દિલ્હી અને નૅશનલ કેપિટલ રીજન (NCR)માં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થવાથી જનજીવનને ભારે અસર પડી હતી
દિલ્હીમાં ગઈ કાલે રોહિણી સેક્ટર-16 વિસ્તારમાં ધરાશાયી થયેલા એક અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના કાટમાળમાં એક કાર દબાઈ ગઈ હતી.
દિલ્હી અને નૅશનલ કેપિટલ રીજન (NCR)માં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થવાથી જનજીવનને ભારે અસર પડી હતી. એશિયાનું સૌથી મોટું હોલસેલ બજાર સદર બજાર જળબંબાકાર થયું હતું. ભારે વરસાદથી દિલ્હીના રોહિણી સેક્ટર-16માં ગઈ કાલે સાંજે ૪ વાગ્યાની આસપાસ ૪ માળનું એક બંધાઈ રહેલું બિલ્ડિંગ ધરાશાયી થતાં એક જણનું મૃત્યુ થયું હતું અને કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા હતી.
બીજી તરફ હવામાન ખાતાએ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ૭ રાજ્યો માટે રેડ અલર્ટ જાહેર કરી છે અને આગામી ૨૪ કલાકમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગામી ૨૪ કલાકમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, સિક્કિમ, કર્ણાટક, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે ભૂસ્ખલન, ૩૨ રોડ બંધ
દેવભૂમિ ઉત્તરાખંડમાં ચોમાસાનો વરસાદ આફત લાવ્યો છે. ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલન, પથ્થરો અને કાટમાળને કારણે ઘણા રસ્તા બંધ થઈ ગયા છે, જેને કારણે લોકો માટે મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ છે. આ રસ્તાઓ પરથી કાટમાળ દૂર કરવા માટે અનેક ટીમો કામ કરી રહી છે. ઉત્તરાખંડમાં ૩૨ રસ્તાઓ પથ્થરો કે કાટમાળને કારણે બંધ છે. અધિકારીઓનું કહેવું છે કે કાટમાળ દૂર કરવાના અને ટ્રાફિક પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ રસ્તાઓ ટૂંક સમયમાં સાફ કરીને ફરી ખોલવામાં
આવશે.
