સુરતના વેસુ એરિયામાં આવેલી કિસ્ના કૅન્ટીનની ખાસિયત એ છે કે એને જોયા પછી તમને આપણી સ્વાતિ રેસ્ટોરાં જ યાદ આવી જાય
સંજય ગોરડિયા
હું અત્યારે સુરતમાં છું. સુરતમાં મારી એક ફિલ્મનું શૂટિંગ ચાલે છે. વીસ દિવસનું લાંબું શેડ્યુલ છે જે હવે પૂરું થવા આવ્યું છે. મને સુરતમાં ડુમસ રોડ પર આવેલા વેસુ એરિયામાં સ્ટે મળ્યો છે. હોટેલનું નામ શગુન. આ જે વેસુ છે એ બહુ ડેવલપ થયેલો એરિયા છે. એકદમ હાઇરાઇઝ અને અલ્ટ્રા-મૉડર્ન એરિયા લાગે. સરસ મોટો વિસ્તાર છે. મારી હોટેલની નીચે એક રેસ્ટોરાં, એનું નામ કિસ્ના કૅન્ટીન. સાચું કહું, મને આ નામ વાંચીને જ જવાનું મન નહોતું થતું પણ બન્યું એવું કે હું અને યુનિટ બન્ને જુદી-જુદી જગ્યાએ ઊતરેલા હતા એટલે રોજ રાતના જમવા માટે મારે મારી હોટેલની રેસ્ટોરાં પર જ મદાર રાખવો પડે અને કાં તો મારે બહાર ક્યાંક જમવા જવું પડે.
એક દિવસ હું થાક્યો હતો તો મને થયું કે ચાલને આજે આ કિસ્નામાં જ જઈ આવું અને હું તો ગયો રેસ્ટોરાંમાં. અગાઉ પણ એકાદ-બે વાર હું અંદર ગયો હતો પણ મેં કંઈ ખાધું નહોતું કારણ કે બધી ટિપિકલ કહેવાય એવી જ આઇટમ હતી. આ કિસ્ના રેસ્ટોરાંને મેં એ દિવસે ધ્યાનથી જોઈ તો મને મજા આવી. આપણી મુંબઈમાં જે સ્વાતિ રેસ્ટોરાં છે એના જેવું જ સિમ્પલ અને ઑથેન્ટિક ઍમ્બિયન્સ. રેસ્ટોરાંનું પોતાનું મેનુ તો હતું જ પણ એ સિવાય ત્યાં રોજેરોજની નવી વરાઇટી પણ બનાવવામાં આવતી, આ જે વરાઇટી હોય એ ત્યાં લાગેલા બ્લૅક બોર્ડ પર લખાઈ ગઈ હોય.
મેં એ બ્લૅક બોર્ડ પર નજર કરી અને બે આઇટમ વાંચીને મારી અંદરનો બકાસુર આળસ મરડીને બેઠો થઈ ગયો. એ આઇટમ હતી લસણિયા રતાળુ અને લીલા પોંકની ભેળ. બન્ને શિયાળાની આઇટમ. મેં તો કીધું કે ભાઈ હવે આ બે આઇટમ આવવા દે.
ADVERTISEMENT
તમને પહેલાં વાત કરું લસણિયા રતાળુની. આ જે રતાળુ છે એને આપણે મુંબઈમાં કંદ કહીએ છીએ. એ બનાવવા માટે લીલું લસણ અને એની સાથે સૂકું વાટેલું ઝીણું લસણ હતું અને એમાં તલ અને લીમડાનાં બેચાર પાન હતાં. એનો વઘાર તૈયાર કરીને એમાં બાફેલા રતાળુના ટુકડા નાખી દેવામાં આવ્યા હતા અને પછી બધું મિક્સ કરી એના પર કોથમીર ભભરાવીને આપ્યું હતું. આ રેસિપી તમને એટલે કહી કે જો તમે સુરત સુધી જઈ ન શકતા હો તો મુંબઈમાં તમારા ઘરે પણ એ બનાવી શકો, પણ કિસ્નાના લસણિયા રતાળુનો જે સ્વાદ હતો એ અદ્ભુત હતો.
પછી હું આવ્યો લીલા પોંકની ભેળ પર. આ જે ભેળ હતી એમાં લીલો પોંક હતો અને પોંકમાં ત્રણ જાતની સેવ નાખી હતી. સાદી સેવ, તીખી લીંબુ-મરીની સેવ અને ગ્રીન કલરની પાલકની સેવ. પછી એમાં દાડમ, કાંદા અને ટમેટાં પણ હતાં અને થોડીક ખારી બુંદી એમાં નાખી એને તીખી-મીઠી ચટણી સાથે મિક્સ કરી પ્લેટમાં મોટો ડુંગર હોય એમ ગોઠવી દીધી હતી અને એના પર થોડી ખારી સીંગ ભભરાવી હતી. સાહેબ, જલસો-જલસો પડી ગયો. મને અફસોસ પણ થયો કે હું નામના મોહમાં ક્યાં પડ્યો, નહીં તો આ વરાઇટી મને પહેલાં જ ખાવા મળી ગઈ હોત. તમને પણ કહું છું, નામના મોહમાં પડ્યા વિના સ્વાદને આધીન થજો અને જો સુરત જવાનું બને તો ડુમસ રોડ પર આવેલા વેસુમાં કિસ્ના કૅન્ટીનમાં અચૂક જજો અને એ દિવસની જે ખાસ આઇટમ હોય એ ટ્રાય કરજો.
બહુ મજા આવશે.


