હિમાલયમાં ૩૦-૪૦ વર્ષમાં ગ્લૅશિયર લેકના આકાર બમણા થઈ ગયા છે : ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર નદીમાં પૂરનો ખતરો
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)ના નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે હિમાલયમાં આવેલાં ગ્લૅશિયર એટલે કે હિમશિલાઓ પીગળી રહી છે અને એનાથી ગ્લૅશિયર લેકમાં વધારે પડતા પાણીનો જથ્થો એકઠો થઈ રહ્યો છે. ગ્લૅશિયર પીગળે એટલે એમાંથી પાણી વહેવા લાગે છે અને એ ગ્લૅશિયર લેક બનાવે છે. વધારે પાણીથી આવા લેકનો આકાર મોટો થાય છે. આ લેક ફાટે તો ગ્લૅશિયર લેક્સ આઉટબર્સ્ટ ફ્લડ્સ (GLOFS) ઊભાં થવાનો ખતરો રહે છે. ભૂતકાળમાં કેદારનાથ, ચમોલી અને સિક્કિમમાં આવાં પૂર આવી ચૂક્યાં છે. ફ્લૅશ ફ્લડની સાથે ભૂસ્ખલનનો ખતરો પણ રહે છે. હિમાલયમાં ૨૪૩૨ ગ્લૅશિયર લેક છે, જેમાંથી ૬૭૬ લેકનો વિસ્તાર વધી ગયો છે. આ પૈકી ૧૩૦ લેક ભારતીય સીમામાં છે. આ ગ્લૅશિયર લેક ભારતની ત્રણ નદી ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુનાં પાણીનો સ્રોત છે.

