રાહુલ ગાંધીએ મુદ્દો ઉપાડી લીધો
રાહુલ ગાંધી
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વખતે યુદ્ધવિરામ કરાવ્યાનો અને પાંચ જેટ તોડી પાડવા વિશે કરેલા દાવાના પગલે ભારતમાં રાજકારણ ગરમાયું છે અને હવે મુખ્ય વિરોધ પક્ષ કૉન્ગ્રેસે માગણી કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં આનો જવાબ આપવો જોઈએ, કારણ કે દેશને સત્ય જાણવાનો અધિકાર છે.
સંસદનું ચોમાસુ સત્ર પહેલાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાનના મૌન પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે સોશ્યલ મીડિયામાં એક હિન્દી પોસ્ટમાં લખ્યું હતું કે મોદીજી, પાંચ જેટ વિશે સત્ય શું છે? દેશને જાણવાનો અધિકાર છે.
ADVERTISEMENT
સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાના બે દિવસ પહેલાં જ કૉન્ગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે ૨૪મી વખત ટ્રમ્પ-મિસાઇલ છોડવામાં આવી છે. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે ટ્રમ્પે ફરીથી કહ્યું છે કે અમેરિકાએ બે પાડોશી દેશો વચ્ચે યુદ્ધ બંધ કરાવ્યું છે.
આ મુદ્દે વધુમાં બોલતાં જયરામ રમેશે કહ્યું હતું કે ‘વડા પ્રધાનને પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથે વર્ષોથી મિત્રતા અને આદરભાવ રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં ‘હાઉડી મોદી’ અને ફેબ્રુઆરી ૨૦૨૦માં ‘નમસ્તે ટ્રમ્પ’ સુધીનો તેમનો સંબંધ છે, તેમણે હવે સંસદમાં સ્પષ્ટ અને વર્ગીકૃત નિવેદન આપવું પડશે કે પ્રેસિડન્ટ ટ્રમ્પ છેલ્લા ૭૦ દિવસોમાં શું દાવો કરી રહ્યા છે.’


