જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાને આક્ષેપ કર્યો હતો કે BJP અમારા વિધાનસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે
ઓમર અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ સોમવારે BJP તરફથી મળેલી લીગલ નોટિસને ‘લવ-લેટર’ ગણાવીને એની મજાક ઉડાવી છે. તેમણે કહ્યું કે તેઓ આ નોટિસને એક મોટું સન્માન માને છે, કારણ કે આ દર્શાવે છે કે BJP તેમને એક એવી રાજકીય તાકાત તરીકે જુએ છે જેને તેઓ નજરઅંદાજ કરી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર BJPએ ઓમર અબ્દુલ્લા સામે ૧૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કરવાની ધમકી આપતી એક કાનૂની નોટિસ મોકલી છે. અબ્દુલ્લાએ તાજેતરમાં આક્ષેપ કર્યો હતો કે BJPએ તેમની સરકારને તોડવા માટે નૅશનલ કૉન્ફરન્સના વિધાનસભ્યોને કરોડો રૂપિયાની રોકડ અને પ્રધાનપદની લાલચ આપીને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. BJPની નોટિસ આ આક્ષેપ સામે આવી છે, જેમાં ઓમર અબ્દુલ્લાને ૭ દિવસની અંદર લેખિતમાં બિનશરતી માફી માગવા અથવા આક્ષેપોના પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.
હવે અમે પણ કાનૂની નોટિસ મોકલીશું: ઓમર અબ્દુલ્લા
ADVERTISEMENT
આ બાબતે વળતો પ્રહાર કરતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘મેં અપેક્ષા રાખી હતી કે BJP રાજકીય નિવેદનનો રાજકીય રીતે જવાબ આપશે, પરંતુ તેઓ કોર્ટની પાછળ છુપાઈ ગયા છે. હું પણ વિધાનસભાના વિશેષાધિકારોનો ઉપયોગ કરીને ગૃહની અંદર આ નિવેદન આપી શક્યો હોત, પરંતુ મેં બહાર ખુલ્લેઆમ વાત કરી. છેલ્લા કેટલાક મહિનાઓથી BJPના નેતાઓ નૅશનલ કૉન્ફરન્સ પર સતત પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. આથી હવે અમે પણ એ નેતાઓને કાનૂની નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરીશું અને જોઈશું કે આ મામલો ક્યાં પૂરો થાય છે.’
