સંજય ગાંધી નૅશનલ પાર્કની અંદર ૨.૭ કિલોમીટર દોડતી વનરાણી જંગલને નજીકથી જોવાનો મોકો આપે છે.
સમારકામ કરીને નવી વનરાણી ગઈ કાલે ફરી પાટે ચડી હતી. પહેલી ખેપ પહેલાં એન્જિનને ફૂલહારથી સજાવવામાં આવ્યું હતું. તસવીરો: સૈયદ સમીર અબેદી/ રંગરોગાન કરેલી સુંદર બેઠકો અને સાઇડ પર સેફ્ટી માટે લગાવેલી ફેન્સ સાથે વનરાણીનું રૂપ વધુ ખીલી ઊઠ્યું છે.
સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP) ખાતે કેન્દ્રીય પ્રધાન અને ઉત્તર મુંબઈના સંસદસભ્ય પીયૂષ ગોયલે શનિવારે નવી બનાવવામાં આવેલી વનરાણી ટૉય ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું જે ઘણાં વર્ષોના વિક્ષેપ પછી બાળકો અને મુલાકાતીઓ માટે ચાલુ કરવામાં આવી છે. પીયૂષ ગોયલે નૅશનલ પાર્કના કૃષ્ણગિરિ ઉપવન વિસ્તારમાં આધુનિક ટૉય ટ્રેન સર્વિસ જાહેર જનતા માટે સમર્પિત કરી હતી. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન તેમણે બાળકો સાથે સવારી પણ કરી હતી.
૧૯૭૦ના દાયકાથી પાર્કમાં જાણીતી વનરાણી ટૉય ટ્રેન ૨૦૨૧માં ચક્રવાત તૌક્તે પછી બંધ રહી હતી, જેના કારણે ટ્રૅક અને માળખાગત સુવિધાઓને ભારે નુકસાન થયું હતું. નવી રજૂ કરાયેલી ટ્રેન બૅટરી-સંચાલિત છે અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. એમાં સલામતીનાં પગલાં લેવામાં આવ્યાં છે અને રૂટ પર સુધારેલાં સ્ટેશનો સાથે આધુનિક કોચ છે. કોચમાં હેરિટેજ અને વિસ્ટાડોમ શૈલીની ડિઝાઇનનો સમાવેશ થાય છે જે જંગલના લૅન્ડસ્કેપનાં મનોહર દૃશ્યો જોવા સહાયરૂપ થશે.
ADVERTISEMENT
વનરાણીની સહેલ માટે ૮૫ અને ૧૦૦ રૂપિયાની ટિકિટ

પીયૂષ ગોયલ અને રાજ્યના ફૉરેસ્ટ મિનિસ્ટર ગણેશ નાઈકે બાળકો સાથે વનરાણીમાં પ્રવાસ કરીને આનંદ ઉઠાવ્યો હતો.

નવી વનરાણીમાં નવા આકર્ષણ તરીકે વિસ્ટાડોમ બેસાડવામાં આવ્યો છે.
સંજય ગાંધી નૅશનલ પાર્કની અંદર ૨.૭ કિલોમીટર દોડતી વનરાણી જંગલને નજીકથી જોવાનો મોકો આપે છે. હવે એમાં પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવી બૅટરી લગાડવામાં આવી છે અને એના પર એ દોડશે. સવારના ૯થી બપોરના ૧૨ અને બપોરના ૧.૩૦થી સાંજના ૫.૩૦ સુધી વનરાણીમાં સફર કરી શકાય છે. આ સહેલગાહ માટે બાળકોની ૮૫ રૂપિયા અને મોટાઓ માટે ૧૦૦ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે.
