જે દેશોના વડા પ્રધાનો કે રાષ્ટ્રપ્રમુખો આવ્યા, મહેમાનગતિ માણી, ચર્ચામાં ભાગ લીધો અને ‘દિલ્હી ઘોષણાપત્ર’માં વ્યાપક મુદ્દાઓનું સમર્થન કર્યું એટલે હવે તેઓ પોતપોતાના દેશમાં, સરકારને, પક્ષોને અને પ્રજાને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે

ફાઇલ તસવીર
G20 રંગેચંગે પૂરું થયું. હવે એના પડઘા અને પ્રતિભાવ શરૂ થઈ ગયા. જે દેશોના વડા પ્રધાનો કે રાષ્ટ્રપ્રમુખો આવ્યા, મહેમાનગતિ માણી, ચર્ચામાં ભાગ લીધો અને ‘દિલ્હી ઘોષણાપત્ર’માં વ્યાપક મુદ્દાઓનું સમર્થન કર્યું એટલે હવે તેઓ પોતપોતાના દેશમાં, સરકારને, પક્ષોને અને પ્રજાને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે આ મિલન-મેળાવડાથી કોને કેટલો લાભ થશે. મૂળમાં તો G20એ રાજકારણની પેઢી ચલાવવાની હોતી જ નથી. આર્થિક સહયોગ અને સંતુલન માટેના નિર્ણય લેવાના હોય છે, પણ હાલનું અર્થકારણ પોતે જ રાજકારણનો એક ભાગ બની ગયો હોવાથી કોઈ એને અલગ પાડી શકે એમ નથી. અત્યાર સુધી તો મહાસત્તાઓ જમાદારી કરતી હતી. વિશ્વ બૅન્ક પણ સંતુલિત નહોતી. નર્મદા-બંધ પ્રશ્ને થોડાંક ડાબેરી સંગઠનોએ વિસ્થાપનના નામે ઊહાપોહ કર્યો, તો ‘આદિવાસીઓના, ગરીબોના, વંચિતો’ના બહાના હેઠળ આખી લોન વિશ્વ બૅન્કે બંધ કરી દીધી હતી એ યાદ છેને? ૧૯૬૫ના પાકિસ્તાની આક્રમણ સામે લડવાનું આવ્યું ત્યારે મહાસત્તાઓએ ભારતને અનાજ આપવાનું બંધ કર્યું હતું, પોખરણમાં અણુપ્રયોગ કર્યો તો અમેરિકાને પેટમાં દુખાવો ઊપડ્યો હતો અને ભારત પર કેટલાક પ્રતિબંધ મૂક્યા હતા.
હવે જગત-જમાદારોનાં વળતાં પાણી થયાં છે. અમેરિકામાં આર્થિક વાદળાં ઘેરાયાં. રશિયાના સ્ટૅલિન-નંબર-બે નામે પુતિનને એવો ફાંકો હતો કે અગાઉ હંગેરી, ચેકોસ્લોવેકિયા, પોલૅન્ડ પર આક્રમણ કર્યાં હતાં એવી રીતે નાનકડા યુક્રેનને ચપટીકમાં ચોળી નાખીશું એટલે સેના મોકલી, પણ યુદ્ધનો અંત આવ્યો નથી. નરેન્દ્ર મોદીએ G20માં એક ધ્યાન ખેંચે એવું વિધાન કર્યું કે સમય અને પરિસ્થિતિ પ્રમાણે બદલાવું એ જ સાચો રસ્તો છે. આ ચીમકી પાડોશી પાકિસ્તાનથી માંડીને ચીન, રશિયા, અમેરિકાને પણ છે એ દેખીતું છે. ચીન માટે G20ના આ સમયે લેવાયેલા કૉરિડોરથી માંડીને સાઉથ આફ્રિકાને G20માં સભ્યપદ આપવા સુધીના નિર્ણયો ભારે પડવાના છે એ દેખીતું છે.
ભારતે G20નું પ્રમુખપદ સંભાળવાનું હતું એને સાર્થક કરવા પૂરો પ્રયત્ન થયો. અમેરિકન પ્રમુખ આવ્યા એ તેમની દૂરંદેશી હતી. ચીન-રશિયાના વડા ભલે ન આવ્યા, પણ એ પછીના મોટા નેતાઓ તો આવ્યા જ હતા. આવી પરિષદોમાં દરેકને પોતાના પડછાયાની પડી હોય છે. આ પહેલાં બાલી પરિષદ થઈ એના કરતાં ભારતમાં આ પરિષદ થોડી અલગ હતી. અગાઉ કાશ્મીરનો પ્રશ્ન ધોકો અને ધડકી લઈને ચલાવનારા દેશને પણ થયું કે આર્થિક સમસ્યાઓ મજહબી સવાલ કરતાં વધુ અગત્યની છે.
એક વાત તો વિરોધીઓએ સ્વીકારવી પડે કે G20થી દેશને મનોવૈજ્ઞાનિક અને રાજનૈતિક ફાયદો પણ થયો છે. ભારત પ્રત્યેની ઉપેક્ષા હવે રહી નથી, કારણ કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં દુનિયા સાથે પડકારોનો સામનો કરીને એમાં સફળતા મેળવી. કોરોના સામેનો જંગ એનો પ્રત્યક્ષ પુરાવો છે. પાકિસ્તાન અને ચીન સામે ઝીંક ઝીલી છે અને સૌથી મહત્ત્વની વાત તો એ રહી કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૨૦૧૪થી આ ૯ વર્ષ સુધી, કેન્દ્ર અને રાજ્યોમાં ચૂંટણીઓ પછી પણ રાજકીય સ્થિરતાએ ભારતીય લોકશાહીને મજબૂત અને પુખ્ત બનાવી છે એનો અંદાજ દુનિયાની તમામ લોકશાહીને આવી ગયો એટલે ભારત પ્રત્યેનો આદર વધી રહ્યો છે.
સ્વાભાવિક રીતે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોવાથી એનું શ્રેય તેમને જાય એ વાત વિરોધી પક્ષોને પસંદ નથી. બીજો ભય એ છે કે ૨૦૨૪ની ચૂંટણીમાં લાખ કોશિશ છતાં વિપક્ષો કેન્દ્રમાં સત્તાને હાંસલ કરી શકે એવી આશાની એકાદ લકીર દેખાતી નથી. એનાથી વિપરીત ઇન્ડિયા (I.N.D.I.A.) ગઠબંધન હજી સુધી થાગડથીગડનો જ અંદાજ આપે છે. એવું નથી કે ૧૯૭૭માં કૉન્ગ્રેસ વિરોધી જનતા પક્ષનું ગઠન કે અટલ બિહારી વાજપેયીના એન.ડી.એ. ગઠબંધનને મુશ્કેલી નડી નહોતી, પણ અહીં તો ઇન્ડિયા નામમાં જેમ અનેકતા અને વિવિધતા છે એવી રીતે અહીં પક્ષો પોતાની મરજી મુજબ બળદગાડું ચલાવે છે. આ સંઘ કાશીએ પહોંચે ખરો? કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ G20 સમયે દિલ્હીમાં રહીને રાષ્ટ્રીય ગૌરવનો પ્રસંગ નિભાવવો જોઈતો હતો એને બદલે વિદેશ જઈને જૂની એચ.એમ.વી. રેકૉર્ડ વગાડી કે ભારતમાં લોકશાહી નથી, અમને બોલવા દેવામાં આવતા નથી, બીજેપી અને આર.એસ.એસ. દેશનું સત્યાનાશ વાળવા બેઠાં છે વગેરે. ઘણી વાર તો એવું લાગે કે રાહુલ પાસે કોઈ પુખ્ત વિચાર ધરાવનારો સલાહકાર જ નથી કે પછી કોઈનું માન્યા વિના પોતાને સર્વશ્રેષ્ઠ માનીને મનમાં આવે એ બોલે છે?
ફરી પાછા G20ના મુદ્દા પર આવીએ તો દુનિયાના દેશોની સાથે પરસ્પર સહયોગ અને ભરોસો પેદા કરીને ભારતે ‘વિશ્વમિત્ર’ની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, વિશ્વગુરુ બનવા તરફનું એ પહેલું પગથિયું છે.