અમદાવાદની ઘટના પછી ઉડ્ડયન મંત્રાલયે નવા નિયમો જાહેર કર્યા
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થયા પછી સરકારે હવાઈ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઍરપોર્ટની આસપાસના અવરોધોને દૂર કરવાના હેતુથી નવા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. આ નિયમો ૧૮ જૂને જાહેર કરવામાં આવ્યા હતા અને સત્તાવાર ગૅઝેટમાં સૂચિત થયા પછી ટૂંક સમયમાં અમલમાં આવશે. નવા નિયમો હેઠળ સરકારને હવે ઍરપોર્ટની નજીકનાં ઊંચાં મકાનો, બિલ્ડિંગો અને વૃક્ષોની ઊંચાઈ દૂર કરવાનો અથવા ઘટાડવાનો અધિકાર રહેશે. ભવિષ્યમાં બીજી કોઈ દુર્ઘટના ન બને એ માટે આ પગલું લેવામાં આવ્યું છે. ઍર ઇન્ડિયા ક્રૅશ પછી હવાઈ સલામતી પર પ્રશ્નો ઊભા થયા હતા અને સરકારે એને ગંભીરતાથી લઈને આ યોજના બનાવી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમો હવાઈ મુસાફરો, ક્રૂ-સભ્યો અને વિમાનની સલામતી માટે બનાવવામાં આવ્યા છે. વિમાનના ટેક-ઑફ અને લૅન્ડિંગ દરમ્યાન ઍરપોર્ટની આસપાસનાં ઊંચાં બાંધકામો મોટો ખતરો બની શકે છે. એથી સરકારે નિર્ણય લીધો છે કે હવે આવા કોઈ પણ અવરોધને છોડવામાં આવશે નહીં.
ADVERTISEMENT
નવા ડ્રાફ્ટ નિયમોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો કોઈ બિલ્ડિંગ કે વૃક્ષ ઍરપોર્ટની આસપાસ નિર્ધારિત ઊંચાઈ મર્યાદા કરતાં વધી જશે તો શું થશે. સૌપ્રથમ એ માળખાના માલિકને નોટિસ આપવામાં આવશે. આ નોટિસમાં માલિકે ૬૦ દિવસની અંદર તેની મિલકત સંબંધિત જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે. આમાં બાંધકામના નકશા, બિલ્ડિંગની ઊંચાઈ અને અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી સામેલ હશે.
જો માલિક નોટિસનો જવાબ ન આપે અથવા નિયમોનું પાલન ન કરે તો સંબંધિત અધિકારીઓ કડક કાર્યવાહી કરી શકે છે. આમાં બિલ્ડિંગ તોડી પાડવાનો અથવા વૃક્ષ કાપવાનો સમાવેશ થાય છે. જો માલિક સહકાર નહીં આપે તો અધિકારીઓ પોતે સ્થળ પર જશે અને તપાસ કરશે. આ તપાસ દિવસના સમયમાં કરવામાં આવશે અને માલિકને અગાઉથી જાણ કરવામાં આવશે. જો માલિક આ આદેશનું પાલન નહીં કરે તો મામલો સ્થાનિક જિલ્લા કલેક્ટર સુધી પહોંચશે. જિલ્લા કલેક્ટરે આ આદેશનો કાયદેસર રીતે અમલ કરવો પડશે. તેઓ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રક્રિયાનો ઉપયોગ કરશે એટલે કે જો તમે નિયમો તોડશો તો તમારા મકાનને બુલડોઝરથી તોડી શકાય છે.
અપીલ કરવાનો રસ્તો, પણ શરતો લાગુ
સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે માલિકોને પોતાનો કેસ રજૂ કરવાની તક મળે. જો કોઈ માલિકને લાગે કે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે તો તે ડિમોલિશન અથવા ટ્રિમિંગ ઑર્ડર સામે અપીલ કરી શકે છે. આ માટે તેણે પ્રથમ અપીલ અધિકારી અથવા બીજા અપીલ અધિકારી સમક્ષ પોતાનો કેસ રજૂ કરવો પડશે. અપીલ કરવા માટે માલિકે એક નિર્ધારિત ફૉર્મ ભરવાનું રહેશે, જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે અને ૧૦૦૦ રૂપિયા ફી ચૂકવવી પડશે.

