ભારત સામે હાર્યા પછી પણ પાકિસ્તાની આર્મી ચીફને પ્રમોશન
આસિમ મુનીર
પાકિસ્તાન સરકારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરને બઢતી આપી છે. મંગળવારે પાકિસ્તાનની કૅબિનેટે આસિમ મુનીરને ફીલ્ડમાર્શલ તરીકે બઢતી આપવાને મંજૂરી આપી છે. પાકિસ્તાન આર્મીમાં ફીલ્ડમાર્શલનો હોદ્દો માત્ર સન્માન નથી પણ વ્યૂહાત્મક નિર્ણયોમાં સર્વોચ્ચ અધિકાર પણ આપે છે. એનો અર્થ એ થયો કે મુનીર પાસે હવે પાકિસ્તાની સેના તેમ જ સરકારમાં અપાર શક્તિ હશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો સીધો સંબંધ પાકિસ્તાની સેના અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે હોવાનું જાણવા મળ્યું છે.
એક પાકિસ્તાની સૈન્ય અધિકારીએ સ્વીકાર્યું હતું કે ‘પહલગામ હુમલાનું આસિમ મુનીર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ફીલ્ડ માર્શલ બન્યા બાદ તેમને હવે પાકિસ્તાનની સેના અને ગુપ્તચર એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત કરવા માટે છૂટ મળી શકે છે. આનાથી ભારત વિરુદ્ધ આતંકવાદ, સાઇબર હુમલા અને અન્ય પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બની શકે છે.’
ADVERTISEMENT
કોણ છે આસિમ મુનીર?
આસિમ મુનીર પાકિસ્તાનના અગિયારમા આર્મી ચીફ છે. આસિમ મુનીરે ૧૯૮૬માં પોતાની લશ્કરી કારકિર્દી શરૂ કરી હતી. તેઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના વડા પણ રહી ચૂક્યા છે. તેમને પાકિસ્તાનના સર્વોચ્ચ લશ્કરી સન્માનો નિશાન-એ-ઇમ્તિયાઝ, હિલાલ-એ-ઇમ્તિયાઝ અને પ્રતિષ્ઠિત સ્વૉર્ડ ઑફ ઑનર એનાયત કરવામાં આવ્યાં છે.


