બે અન્ય માણસો તેમની પાસે આવે છે અને તેમને ઊભા થવામાં મદદ કરે છે ત્યારે તેઓ કહે છે કે કોઈ પણ પિતાએ મારા જેવા દુઃખનો સામનો ન કરવો જોઈએ
૨૧ વર્ષના ભૂમિક લક્ષ્મણે જીવ ગુમાવ્યો હતો. તેની કબરને વળગીને તેના પિતા બી. ટી. લક્ષ્મણ રડી રહ્યા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની જીત બાદ બુધવારે બૅન્ગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર વિક્ટરી પરેડ વખતે થયેલી નાસભાગમાં ૨૧ વર્ષના ભૂમિક લક્ષ્મણે જીવ ગુમાવ્યો હતો. તેની કબરને વળગીને તેના પિતા બી. ટી. લક્ષ્મણ રડી રહ્યા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. હાસન જિલ્લામાં તેમના વતનમાં પુત્રની કબર પર વિલાપ કરતા પિતાનો આ વિડિયો ભારતીય જનતા પાર્ટી (BJP)એ શૅર કર્યો હતો જેમાં બી. ટી. લક્ષ્મણ કહી રહ્યા છે કે ‘મારા પુત્ર સાથે જે બન્યું એ કોઈની સાથે ન થવું જોઈએ. મેં તેના માટે જે જમીન ખરીદી હતી એ જ જગ્યાએ તેનું સ્મારક બનાવવામાં આવ્યું છે. હવે હું બીજે ક્યાંય જવા માગતો નથી. હું પણ અહીં રહેવા માગું છું.’
બે અન્ય માણસો તેમની પાસે આવે છે અને તેમને ઊભા થવામાં મદદ કરે છે ત્યારે તેઓ કહે છે કે કોઈ પણ પિતાએ મારા જેવા દુઃખનો સામનો ન કરવો જોઈએ.
ADVERTISEMENT
બી. ટી. લક્ષ્મણે દુર્ઘટના પછી પત્રકારો સાથે વાત કરી હતી અને સરકારને અપીલ કરી હતી કે તેમના પુત્રનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ કર્યા વિના સોંપવામાં આવે. તેમણે કહ્યું હતું કે ‘તે મારો એક જ પુત્ર હતો અને હવે મેં તેને ગુમાવ્યો છે. કૃપા કરીને મને તેનો પાર્થિવ દેહ આપો. પોસ્ટમૉર્ટમ ન કરો અને તેના શરીરના ટુકડા ન કરો. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન અમારી મુલાકાત લઈ શકે છે, પરંતુ તેઓ તેને પાછો લાવી શકતા નથી.’

