સામાન્ય કરતાં ૨૩ ટકા વધુ વરસાદ, ઑગસ્ટમાં ગયા વર્ષના ૧૪ સામે આ વર્ષે ૨૧ દિવસ અતિ ભારે વરસાદના રહ્યા
અમૃતસરમાં આર્મીએ ગમેએવા પૂરના પાણીમાં પણ ચાલી શકે એવા સ્પેશ્યલ વાહનથી બચાવકામગીરી કરી હતી.
ભારતનાં ઉત્તર-પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૨૩ ટકા વધારે વરસાદ વરસી ચૂક્યો છે, જ્યાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદને લીધે જાનહાનિ અને માલસામાનની ભારે નુકસાની થઈ છે. ઑગસ્ટ મહિનામાં ગયા વર્ષે ૧૪ દિવસ અતિ ભારે વરસાદના રહ્યા હતા, જ્યારે આ વર્ષે ઑગસ્ટના ૨૧ દિવસ અત્યંત ભારે વરસાદના નોંધાયા હતા અને મહિનાના હજી ૩ દિવસ બાકી છે. એકલા હિમાચલ પ્રદેશમાં ૧થી ૨૫ ઑગસ્ટ વચ્ચે ૪૪ ટકા વધુ વરસાદ વરસ્યો હતો.
ઉત્તર ભારત માટે ૨૦૧૩ પછીનું આ સૌથી ભારે ચોમાસું રહ્યું છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતનાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદે હાહાકાર મચાવ્યો હતો.
ADVERTISEMENT

પંજાબના ગુરદાસપુરમાં આર્મીના જવાનોએ હેલિકૉપ્ટરથી પૂરમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા.
ચેરાપુંજી સૂકુંભઠ
ચેરાપુંજી જે ભારતમાં અનરાધાર વરસાદના પર્યાય તરીકે અને સમગ્ર વર્ષ દરમ્યાન વરસાદી વાતાવરણને લીધે જાણીતું છે એ અત્યારે વરસાદની ખોટ અનુભવી રહ્યું છે. ભારતના અન્ય ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં અનેકગણો વધારે વરસાદ વરસ્યો છે ત્યારે ચેરાપુંજીમાં આ વર્ષે અત્યાર સુધીમાં સામાન્ય કરતાં ૫૦ ટકા જેટલો ઓછો વરસાદ વરસ્યો છે.
સપ્ટેમ્બરમાં પણ વરસાદની ચેતવણી
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યો માટે સપ્ટેમ્બર પણ વરસાદી રહેવાની આગાહી ભારતના હવામાન ખાતાએ કરી છે. આ ઉપરાંત હરિયાણા, પંજાબ, રાજસ્થાન, લેહ-લદ્દાખ અને રાજધાની દિલ્હીમાં પણ સપ્ટેમ્બર મહિનામાં વરસાદની શક્યતા ભરપૂર છે.
વરસાદ પછી ધરખમ ઠંડી પડશે
અરબી સમુદ્રના વાતાવરણમાં આવેલા ફેરફારને લીધે આ વર્ષે ભારતમાં ચોમાસું ખૂબ જોરદાર રહ્યું છે. હવામાનશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે વાતાવરણના આ જ પરિવર્તનને લીધે આ વર્ષે દેશમાં ઠંડી પણ હાડ ગાળી દે એવી જોરદાર પડવાની છે. ભારત ઉપરાંત ઇન્ડોનેશિયાથી લઈને લૅટિન અમેરિકા સુધીનો સમગ્ર પ્રદેશ આની ભારે અસરમાં આવશે.
ગુજરાતમાં ૮૫ ટકા વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. સારા વરસાદને કારણે તેમ જ ઉપરવાસમાં પડેલા વરસાદથી ગુજરાતના ૧૦૦ ડૅમ હાઈ અલર્ટ પર, ૨૮ ડૅમ અલર્ટ પર તથા ૧૭ ડૅમ વૉર્નિંગ અલર્ટ પર છે.
આ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૮૯ ટકા, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા અને પૂર્વ–મધ્ય ગુજરાતમાં ૮૧.૦૩ ટકા પડ્યો છે. સાર્વત્રિક વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડૅમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે. આ સિવાય ગુજરાતના કુલ ૨૦૬ ડૅમમાંથી ૭૫ ડૅમ ૧૦૦ ટકા ભરાયા છે, જ્યારે ૭૦ ડૅમ ૭૦થી ૧૦૦ ટકા, ૨૫ ડૅમ ૫૦થી ૭૦ ટકા, ૨૦ ડૅમ ૨૫થી ૫૦ ટકા વચ્ચે અને ૧૬ ડૅમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે.


