બિહાર, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગણ અને રાજસ્થાનમાં કાર્યવાહી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતમાં સુરક્ષાદળોએ એક મોટી કાર્યવાહી હાથ ધરીને આતંકવાદી સંગઠનો અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકૉન્ટિનેન્ટ (AQIS) અને ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) સાથે જોડાણ હોવાના શંકાસ્પદ ૧૨ આરોપીઓની ધરપકડ કરી હતી. બિહાર, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગણ અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીએ સુરક્ષા-એજન્સીઓ માટે ગંભીર ચિંતા ઊભી કરી છે.
આ વિશે જાણકારી આપતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની સુરક્ષા માટે જોખમી બની શકે એવાં ખતરનાક તત્ત્વોને કાબૂમાં લેવા માટે આ મહત્ત્વપૂર્ણ કાર્યવાહી છે. શંકાસ્પદો પાસેથી અસંખ્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી જે આતંકવાદી કૃત્યો માટે તેમની યોજના દર્શાવે છે. ISIS અને અલ-કાયદા સાથે જોડાયેલા શંકાસ્પદો સામે આંધ્ર પ્રદેશ પોલીસના નેતૃત્વમાં સંકલિત કાર્યવાહી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
રાજસ્થાન-આંધ્ર પ્રદેશમાંથી ધરપકડ
રાજસ્થાનના જોધપુરથી પકડાયેલો ૧૯ વર્ષનો ઝીશાન આ નેટવર્કનો મુખ્ય હૅન્ડલર છે. તે વિદેશી હૅન્ડલરોના સંપર્કમાં હતો અને ભારતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવા માટે ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી રહ્યો હતો. આંધ્ર પ્રદેશના વિજયવાડામાં પકડાયેલા ત્રણ મુખ્ય શંકાસ્પદોમાં ૨૩ વર્ષના બાઇક-ટૅક્સી ડ્રાઇવર મોહમ્મદ રહેમતુલ્લાહ શરીફ, ૨૩ વર્ષના રેસ્ટોરાં-કર્મચારી મિર્ઝા સોહેલ બેગ અને ૨૭ વર્ષના લેસર માર્કિંગ પ્રોફેશનલ મોહમ્મદ દાનિશનો સમાવેશ છે. તેમણે યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને તેમને જેહાદ માટે તૈયાર કરવાના ઉદ્દેશથી અલ-મલિક ઇસ્લામિક યુથ નામનું જૂથ બનાવ્યું હતું. તેમને વિદેશી હૅન્ડલર્સ જેમ કે અલ-હકીમ શકુર સાથે લિંક્સ હોવાનું બહાર આવ્યું છે. શંકાસ્પદો પ્રતિબંધિત સંગઠનોની વિચારધારા ફેલાવવા માટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમણે કથિત રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું અને ભારતને ઇસ્લામિક રાજ્ય બનાવવાના હેતુથી દ્વેષપૂર્ણ સામગ્રી શૅર કરી હતી. શંકાસ્પદો તાલીમ માટે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જવાની તૈયારી કરી રહ્યા હતા અને અન્ય યુવાનોને પણ આવું કરવા માટે પ્રેરણા આપી રહ્યા હતા.
