૪૦ લીટર ઝેરી કુકિંગ ઑઇલ અને ૪૦ કિલો સડેલાં ટમેટાંનો અધિકારીઓએ નાશ કર્યો
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનના જયપુરમાં ગૌરવ ટાવરમાં આવેલા મૅક્ડોનલ્ડ્સના આઉટલેટ પર ફૂડ ઍન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કરેલા સરપ્રાઇઝ ઇન્સ્પેક્શનમાં ૪૦ લીટર ઝેરી કુકિંગ ઑઇલ અને ૪૦ કિલો સડેલાં ટમેટાં મળી આવતાં અધિકારીઓએ એનો નાશ કર્યો હતો. આ ટમેટાં કોલ્ડ સ્ટોરેજમાં મળી આવ્યાં હતા.
ફ્રેન્ચ ફ્રાઇઝ અને અન્ય વસ્તુઓ તળવા માટે જે રિફાઇન્ડ પામતેલ વાપરવામાં આવતું હતું એ એકદમ કાળું હતું અને વારંવાર એક જ તેલનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી એ ઝેરી બની ગયું હતું. આવા તેલમાં તૈયાર કરવામાં આવતી ફૂડ-આઇટમો કૅન્સર કરી શકે એટલી ખતરનાક બની જાય છે. તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) ૨૫ ટકાની માન્ય મર્યાદાને વટાવી ગયું હતું, શાકાહારી ખોરાક માટે વપરાતા તેલમાં TPC સ્તર ૩૧ ટકા, જ્યારે માંસાહારી વસ્તુઓ માટે વપરાતા તેલમાં ૨૮ ટકા નોંધાયું હતું. આરોગ્ય-નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઉચ્ચ TPC સ્તર ધરાવતું તેલ ઝેરી બની જાય છે, જેના ખાવાથી કૅન્સર થઈ શકે છે. એમાં રહેલી ટ્રાન્સ-ચરબી શરીર માટે ખતરનાક છે.
ADVERTISEMENT
આ ઘટના વિશે અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આઉટલેટને નોટિસ આપવામાં આવશે અને આગળની કાર્યવાહી માટે લૅબ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. નિરીક્ષણ દરમ્યાન હાજર રેસ્ટોરાંના મૅનેજરને તાત્કાલિક તેલ બદલવાની અને ખાદ્ય-સુરક્ષાનાં ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી હતી.’


