વીક-એન્ડમાં મુનસ્યારી, નૈનીતાલ, કૌસાની, રાનીખેતમાં પણ પ્રદૂષણમાં ઉત્તરોત્તર વધારો
ગઈ કાલે પ્રયાગરાજમાં ગાઢ ધુમ્મસને કારણે ધીમી ગતિએ આગળ વધતી ટ્રેન.
દિલ્હીમાં પ્રદૂષણથી બચવા માટે લોકો નજીકના હિલ-સ્ટેશન પર શરણું શોધી રહ્યા છે. એવામાં દેહરાદૂન સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. જોકે સેંકડો લોકો જ્યાં જઈ રહ્યા છે એ દેહરાદૂનની હવાની ગુણવત્તા પણ ખરાબ છે. દિલ્હીની સાથે હવે દેહરાદૂનની હવાની ગુણવત્તા પણ અચાનક બગડી ગઈ છે. બુધવારે દેહરાદૂનનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૩૦૦ને પાર છેક ૩૨૨ પૉઇન્ટ સુધીનો નોંધાયો હતો. આ AQI ખૂબ જ ખરાબ શ્રેણીની હવાની ગુણવત્તા બતાવે છે. ગયા આખા અઠવાડિયામાં દેહરાદૂનમાં પ્રદૂષણનું પ્રમાણ લગભગ બમણું થઈ ગયું છે. એને કારણે અહીં પણ શ્વાસના દરદીઓની મુશ્કેલી વધી છે. દેહરાદૂન હવે દિલ્હી અને બાગપત જેવાં અત્યાધિક પ્રદૂષિત શહેરોની શ્રેણીમાં પહોંચી રહ્યું હોય એવું લાગે છે.
દેહરાદૂન ઉપરાંત નૈનિતાલ અને મસૂરી જેવાં પર્યટનસ્થળોએ પણ પ્રદૂષણનો આંકડો નિરાશ કરનારો રહ્યો છે. ગયા વીક-એન્ડમાં શુક્રવારથી રવિવાર દરમ્યાન ૨૦,૦૦૦ સહેલાણીઓ નૈનિતાલ પહોંચ્યા હતા. મુનસ્યારી, કૌસાની, રાનીખેત, રામનગરમાં પણ પર્યટકોની વધતી સંખ્યાને કારણે હવાનું પ્રદૂષણ ઉત્તરોત્તર વધી રહ્યું છે.
ADVERTISEMENT
રોહતાંગ પાસમાં ટ્રાફિક જૅમ
હિમાચલ પ્રદેશના મનાલીમાં સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. મનાલીની હોટેલોમાં બુકિંગ પણ અઘરું થઈ ગયું છે. બરફવર્ષાના આસારને કારણે ન્યુ યર અને ક્રિસમસ પર હજી વધુ ભીડ વધશે. જોકે રોહતાંગ પાસ નજીક ગ્રામ્ફુમાં ચક્કા જૅમ ટ્રાફિકનો એક વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયો અટલ ટનલના બીજા છેડા પર લાહોલ સ્પીતિના ગ્રામ્ફુનો છે. રોહતાંગ પાસની નીચે સહેલાણીઓ બરફનો લુત્ફ ઉઠાવવાના ઇરાદાથી પહોંચ્યા છે, પરંતુ એને કારણે રોડના કિનારે ગાડીઓનો જબરો જૅમ રચાયો છે. સામાન્ય રીતે શિયાળો બેસે એટલે ગ્રામ્ફુ બંધ થઈ જાય છે, પરંતુ છેલ્લા બે મહિનાથી ડ્રાય સ્પેલ ચાલતો હોવાથી બરફ નથી પડ્યો એને કારણે આ રોડ ખોલવામાં આવ્યો હતો. રોહતાંગ પાસ પાસેના ટ્રાફિક જૅમનો વિડિયો જોઈને લોકો સવાલ કરી રહ્યા છે કે આ હિલ-સ્ટેશનને પણ હવે લોકો ગુડગાંવ બનાવી દેશે કે શું?
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ફૉગને કારણે રાજધાની અને તેજસ સહિત ૬૦ ટ્રેનો લેટ
છેલ્લા બે દિવસથી ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી રહી હોવાથી ટ્રેનોની રફતાર પણ ઘટી ગઈ છે. એની સૌથી માઠી અસર સ્પીડમાં દોડતી ટ્રેનો પર વધુ પડી છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશનાં શહેરોમાંથી મધ્ય પ્રદેશ તરફ આવનારી ટ્રેનો ધુમ્મસને કારણે ૩૦ મિનિટથી લઈને આઠ કલાક સુધીના સમયમાં મોડી પડી હતી. જ્યાં સુધી ફૉગ રહેશે ત્યાં સુધી તેજ ગતિથી દોડતી પટના રાજધાની, સિયાદહ રાજધાની, ભુવનેશ્વર રાજધાની તેમ જ તેજસ જેવી લગભગ ૬૦ ટ્રેનોના સમય પર અસર પડી શકે છે.
મનાલીમાં સ્નો-સ્કૅમ: નકલી બરફ પર પર્યટકોને સ્કીઇંગ કરાવવામાં આવતું હોવાનો દાવો! વાઇરલ વિડિયો જોઈને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીવાળા ભડક્યા, કહ્યું કે આ તો બદનામ કરવાની કોશિશ છે
શિયાળામાં કુલુ જિલ્લાના મનાલીમાં આવતા પર્યટકોને સ્વાભાવિક રીતે સ્નો-આચ્છાદિત પર્વતો અને ક્લાસિક માઉન્ટન સ્પોર્ટ્સ કરવાની ઇચ્છા હોય એ સ્વાભાવિક છે, પરંતુ તાજેતરમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં દાવો થયો છે કે મનાલીમાં બરફવર્ષા ન થઈ હોવાથી પર્યટકોને નકલી સ્નો લાવીને એક નાનકડા એરિયામાં સ્કીઇંગ કરાવવાના નામે ઠગવામાં આવી રહ્યા છે. વાઇરલ થઈ રહેલા વિડિયોમાં કહેવાયું છે કે પર્યટકોને બરફના નામે દગો અપાઈ રહ્યો છે, બહારથી ટ્રકોમાં બરફ ભરીને અહીં ઠાલવવામાં આવે છે. આ આરોપો પર મનાલી, લાહોલ-સ્પીતિના ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયીઓએ ખૂબ આપત્તિ જતાવી છે. તેમણે કહ્યું છે કે વિડિયોમાં આરોપ લગાવાયો છે, પરંતુ કોઈ સહેલાણીએ તેમની સાથે ઠગાઈ થઈ છે એવી ફરિયાદ કેમ નથી કરી? વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ રીલ ભ્રામક છે અને એમાં અડધીપડધી સચ્ચાઈ છે. લાહોલ-સ્પીતિના પર્યટન-વ્યવસાયી રાજેશ ચંદે કહ્યું હતું કે ‘આ ભ્રામક પ્રચાર છે. મનાલી કે લાહોલ આવનારા દરેક પર્યટકને ખબર છે કે ક્યાં, ક્યારે કેટલો બરફ હોય છે. મનાલી કે લાહોલના કોઈ પણ પોલીસથાણામાં કેમ કોઈ ઠગાઈની ફરિયાદ નોંધાઈ નથી?’


