જમીનના રજિસ્ટ્રેશન સમયે નવાઝુદ્દીન સાથે તેના ભાઈઓ હાજર રહ્યા હતા. તમામ ફૉર્માલિટી પૂરી કર્યા પછી નવાઝુદ્દીન તેની માતાને મળ્યો અને પછી કારમાં બેસીને રવાના થયો.
નવાઝુદ્દીન સિદ્દીકીએ વતનમાં ખેતી કરવા ખરીદી પંચાવન વીઘા જમીન
શર્વરી વાઘ અને વેદાંગ રૈના રિલેશનશિપમાં?

ઍક્ટ્રેસ શર્વરી વાઘ થોડા સમય પહેલાં સુધી વિકી કૌશલના ભાઈ અને ઍક્ટર સની કૌશલ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હતી. જોકે બન્નેએ ક્યારેય પોતાના સંબંધની સત્તાવાર પુષ્ટિ કે ખંડન કર્યું નથી, પરંતુ તેઓ અનેક વખત જાહેર સ્થળોએ સાથે જોવા મળ્યાં હતાં. હવે તાજેતરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે શર્વરી ‘મૈં વાપસ આઉંગા’ના પોતાના સહ-અભિનેતા વેદાંગ રૈના સાથે રિલેશનશિપમાં છે. ખાસ વાત તો એ છે કે વૈદાંગ થોડા સમય પહેલાં શ્રીદેવીની દીકરી ખુશી કપૂરની નિકટ હતો પણ બન્ને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું હતું અને હવે તેના જીવનમાં શર્વરીનું ખાસ સ્થાન છે. શર્વરી રિયલ લાઇફમાં વેદાંગ કરતાં ત્રણ વર્ષ મોટી છે. શર્વરી હાલમાં ૨૮ વર્ષની છે જ્યારે વેદાંગ ૨૫ વર્ષનો છે. મળતી માહિતી પ્રમાણે શર્વરી અને વેદાંગની મુલાકાત તેમની આવનારી ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. કહેવામાં આવે છે કે આ ફિલ્મમાં સાથે કામ કરતી વખતે બન્ને વચ્ચે નિકટતા વધી અને તેમનો સંબંધ હવે વધુ ગંભીર બની રહ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે બન્ને એકબીજાની કંપનીમાં ખૂબ ખુશ દેખાય છે.
સૈયારા પર લાગ્યો સ્ટોરી-ચોરીનો આરોપ

ઍક્ટર અને સિંગર અમિત જાધવે ‘સૈયારા’ના નિર્માતાઓ પર વાર્તા ચોરી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેનો દાવો છે કે અહાન પાંડે અને અનીત પડ્ડા અભિનીત આ ફિલ્મ તેની ૨૦૧૯ની શૉર્ટ ફિલ્મ ‘ખ્વાબોં’ પરથી પ્રેરિત છે અને એની નકલ છે. અમિત જાધવનું કહેવું છે કે મોહિત સૂરીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘સૈયારા’ની કહાણી તેમની શૉર્ટ ફિલ્મ સાથે ઘણી હદ સુધી મળતી આવે છે અને બન્ને વાર્તાઓમાં સંગીત મુખ્ય આધાર છે અને અનેક મહત્ત્વપૂર્ણ પ્લૉટ-ટ્વિસ્ટ પણ એકસરખા લાગે છે. પોતાનો આ દાવો વ્યક્ત કરતાં અમિતે કહ્યું હતું કે ‘મારી શૉર્ટ ફિલ્મમાંથી વાર્તા ચોરી કરી હોવા છતાં મને કોઈ ક્રેડિટ નથી આપવામાં આવી. ફિલ્મ રિલીઝ થયા પછી મારા મિત્રોનો ફોન આવ્યો અને તેમણે કહાણીમાં સમાનતા તરફ ધ્યાન દોર્યું. મેં આ મુદ્દે સ્પષ્ટતા મેળવવા માટે નિર્માતાઓ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મને કોઈ જવાબ મળ્યો નથી.’
સાઉથના ડિરેક્ટર શંકરની ફિલ્મમાં રણવીર સિંહને બદલે વિકી કૌશલ?

સાઉથના જાણીતા ડિરેક્ટર શંકર પોતાના પૅન ઇન્ડિયાના ડ્રીમ પ્રોજેક્ટ ‘વેલપારી’ને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં વિકી કૌશલને સાઇન કરવાનું લગભગ કન્ફર્મ છે. આ ફિલ્મના એક અન્ય મહત્ત્વના રોલમાં ધનુષને પહેલાં જ સાઇન કરી લેવામાં આવ્યો છે. ફિલ્મની કહાની બે મુખ્ય કલાકારોની આસપાસ ગોઠવાયેલી હોવાની માહિતી સામે આવી રહી છે. શરૂઆતમાં એવી ચર્ચા હતી કે ફિલ્મમાં ધનુષ સાથે રણવીર સિંહ જોવા મળશે, પણ હવે રણવીરને બદલે વિકી કૌશલને કન્ફર્મ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. જોકે આ વાતની મેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. ડિરેક્ટર શંકર અગાઉ ‘નાયક : ધ રિયલ હીરો’ જેવી લોકપ્રિય ફિલ્મો બનાવી ચૂક્યા છે જેને કારણે તેમની નવી ફિલ્મ અંગે દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
અભિષેક બચ્ચનને મળી એક બિગ બજેટ હૉરર ફિલ્મ

અભિષેક બચ્ચન હવે ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘કિંગ’માં શાહરુખ ખાન સાથે જોવા મળશે. આ જોડીને એકસાથે જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રિપોર્ટ પ્રમાણે અભિષેક અને સિદ્ધાર્થ આનંદ આ પછી એક નવા પ્રોજેક્ટમાં પણ સાથે કામ કરવા જઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ‘કિંગ’ પછી બન્ને એક હૉરર ફિલ્મ માટે હાથ મિલાવશે અને સિદ્ધાર્થ આનંદ પોતાની પ્રોડક્શન કંપનીના બૅનર હેઠળ આ હૉરર ફિલ્મનું નિર્માણ કરશે. આ ફિલ્મનું ડિરેક્શન તેનો અસિસ્ટન્ટ કરશે અને એમાં મુખ્ય ભૂમિકામાં અભિષેક બચ્ચન જોવા મળશે. આ ફિલ્મ લોકકથાઓ પરથી પ્રેરિત બિગ બજેટ હૉરર થ્રિલર હશે જેમાં પિતા અને પુત્રીના લાગણીસભર સંબંધ પર આધારિત કહાણી દર્શાવવામાં આવશે. ભારતીય હૉરર જોનરમાં દર્શકોને એક નવો અનુભવ આપવા માટે ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) પર ખાસ કામ કરવામાં આવશે.
