પહલગામમાં જ્યાં ૨૬ પ્રવાસીઓની ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી એ સ્થળનું નામ બદલવા વિશેની અરજી મંગળવારે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં કરવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
પહલગામમાં જ્યાં ૨૬ પ્રવાસીઓની ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી એ સ્થળનું નામ બદલવા વિશેની અરજી મંગળવારે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી. એમાં માગણી કરવામાં આવી હતી કે આતંકવાદીઓ દ્વારા જ્યાં આ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી એ સ્થળનું નામ ‘શહીદ હિન્દુ ઘાટી ટૂરિસ્ટ પ્લેસ’ રાખવું જોઈએ. આ ઉપરાંત હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શહીદનો દરજ્જો આપવો જોઈએ એવી માગણી પણ કરવામાં આવી છે. આ અરજીને મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ અને ન્યાયાધીશ સુમિત ગોયલની બેન્ચે ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું હતું કે ‘આવી માગણી પર નિર્ણય ફક્ત સરકાર અથવા સંબંધિત અધિકારીઓ દ્વારા જ લઈ શકાય છે. આમાં કોર્ટની કોઈ ભૂમિકા ન હોઈ શકે. કોઈ સ્થળ જાહેર કરવું કે સ્મારક નક્કી કરવું કે એનું નામ બદલવું અને શહીદનો દરજ્જો આપવો એ સરકારનું કામ છે.’

