Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યુદ્ધે ખોરવી નાખ્યા મુંબઈગરાઓના વિદેશ જવાના ઓરતા

યુદ્ધે ખોરવી નાખ્યા મુંબઈગરાઓના વિદેશ જવાના ઓરતા

Published : 16 March, 2026 07:11 AM | Modified : 16 March, 2026 07:13 AM | IST | Mumbai
Darshini Vashi

હવે દેશનાં સ્થળોએ થશે ટૂરિસ્ટોનો ધસારો: યુદ્ધને કારણે અનેક લોકોએ સમર વેકેશનમાં વિદેશ જવાનું માંડી વાળ્યું છે, જેમનાં ફ્લાઇટ-હોટેલનાં બુકિંગ થઈ ગયાં છે તેઓ લાખો રૂપિયાનું નુકસાન જોઈ રહ્યા છે

પુનિત જૈન ફૅમિલી સાથે, નયના જેસરાણી, આકાશ ચંદારાણા પત્ની સાથે

પુનિત જૈન ફૅમિલી સાથે, નયના જેસરાણી, આકાશ ચંદારાણા પત્ની સાથે


યુદ્ધ ભલે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહ્યું છે, પરંતુ એની સીધી અથવા આડકતરી અસર આજે વિશ્વભરના તમામ દેશોનાં વિવિધ સેક્ટરો અને ઇન્ડસ્ટ્રી પર પડી રહી છે. એમાંની એક ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી છે. આપણા દેશની વાત કરીએ તો હવે સમર વેકેશન નજીક છે. નૉર્મલી માર્ચ મહિનાથી લોકો બહારગામ જવા માટેનું બુકિંગ કરવાની શરૂઆત કરી દેતા હોય છે, પરંતુ આ વર્ષે વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની સ્થિતિ જોતાં ટૂરિસ્ટો ઇન્ટરનૅશનલ ટૂર કરવાના પ્લાનને કૅન્સલ કરી રહ્યા છે અને ડોમેસ્ટિક ડેસ્ટિનૅશન પર નજર દોડાવી રહ્યા છે. સામે ટૂર-ઑપરેટરો પણ સ્વીકારી રહ્યા છે કે લોકોની ઇન્ટરનૅશનલ ટ્રાવેલિંગ માટેની પૂછપરછ આ વખતે સાવ ન બરાબર છે અને જે છે એ પણ કૅન્સલ થઈ રહી છે. એમ છતાં એશિયાની સેફેસ્ટ તરીકે જોવાતી કન્ટ્રી જેવી કે વિયેટનામ, જપાન, સિંગાપોર જેવા દેશો તરફ ટૂરિસ્ટો રસ દાખવી રહ્યા છે. આ વિશે વધુ માહિતી મેળવવા ‘મિડ-ડે’એ ઇન્ટરનૅશનલ ટૂર પર જવા માટેનો પ્લાન કૅન્સલ કરી રહેલા કેટલાક લોકો અને ટૂર-ઑપરેટર્સ સાથે વાત કરી હતી.

ફ્રેન્ડ્સ સાથેની ફર્સ્ટ ઇન્ટરનૅશનલ ટ્રિપ કૅન્સલ કરવી પડી : પુનિત જૈન



અંધેરીમાં રહેતા પુનિત જૈન કહે છે, ‘અમે છેલ્લાં કેટલાંય વર્ષોથી ફ્રેન્ડ્સ સાથે ઇન્ટરનૅશનલ ટ્રિપ કરવાનું પ્લાન કરી રહ્યા હતા. દર વર્ષે કોઈ ને કોઈ કારણસર અમારી ઇન્ટરનૅશનલ ટ્રિપનો પ્લાન કૅન્સલ થઈ રહ્યો હતો. આ વખતે બધું ઑલ વેલ હતું ત્યારે વૉર વચ્ચે આવી ગઈ અને અમારો પ્લાન કૅન્સલ થઈ ગયો. અમે ફ્રેન્ડ્સ સાથે આ વખતે યુરોપ જવાનો પ્લાન બનાવ્યો હતો. બધા ફ્રેન્ડ્સને યુરોપની ટૂર કરવા માટે તૈયાર કર્યા હતા. બુકિંગ માટેની બધી તૈયારી પણ કરી લીધી હતી. લેડીઝ લોકોએ યુરોપમાં શૉપિંગ કરવાનું લિસ્ટ પણ રેડી કરી રાખ્યું હતું. અહીં સુધી કે અમુક મેમ્બર્સના પાસપોર્ટ થયા નહોતા એટલે તેમણે રજાઓ લઈને અને પૈસાનું પાણી કરીને પાસપોર્ટ પણ કઢાવ્યા, પરંતુ હવે પ્લાન ફ્લૉપ થઈ ગયો. બાળકો પણ ઉત્સાહિત હતાં. તેઓ પણ નિરાશ થઈ ગયાં છે. ડાયરેક્ટ ફ્લાઇટ ખૂબ જ મોંઘી છે એટલે એ વિકલ્પ પણ વિચારી શકાય એમ નથી અને વૈશ્વિક સ્તરે વાતાવરણ પણ જોખમી છે એટલે પ્લાન જ રદ કરી દીધો છે. અત્યારની પરિસ્થિતિને જોતાં એવું લાગે છે કે હવે ફરીથી ફરવા માટે ડોમેસ્ટિકમાં જ પ્લેસ શોધવી પડશે.’


હવે દુબઈ નહીં પણ નાથદ્વારા જઈશું : આકાશ ચંદારાણા

મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિને જોતાં અમારી ફૅમિલીના લોકો જ ઇન્ટરનૅશનલ ટૂર કરવા માટે ના પાડી રહ્યા છે એમ જણાવતાં કાંદિવલીના આકાશ ચંદારાણા કહે છે, ‘અમે ફ્રેન્ડ સાથે દુબઈ જવાના હતા, પરંતુ અત્યારે મિડલ ઈસ્ટની જે સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને અમે દુબઈ ફરવા જવાનો પ્લાન જ કૅન્સલ કરી દીધો છે. નસીબજોગે અગાઉથી કોઈ બુકિંગ કરાવ્યું નહોતું એટલે પૈસા બચી ગયા, નહીંતર મોટો લૉસ થઈ ગયો હોત. હમણાં જ મારી ફૅમિલીમાંથી અમુક મેમ્બર્સ માંડ-માંડ દુબઈથી મુંબઈ સુધી પહોંચી શક્યા છે. તેમને જોઈને હવે દુબઈ તો શું અમારી ફૅમિલી અન્ય કોઈ ઇન્ટરનૅશનલ સ્થળે પણ જવાની ના પાડે છે એટલે હવે અમે પણ પ્લાન માંડી વાળ્યો છે. એને બદલે અમે વેકેશનમાં નાથદ્વારા અથવા રાજસ્થાનમાં ફૅમિલી સાથે જઈ આવીશું. આ ઉપરાંત અમે નૉર્થ ઇન્ડિયાનાં પણ બીજાં બે-ત્રણ સ્થળ વિચાર્યાં છે. એવું હશે તો ત્યાં જઈ આવીશું.’


અમેરિકા જવાનું પોસ્ટપોન થયું : નયના જેસરાણી

કોઈને ફરવા માટે ઇન્ટરનૅશનલ ટ્રિપ પર જવું છે તો કોઈને પોતાના લોકોને મળવા માટે વિદેશમાં જવું છે. રીઝન ભલે ગમે એ હોય તો પણ સત્ય તો એ જ છે કે યુદ્ધની સ્થિતિને પગલે લોકોની ઇન્ટરનૅશનલ ટૂર કૅન્સલ થઈ રહી છે. મુલુંડમાં રહેતાં નયના જેસરાણી સાથે પણ એવું જ થયું છે. તેઓ આ વિશે કહે છે, ‘મારી દીકરી અમેરિકામાં રહે છે. તેનો ૧૦ માર્ચે બર્થ-ડે હતો અને મારો એના બે દિવસ પહેલાં જ હતો એટલે બન્નેનો સાથે બર્થ-ડે સેલિબ્રેટ કરવાનો અમારો પ્લાન હતો. જોકે એ પહેલાં વૉર શરૂ થઈ ગઈ અને અમારો સાથે સેલિબ્રેશન કરવાનો પ્લાન ફ્લૉપ થઈ ગયો. હું તેને એક વર્ષ કરતાં પણ વધુ સમયથી મળી નથી એટલે તેને મળવાની ઇચ્છા પણ થતી હતી. જોકે લાગે છે કે મારે હજી રાહ જોવી પડશે. અત્યારે ટિકિટ બુક કરાવવાનો પણ કોઈ મતલબ નથી, કેમ કે ગ્લોબલ અનિશ્ચિતતાના માહોલની વચ્ચે હું કોઈ ટિકિટ બુક કરાવીશ તો પણ મને લૉસ જ જશે. એને બદલે હું થોડો સમય વેઇટ કરું એ ચાલશે. મારો દીકરો અને તેની પત્ની યુરોપ જવાનાં હતાં. તેમનો પ્લાન પણ હવે કૅન્સલ થઈ ગયો છે. હવે તેઓ દેશમાં જ કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યાં છે, પરંતુ અત્યારે સિચુએશન એવી છે કે કોઈ પણ સ્થળે બુકિંગ કરવું જોખમી લાગી રહ્યું છે.’

કાંદિવલીના ધર્મિલ મોદી પર તોળાઈ રહ્યો છે લાખો રૂપિયાનો ફટકો

અમારે જવું છે પણ જવા નથી મળી રહ્યું

કાંદિવલીના મહાવીરનગરમાં રહેતા ધર્મિલ મોદી કહે છે, ‘અમારી ૨૭ માર્ચની ફ્લાઇટ છે અને અમે મુંબઈથી અબુ ધાબી, અબુ ધાબીથી ઍમ્સ્ટરડૅમ, ઍમ્સ્ટરડૅમથી વિયેના અને વિયેનાથી ઑસ્ટ્રેલિયા જવાના હતા. ફ્લાઇટની ટિકિટથી લઈને હોટેલો સુધીનું બુકિંગ અમે બે મહિનાં પહેલાં જ કરાવી દીધું હતું. સસ્તું પડે એ ચક્કરમાં અમે ઍડ્વાન્સમાં બુક કરી દીધું હતું અને એ પણ 
નૉન-રીફન્ડેબલ. અમે ઇતિહાદ ઍરલાઇન્સમાં ફ્લાઇટ બુક કરાવી છે અને તેમની વેબસાઇટ પર એમ બતાવે છે કે ૧૯ તારીખ પહેલાં તમને ફ્લાઇટનું સ્ટેટસ ખબર પડી શકશે નહીં એટલે અત્યારે તો અમે વેઇટ ઍન્ડ વૉચની જ સ્થિતિમાં છીએ. અમે કૅન્સલ કરીએ તો પણ અમને લૉસ જશે અને નહીં કૅન્સલ કરીએ તો પણ અત્યારે તો લૉસ જ દેખાઈ રહ્યો છે. આ સિવાય વીઝાનો ચાર્જ જે પણ ઘણો મોટો છે એ પણ વેસ્ટ જ જશે. ફ્લાઇટમાં અમે હૉલ્ટ ચેન્જ કરવાની ટ્રાય કરી હતી. અબુ ધાબીમાં અમારો હૉલ્ટ છે. અમે હૉલ્ટ ચેન્જ કરવાની ટ્રાય કરી તો એ દોહામાં આવે છે. આ બન્ને જગ્યા મિડલઇસ્ટમાં જ આવે છે. આટલું ઓછું હોય એમ ઍરલાઇન્સ તરફથી અમને કોઈ સપોર્ટ જ નથી. અમે રોજ મેઇલ નાખીએ છીએ પણ કોઈ રિપ્લાય નથી. વિદેશમાં જ્યાં પણ હોટેલ બુક કરી છે તેઓ પણ રીફન્ડ સાથે હોટેલ કૅન્સલ કરવા દેતા નથી. તેઓ કહે છે કે તમે કૅન્સલ કરી રહ્યા છો, અમે નહીં એટલે અમે રીફન્ડ નહીં કરીએ. આ સિવાય અમે ત્યાં પણ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ફ્લાઇટ કરી છે એના પૈસા પણ રીફન્ડ થશે નહીં. હોટેલના પૈસા એક વખત વેસ્ટ જાય તો વાંધો નથી, પરંતુ ફ્લાઇટનું રીફન્ડ નહીં થાય તો મોટો ફટકો પડશે. એ પણ હજારોમાં નહીં, લાખો રૂપિયામાં ફટકો પડશે.’

ટ્રાવેલ-ઑપરેટરો શું કહે છે?

રશિયા સહિતની બધી ઇન્ટરનૅશનલ ટ્રિપ કૅન્સલ : મેહુલ શાહ

વિસ્ટાગ્રીન ટ્રાવેલ ઍન્ડ ટૂરિઝમ LLCના સ્થાપક મેહુલ શાહ કહે છે, ‘અમારે ત્યાં આજ સુધીમાં વીસેક ઇન્ટરનૅશનલ ટૂર કૅન્સલ થઈ ગઈ છે. એમાં રશિયાની ટૂર પણ આવે છે. અમે આ વખતે રશિયા ખાતે સ્પેશ્યલ લેડીઝ ટૂર લઈ જવાનો પ્લાન કરી રહ્યા હતા એ પણ કૅન્સલ કરવામાં આવી છે. લોકો વિદેશથી ફરી દેશમાં આવી રહ્યા છે. ઇન્ટરનૅશનલ ટૂર લોકોને હાલમાં અનસેફ લાગી રહી છે. મિડલ ઈસ્ટના બધાં ઍરપોર્ટ બંધ જેવાં જ છે. લિમિટેડ ફ્લાઇટ ઊપડી રહી છે એટલે રૂટ ચેન્જ કરીને જવાનો વિકલ્પ બચે છે જે પણ મર્યાદિત છે. પાકિસ્તાન ઉપરથી પણ જઈ નથી શકતા એટલે આવી સ્થિતિમાં લોકો ઇન્ટરનૅશનલ સ્થળે જવાનું ટાળી રહ્યા છે. મધ્યપૂર્વમાં તાજેતરના તનાવ અને હવાઈ ક્ષેત્રમાં વિક્ષેપો થવાને લીધે મુસાફરી અને પર્યટન ક્ષેત્રને ગંભીર અસર થઈ છે. પ્રવાસન ઉદ્યોગના દૃષ્ટિકોણથી હવાઈ ક્ષેત્રમાં કામચલાઉ વિક્ષેપની ટ્રાવેલ પ્લાન પર તાત્કાલિક અસર પડી છે. પરિણામે છેલ્લા કેટલાક દિવસોમાં UAEમાં આવતાં પ્રવાસન-સ્થળો રદ થયાં છે અને ઘણાં આઉટબાઉન્ડ હૉલિડે પૅકેજો પણ પ્રભાવિત થયાં છે. વર્તમાન પરિસ્થિતિને કારણે અમારે ત્યાં રશિયા, અઝરબૈજાન, આર્મેનિયા, જ્યૉર્જિયા અને ટર્કી જેવાં સ્થળોએ આઉટબાઉન્ડ બુકિંગ રદ કરવા પડ્યાં છે. એક વાર સામાન્ય ઍરસ્પેસ કામગીરી સંપૂર્ણપણે ફરી શરૂ થઈ જાય પછી અમને વિશ્વાસ છે કે ઇન્ટરનૅશનલ ટૂરને ફરી વેગ મળશે અને આ ક્ષેત્ર એની મજબૂત ગતિ પાછી મેળવશે.’

એશિયન દેશો તરફ રસ વધ્યો : ફોરમ શાહ

ફોરમ વર્લ્ડવાઇડનાં ફોરમ શાહ કહે છે, ‘વાત સાચી છે કે ઇન્ટરનૅશનલ ટૂર માટે ઇન્ક્વાયરી આવી રહી નથી. બુકિંગ સ્લો છે, પરંતુ એશિયન દેશોને એમાં ફાયદો થઈ શકે છે. લોકો એશિયન કન્ટ્રી માટે ઇન્ક્વાયરી કરી રહ્યા છે. ખાસ કરીને વિયેટનામ અને જપાન જેવા દેશો ટૂરિસ્ટોને પસંદ આવી રહ્યા છે. વર્તમાન સમયની વાત કરું તો હું હમણાં જ વિયેટનામથી આવી છું જ્યાં ખૂબ જ ગિરદી છે. પહેલાં લોકોને લોકલમાં ફૂડનો પણ પ્રૉબ્લેમ થતો હતો, પરંતુ હવે તો એ પ્રૉબ્લેમ પણ નથી એટલે લોકો અહીં વધુ ખેંચાઈ રહ્યા છે. મિડલ ઈસ્ટના ચાલી રહેલા ઇશ્યુને લીધે ઇનબાઉન્ડ ટૂરિઝમમાં વધારો તો થશે જ, પરંતુ જેમને બહાર જવું છે તેઓ એશિયન દેશોને પસંદ કરશે અને ત્યાં વધુ ધસારો થશે.’

ડોમેસ્ટિક ટૂરિઝમમાં તેજી આવશે : જિતુભાઈ શાહ

હીના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના જિતુભાઈ શાહ કહે છે, ‘ડોમેસ્ટિક ટ્રાવેલ માટે ઇન્કવાયરી શરૂ થઈ ગઈ છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં લોકલમાં ધસારો ચોક્કસ વધશે. ખાસ કરીને નૉર્થ ઇન્ડિયામાં આ વખતે વધુ લોકો જશે. ગરમીની મોસમમાં લોકો સામાન્ય રીતે ઠંડા સ્થળે જવાનું વધુ પસંદ કરતા હોય છે એટલે અહીં ગિરદી ચોક્કસ વધશે. જો નૉર્થ ઇન્ડિયામાં જઈ આવ્યા હશે તો તેઓ બીજા કોઈ સ્થળે જશે, કોઈ નવી જગ્યા એક્સ્પ્લોર કરશે. લોકો ફરશે ખરા, ફરવાનું તો બંધ નહીં જ કરે. વિદેશમાં નહીં તો દેશમાં, પણ ફરવા જશે ખરા. અત્યારે ગ્લોબલ સિચુએશનને લીધે ઇનબાઉન્ડમાં પણ ઇન્ક્વાયરી નૉર્મલ છે, પરંતુ એ ધીરે-ધીરે વધશે જ. એવું પણ બને કે ધસારો વધશે તો લોકલ હોટેલવાળા પોતાની ટૅરિફ વધારી પણ દેશે. જે હશે તે, પણ ટૂંક સમયમાં ઘણું ક્લિયર વિઝન મળી જશે.’

Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 07:13 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK