વામી પૉન્ડિચેરીના મુખ્ય પ્રધાન બન્યા હતા.

ચૂંટણી જાહેર થવાના સવા કલાક પહેલાં મમતા બૅનરજીએ પૂજારીઓ અને અઝાન કરાવનારાઓનો પગાર વધાર્યો

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના સવા કલાક પહેલાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ પૂજારીઓ અને મસ્જિદોમાં અઝાન કરાવનારા મુએઝીનોના માનદ વેતનમાં ૫૦૦ રૂપિયાનો વધારો કર્યો હતો. હવે તેમને દર મહિને ૨૦૦૦ રૂપિયા મળશે. આ મુદ્દે એક ટ્વીટમાં મમતા બૅનરજીએ લખ્યું હતું કે પૂજારીઓ અને મુએઝીનો સમુદાયોના આધ્યાત્મિક અને સામાજિક જીવનને જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરકારે માનદ વેતન યોજના હેઠળ તમામ નવી અરજીઓને પણ મંજૂરી આપી છે.

સરકારી કર્મચારીઓને ફાયદો કરાવ્યો

મમતા બૅનરજીએ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને માર્ચ ૨૦૨૬થી તેમના બાકી રહેલા ડિયરનેસ અલાવન્સ (DA) માટે પણ એક મોટી જાહેરાત કરી હતી. તેમને DAની બાકી રકમનું વિતરણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો, શૈક્ષણિક સંસ્થાઓના લાખો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ તેમ જ પંચાયતો, નગરપાલિકાઓ અને અન્ય સ્થાનિક સંસ્થાઓ જેવી સહાયિત સંસ્થાઓના કર્મચારીઓ અને પેન્શનરોને આ નિર્ણયનો લાભ મળશે.  

Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 10:15 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK