ભારતના કેરલમ રાજ્ય જેટલું ક્ષેત્રફળ ધરાવતો આ દેશ ચોતરફ દુશ્મનોથી ઘેરાયેલો છે. હાલના યુદ્ધમાં ભલે કોઈ કહે કે ઇઝરાયલ તો જોહુકમી પર ઊતરી આવ્યું છે, પણ યહૂદીઓ અને ઇઝરાયલે જે સહન કર્યું છે એ તરફ એક નજર કરશો તો ભારત સાથે ઘણું સામ્ય જોવા મળશે
ઈઝરાયલ
ટેલિવિઝન ન્યુઝ ચૅનલ્સ હોય, અખબાર હોય, પાનની ટપરીએ ભેગા થયેલા લોકો હોય... બધે એક જ હૉટ ટૉપિક છે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ. અનેક કુદરતી સમસ્યાઓ અને પાડોશી દુશ્મનોથી ઘેરાયેલું ટચૂકડું ઇઝરાયલ હાલમાં ચાલી રહેલા એ યુદ્ધમાં સેન્ટર પૉઇન્ટ બન્યું છે. આથી ઇઝરાયલનાં રાજકીય સમીકરણો, અમેરિકા સાથેની એની વર્ષો જૂની દોસ્તી, અમેરિકી સરકારમાં અને કમર્શિયલ ઍસ્પેક્ટ્સમાં પણ ઇઝરાયલનું વર્ષોથી કેવું ડૉમિનેશન રહ્યું છે એ વિશે તો અનેક પ્લૅટફૉર્મ્સ પર ઘણી વાર ચર્ચા થઈ છે પરંતુ આ દેશની મૂળભૂત સંસ્કૃતિ, એની સામેના પડકારો, એ પડકારોનો સામનો કરવાની ઇઝરાયલની ઇનોવેટિવ ક્ષમતાઓ, આખાય વિશ્વમાં આ નાનકડો દેશ અસામાન્ય અને ખાસ કઈ રીતે બન્યો એ વિશે ખાસ ચર્ચા થઈ નથી. અરે, નવાઈની વાત તો એ છે કે આ દેશ વિશે અને એની સાથે સંકળાયેલી અનેક બાબતો વિશે હજી આજેય કેટલાય લોકો કશું જાણતાં સુધ્ધાં નથી.
આજે ઇઝરાયલ જેકંઈ પણ છે એના મૂળમાં અહીંના યહૂદીઓએ સદીઓથી જે સહ્યું છે એ કારણભૂત છે. ૫૮૬ ઈસવીસન પૂર્વેથી લઈને છેક ૧૯૪૮ સુધી યહૂદીઓને ક્યારેક બેબિલોન, ક્યારેક રોમ તો ક્યારેક યુરોપે સંપૂર્ણપણે નષ્ટ કરી નાખવાનો પ્રયત્ન કર્યો. ૭૨મી સદીમાં રોમન સામ્રાજ્યએ તેમના પર જબરદસ્ત હુમલો કર્યો. યહૂદીઓનાં અનેક મંદિરો તોડી પાડવામાં આવ્યાં અને હજારોની સંખ્યામાં તેમની હત્યા કરવામાં આવી. રોમન સામ્રાજ્યનું શાસન સ્થપાયું અને એ જ સમય દરમિયાન ઈસુ ખ્રિસ્ત અને તેમની વિચારધારાનો ઉદય થયો. ઈસુના મૃત્યુનાં ૩૭ વર્ષો બાદ યહૂદીઓએ પોતાના દેશમાં બળજબરીએ સ્થપાયેલા રોમન સામ્રાજ્ય સામે બળવો કર્યો. સ્વરાજ્ય માટેની એ લડતમાં ફરી એક વાર કત્લેઆમ થઈ. રોમનોએ એટલી નિર્દયતાપૂર્વક યહૂદીઓને મારવા માંડ્યા કે આ કહાણી કહેતું ઇતિહાસનું પાનું પણ રક્તરંજિત થઈ ગયું. એક જ દિવસમાં અંદાજે ૧ લાખ યહૂદીઓનો રોમનો દ્વારા સંહાર કરવામાં આવ્યો. તેમનાં ધાર્મિક સ્થાનો, ધાર્મિક સાહિત્ય તોડી અને બાળી નાખવામાં આવ્યાં, જે છેક ૧૯૧૭ સુધી સતત થતું રહ્યું.
ADVERTISEMENT
પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાનનો સમય યહૂદીઓ માટે સૌથી વધુ પીડાદાયક સમય રહ્યો. મનુષ્યને મનુષ્ય હોવાની શરમ થાય એવી આ ઘટનામાં ૬૦ લાખ કરતાંય વધુ યહૂદીઓને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવ્યા. રસ્તા પર જાહેરમાં કોઈ યહૂદી દેખાય તો પણ તેને નિર્દયતાથી મારી નાખવાથી શરૂ થયેલી આ હેવાનિયત એ હદ સુધી પહોંચી કે તેમને કેદી બનાવી ભૂખ્યા અને તરસ્યા રાખવામાં આવ્યા અને ત્યાર બાદ એકસાથે હજારો-લાખો નિર્દોષ યહૂદીઓને ગૅસ ચેમ્બર્સમાં પૂરી દઈ ગૂંગળાવીને મારી નખાયા. આ નરસંહાર એટલો ભયંકર હતો કે યહૂદીઓની આખી નસલને જ ખતમ કરી નાખવાનો પ્રયત્ન થયો. આ યાતના, આ દુઃખ પૂરતું હતું બાકી બચેલા યહૂદીને જાગૃત કરવા માટે. આ ઘૃણાસ્પદ ઘટના દરમિયાન અનેક યહૂદીઓ જીવન અને શરણની આશાએ ઇઝરાયલ અને અમેરિકા ભાગી નીકળ્યા. આપણે જે એક વૈજ્ઞાનિકનું નામ અત્યંત ગૌરવપૂર્વક માનથી લઈએ છીએ એ વૈજ્ઞાનિક પણ યહૂદી હતા. જેમનો જન્મ તો જર્મનીમાં થયો હતો પરંતુ તેમણે પણ શરણ લેવું પડ્યું હતું અમેરિકામાં. એ મહાન વૈજ્ઞાનિક એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઇન.
ઇઝરાયલનો જન્મ
એક સમયે મિડલ ઈસ્ટના રેગિસ્તાનમાં ટર્કીનું ઓટોમન સામ્રાજ્ય હતું, પરંતુ પહેલા વિશ્વયુદ્ધમાં ટર્કીની હાર થઈ અને મિડલ ઈસ્ટના એક મોટા હિસ્સા પર બ્રિટને કબજો મેળવ્યો. બીજા વિશ્વયુદ્ધ સુધી આ આખોય વિસ્તાર બ્રિટનના કબજા હેઠળ જ રહ્યો. ફિલીસ્તીન એ સમયે ઉસ્માન રાજ્યનો હિસ્સો હતો જેમાં લગભગ ૧૮૭૮ની વાત કરીએ તો એ સમયે ફિલીસ્તીનમાં ૮૭ ટકા મુસલમાનો, ૧૦ ટકા ખ્રિસ્તીઓ અને એની સામે માત્ર ૩ ટકા યહૂદીઓ બચ્યા હતા. પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉસ્માન સામ્રાજ્યનો અંત આવ્યો અને બ્રિટનનું રાજ્ય સ્થપાયેલું હતું એને પણ મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. હવે ઉસ્માન સામ્રાજ્ય દરમિયાન ૧૯૦૦ની સાલમાં પહેલી વાર ઇઝરાયલની સ્થાપના કરવા વિશે યહૂદીઓ દ્વારા માગ મૂકવામાં આવી હતી, જેની જાણ બ્રિટનને હતી જ. જે કૂટનીતિ બ્રિટિશર્સે ભારતમાં વાપરી હતી એ જ કૂટનીતિ તેમણે ફિલીસ્તીનમાં પણ વાપરી હતી. ફૂટ પાડો અને રાજ કરો. એ જ સ્ટ્રૅટેજી ચાલુ રાખતાં ૧૯૪૫માં જ્યારે ફિલીસ્તીન યુનાઇટેડ નેશન્સ (UN)ને સોંપ્યું ત્યારે એના ભાગલાને પણ બ્રિટને સમર્થન આપ્યું (જે રીતે ભારતના ભાગલા કરાવ્યા). પણ આ ઘટનાક્રમમાં એક બાબત સારી બની અને તે એ કે યહૂદીઓને તેમનો એક અલગ દેશ મળવો જોઈએ એવું વિશ્વ કક્ષાએ સ્વીકારવામાં આવ્યું. અને આખરે ૧૯૪૭ની સાલમાં UN દ્વારા આ ભૂમિને બે ભાગોમાં વહેંચી દેવામાં આવી. એક આરબ રાજ્ય અને બીજું ઇઝરાયલ, પણ મુસલમાનો ગમે ત્યાં હોય, તેમની ફિતરત એકસરખી હોય છે. મુસલમાનોને એ પસંદ નહીં પડ્યું કે એક હિસ્સો તેમને આપવામાં આવે અને એક હિસ્સો ઇઝરાયલ તરીકે યહૂદીઓને. તેમણે યહૂદીઓ અને ઇઝરાયલ પર અનેક વાર હુમલા કરવા માંડ્યા, પણ સદ્નસીબે દર વખતે તેમણે હારનો જ સામનો કરવો પડ્યો. અને આખરે ૧૯૪૮ની સાલમાં ઇઝરાયલે પોતાને એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યો. અને સ્થાપના થઈ વિશ્વના એક નાનકડા છતાં સૌથી શક્તિશાળી દેશની.
સ્વતંત્રતાના ૨૪ કલાકમાં હુમલો
ઇઝરાયલે પોતાને એક આઝાદ દેશ જાહેર કરતાંની સાથે જ (જેની સ્થાપના UN દ્વારા કરવામાં આવી હતી) ૨૪ કલાકમાં જ આરબ દેશની અનેક સેનાઓએ ભેગા મળીને એકસાથે ઇઝરાયલ પર હુમલો કર્યો. એક વર્ષ, જી હા સતત એક વર્ષ સુધી આ યુદ્ધ ચાલતું રહ્યું પરંતુ ઇઝરાયલ ન મનથી કે ન તનથી હાર માનવા તૈયાર હતું. વાત જ્યારે અસ્તિત્વની આવે ત્યારે અહિંસાની લાકડી લઈને નાટ્યાત્મક પ્રવૃત્તિઓ નથી કરાતી, સામે લડવું જ પડે નહીં તો સામે ઊભેલો લડાકુ દુશ્મન તમને હણી નાખશે એ વાસ્તવિકતા છે. આરબ દેશની સેનાના હજારો સૈનિકો માર્યા ગયા જેમાં સૌથી વધુ નુકસાન એ મુસલમાનોને થયું જે ફિલીસ્તીન તરીકે એક નવા દેશની માગણી કરી રહ્યા હતા. ૧૯૪૮ની એ દુશ્મની હજી આજેય જળવાયેલી છે. હજી આજેય પૅલેસ્ટીન, ફિલીસ્તીન સતત આતંકવાદ અને ત્રાસવાદ ઇઝરાયલ પર વરસાવ્યે રાખે છે અને એક ઇઝરાયલ છે કે કેમેય કરી હાર માનવા તૈયાર નથી.
કેવો છે દેશ?
આજે આપણે યહૂદીઓનો જે દેશ જોઈએ છીએ ઇઝરાયલ એ ક્ષેત્રફળની દૃષ્ટિએ આપણા કેરલમ રાજ્ય કરતાં પણ નાનો છે. આખાય વિશ્વમાં આ એકમાત્ર દેશ છે યહૂદી ધર્મમાં માનનારો. અને આટલો નાનો દેશ હોવા ઉપરાંત ભારતની જેમ જ ચોતરફથી દુશ્મનોથી ઘેરાયેલો હોવા છતાં આજે આખાય વિશ્વને હંફાવે છે.
કઈ રીતે ઇઝરાયલ આટલો તાકતવર અને સામી છાતીએ અવાજ આપવાનું, લડવાનું શૌર્ય ધરાવતો દેશ બન્યો? એ સમજવા માટે સૌથી પહેલાં એ સમજવું પડે કે ઇઝરાયલ નામના આ ટચૂકડા દેશે રોજિંદી જિંદગીમાં, સુરક્ષાની એડી પર, આંતરરાષ્ટ્રીય ફલક અને વેપાર અને વાણિજ્યમાં કઈ રીતની કસોટીઓનો સામનો કરવો પડે છે. જ્યારે આપણે આ જાણીશું ત્યારે સમજાશે કે આજે વિશ્વને જે દેશ જોહુકમી કરનારો અને દરેક દેશ સાથે વણજોઈતી લડાઈ વહોરી લેનારો લાગી રહ્યો છે એને માટે આ લડાઈ, આ જોહુકમી અને આ દાદાગીરી શા માટે જરૂરી છે?
લડવું એ ચૉઇસ નહીં, મજબૂરી
સૌથી પહેલું કારણ છે દેશની ભૌગોલિક પરિસ્થિતિ. તમે વર્લ્ડ મૅપ ખોલીને જોશો તો સમજાશે કે ઇઝરાયલ એક એવો દેશ છે જે ચોતરફથી આરબ દેશોથી ઘેરાયેલો છે. હવે વિચાર કરો કે જે દેશનો ઇતિહાસ એવો રક્તરંજિત હોય જે દેશના વડવાઓને પોતાના જ દેશમાં જ મારી ભગાડ્યા હોય, નજર સામે નિર્દયી રીતે મારી નાખવામાં આવ્યા હોય એ દેશ, ત્યાંની પ્રજા પોતાનું અસ્તિત્વ બચાવવા માટે શુંનું શું કરશે? લડવું એ તેમની ચૉઇસ નથી, મજબૂરી છે. લડવું એ તેમની આદત નથી, અસ્તિત્વ ટકાવવા માટેની જદ્દ-ઓ-જહદ છે.
એક તરફ લેબૅનનમાં હિઝબુલ્લા છે, બીજી તરફ પૅલેસ્ટીનમાં હમાસ છે. આતંકવાદ અને ત્રાસવાદ જે આપણે માટે એક ઘટના છે એ ઇઝરાયલના લોકો માટે રોજિંદો ત્રાસ રહ્યો છે. અને એ આજનું નથી, ૧૯૪૮થી સતત ચાલી રહેલો ત્રાસ છે. આપણું બાળક શાળાએ જાય તો મનની અંદર એક ખાતરી હોય કે તે સુરક્ષિત ઘરે પાછું જરૂર આવશે. ઇઝરાયલમાં ખરેખર જ આવું નહોતું. કમ સે કમ આજથી થોડાં વર્ષો પહેલાં તો નહોતું. હિઝબુલ્લા કે હમાસના આતંકવાદી ગમે ત્યારે ગમે તે પરિવારને બાનમાં લઈ લે અથવા ઇઝરાયલની એજ્યુકેશનલ, કમર્શિયલ કે સરકારી ઇમારતોને ઉડાવી દે અથવા ઉડાવી દેવાની ધમકી આપે એવું બને. દરેક મનુષ્ય, સમાજ કે રાષ્ટ્રના જીવનમાં ત્રાસદી વેઠવાનું, શાણપણનું, સૌહાર્દનું એક લેવલ હોય છે. જ્યારે એ લેવલ પસાર થઈ જાય ત્યારે મનુષ્ય કોઈ પણ ભોગે પોતાના અસ્તિત્વ માટે, પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર થઈ જાય છે કારણ કે તેની પાસે આ સિવાય કોઈ વિકલ્પ જ બચતો નથી.
હવે આવા જીવન વચ્ચે જીવતા તબક્કાની વાત કરીએ તો એક તબક્કો એવો હોય છે કે તમે જુલમ સહન કરી લો છો. ત્યાર બાદ બીજો તબક્કો એ આવે કે તમે ભાગી જવાનો વિચાર કરો, ત્રીજો તબક્કો એ આવે કે તમે વિદ્રોહ કરો અને ત્યાર બાદ ચોથો તબક્કો આવે સામી લડાઈ લડી લેવાનો. આ તમામ તબક્કામાંથી પાર થયેલું ઇઝરાયલ બન્યું ત્યારથી ૨૦૨૩ સુધી લડતું જ રહ્યું. સતત ૭૫ વર્ષો સુધી. અને ૨૦૨૩ બાદ એક પાંચમો તબક્કો આવ્યો, સામી છાતીએ ચુનૌતી આપવાનો અને ચુનૌતી સહી લેવાનો. આજે હવે ઇઝરાયલને જે-જે દેશો કનડગત પહોંચાડવાનો વિચાર સુધ્ધાં કરે છે એમને એ પૂર્ણ કરવા માટે પગના અંગૂઠે ઊભું હોય છે.
બીજું કારણ છે ઇઝરાયલનું મુખ્ય શહેર જેરુસલેમ. નસીબજોગે જેરુસલેમ ત્રણ ધર્મસંપ્રદાયનું મુખ્ય શહેર છે. અહીં યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ત્રણેય ધર્મસંપ્રદાયના લોકોનાં અત્યંત મહત્ત્વનાં ધાર્મિક સ્થળો છે જેનો કબજો દરેક ધર્મસંપ્રદાય પોતાની પાસે લેવા માગે છે. એક તરફ ઇઝરાયલે જેરુસલેમને પોતાનું કૅપિટલ બનાવ્યું છે તો બીજી તરફ પૅલેસ્ટીન પણ જેરુસલેમને પોતાના દેશની રાજધાની બનાવવા માગે છે. આ એક મુખ્ય કારણ છે કે ઇઝરાયલ-પૅલેસ્ટીન યુદ્ધ એક ક્યારેય ખતમ નહીં થનારું યુદ્ધ બની રહ્યું છે. મૂલતઃ વર્ષોવર્ષથી મુસ્લિમોને યહૂદીઓનું આ પૃથ્વી પર અસ્તિત્વ ખૂંચે છે અને યહૂદીઓ વર્ષોવર્ષથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડી રહ્યા છે.
પડકાર ઝીલવાની હામ
પોતે જે પરિસ્થિતિ કે નબળાઈ વચ્ચે જીવી રહ્યા હોય એ જ પરિસ્થિતિ અને નબળાઈને તાકાત કઈ રીતે બનાવવી એ જો કોઈએ શીખવું હોય તો નિઃશંક ઇઝરાયલી લોકો પાસે અને ઇઝરાયલ પાસે શીખવું પડે. કોઈ પણ પરિવાર, સમાજ કે રાષ્ટ્રને મજબૂત પીઠબળ ઊભું કરવા માટે શાની જરૂર પડે? પોતાનાં ધર્મ- સંસ્કૃતિ માટે ગૌરવની લાગણી પેદા કરવી અને વિકાસશીલ ગતિને સ્વીકારવી, સાચું કે નહીં? ઇઝરાયલમાં વર્ષોથી એક કાયદો છે. એ દેશમાં જન્મ લેનારા દરેક બાળકે નિર્ધારિત વર્ષો દેશની ફોજમાં ટ્રેઇનિંગ લેવી પડે અને સેવા આપવી જ પડે. રાષ્ટ્રધર્મનો પાયો આ રીતે ભણતર સાથે જ દરેક ઇઝરાયલી બાળકમાં નાખવામાં આવે છે. દરેક ઇઝરાયલી બાળકને પોતાનાં ધર્મ અને સંસ્કૃતિનું જ્ઞાન અને માહિતીઓ પોતાના ઘર અને સ્કૂલથી જ આપવામાં આવે છે. તેમના પર કયા-કયા અને કઈ રીતના જુલમ થયા છે અને એમાંથી એ દેશે કઈ રીતે સર્વાઇવ કર્યું છે એ પેઢી-દર પેઢી ભૂલવા દેવામાં આવતું નથી.
ફરજિયાત લશ્કરી સેવા
એનું પરિણામ એ છે કે આજે ઇઝરાયલમાં પ્રતિ ૧૦,૦૦૦ વ્યક્તિએ ૧૩૫ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો છે જે રેશિયો વિશ્વમાં સૌથી વધુ છે. ઘર અને શાળામાંથી મળેલા મૂળભૂત સંસ્કારોને કારણે ઇઝરાયલમાં જોખમ લેવાની ક્ષમતા અને પરંપરાગત વિચારોને પડકારવાની વૃત્તિ સંસ્કૃતિના મૂળમાં છે. ફરજિયાત લશ્કરી સેવા અનેક ડાબેરી વિચારધારાવાળા કે લિબરલ્સને કદાચ બળજબરી જેવું લાગતું હશે પરંતુ આ સેવા જ એ દેશના યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને ટેક્નિકલ કુશળતા વિકસાવે છે, જે એક હકીકત છે. પરિણામ ચકાસવાં હોય તો એ પણ ક્યાં દૂર છે, વિશ્વની અનેક સફળ ટેક કંપનીઓથી લઈને ઇઝરાયલની સ્થાનિક અનેક સફળ કંપનીઓમાં પણ ટેક્નિકલ એક્સપર્ટ્સ, પ્રોગ્રામર, હૅકર્સ, ડેટા ઍનૅલિસ્ટ્સ વગેરે જેવા અનેક સૈન્યના ઇન્ટેલિજન્સ યુનિટ્સ (જેમ કે યુનિટ ૮૨૦૦)માંથી જનમ્યા છે. પરિણામ એ છે કે આજે ઇઝરાયલ AI, સાઇબર સિક્યૉરિટી અને ઑટોનોમસ સિસ્ટમ્સમાં વૈશ્વિક લીડર છે.
પથ્થરમાંથી પાણી કાઢવાની તાકાત
ઇઝરાયલ એક એવો દેશ છે જ્યાં કુદરતી સંસાધનોની અછત છે. ખેતી, પર્યાવરણ, ખનીજ આ બધી બાબતે ઇઝરાયલ એટલું સમૃદ્ધ નથી જેટલા વિશ્વના બીજા અનેક દેશો છે. તો આ જ નબળાઈ કે અછતને તેમણે નવી તકમાં પરિવર્તિત કરી ડ્રિપ ઇરિગેશન અને હવામાંથી પાણી બનાવવાની ટેક્નૉલૉજી જેવી અદ્ભુત શોધો કરી. વિકાસ માટે ઇનોવેશન હંમેશાં આવકાર્ય હોય છે. જરૂરિયાત એ જ શોધની જનેતા છે એ કહેવતને સાર્થક કરનારો દેશ છે ઇઝરાયલ. આપણે બધા જાણીએ છીએ કે મિડલ ઈસ્ટ એક રણ વિસ્તાર છે જ્યાં ખેતી લગભગ અસંભવ છે, પરંતુ ઇઝરાયલે એવા ચૅલેન્જિંગ પ્રદેશમાં પણ ખેતી વિકસાવી અને આખાય વિશ્વને અચંબિત કરી દીધું. ડ્રિપ ઇરિગેશન (ટપક સિંચાઈ) એ સિમ્ચા બ્લાસે શોધેલી પદ્ધતિ છે જે આજે વિશ્વભરમાં પ્રચલિત છે. એ છોડના મૂળમાં સીધું પાણી પહોંચાડે છે, જેથી પાણીનો ૭૦ ટકાથી ૮૦ ટકા બચાવ થાય છે એટલું જ નહીં, પાણીનું રીસાઇક્લિંગ પણ અહીંની ખાસિયત છે. ઇઝરાયલ એના વપરાયેલા ગંદા પાણીનો ૯૦ ટકા જેટલો હિસ્સો ફરી શુદ્ધ કરીને ખેતીમાં વાપરે છે. વેસ્ટ વૉટરના રીયુઝનો આ રેશિયો આખાય વિશ્વમાં સૌથી વધુ છે. ઊભા રહો, વાત હજી અહીં જ પૂર્ણ નથી થઈ જતી. હવામાંથી પાણી બનાવવાની વાત તો હજી બાકી છે. ઇઝરાયલની Watergen જેવી કંપનીઓ હવામાં રહેલા ભેજમાંથી પીવાનું શુદ્ધ પાણી બનાવવાની ટેક્નૉલૉજી વિકસાવી ચૂકી છે જે આજ સુધી કદાચ વિશ્વનો કોઈ દેશ કરી શક્યો નથી અને કર્યું છે તો રોજિંદા જીવનમાં અમલમાં લાવી શક્યો નથી. ડેઝર્ટ ફાર્મિંગ (રણમાં ખેતી) આપણે આગળ કહ્યુંને, ઇનોવેશનને આવકાર. બસ, એ જ ઇઝરાયલે એવાં-એવાં બિયારણો વિકસાવ્યાં છે જે ખારા પાણીમાં અને ગરમ આબોહવામાં પણ વધુ પાક આપે છે.
ડાયમન્ડ
દેશને જ નહીં, દેશના સામાન્ય નાગરિકને પણ ખબર છે કે આપણે સતત યુદ્ધ અને લડાઈઓ વચ્ચે જ જીવવાનું છે અને છતાં અસ્તિત્વ ટકાવી રાખવાનું છે; અને જો એ માટે આર્થિક વૃદ્ધિ નહીં જાળવી રાખીએ, સતત વિકાસ નહીં કરીએ તો આપણે ખતમ થઈ જઈશું. આના માટે જરૂરી છે વૈશ્વિક રોકાણકારોનો ભરોસો દેશ પર જળવાઈ રહે; બિઝનેસ, એજ્યુકેશન અને લિવિંગ સ્ટાન્ડર્ડ જળવાઈ રહે. ઇઝરાયલે ડાયમન્ડ માર્કેટમાં પોતાનું અસ્તિત્વ એવું બનાવ્યું કે વિશ્વનો કોઈ એવો ડાયમન્ડ મર્ચન્ટ નહીં હોય જેણે કમ સે કમ એક વાર ઇઝરાયલના માર્કેટમાં કે ઇઝરાયલી સાથે વેપાર નહીં કર્યો હોય.
સુરક્ષા સર્વપ્રથમ
કહેવાય છે કે માણસ જ્યારે સતત હુમલાઓ, તંગદિલી અને આતંક વચ્ચે જીવતો હોય ત્યારે તેને ઊંઘમાં પણ સ્વબચાવના જ વિચારો આવે છે અને તેની ઊંઘ પણ નજીવા ખટકારાથી ઊડી જાય છે. ઇઝરાયલ માટે કંઈક આવી જ પરિસ્થિતિ વર્ષોથી રહી છે, પણ આ નબળાઈને પણ તેમણે ગૌરવ અને તાકાતમાં કઈ રીતે પરિવર્તિત કરવી એ શીખી લીધું છે. સંરક્ષણ ટેક્નૉલૉજીમાં આજે ઇઝરાયલનો હાથ કોઈ પકડી શકે એમ નથી; પછી ભલે એ અમેરિકા હોય, રશિયા હોય કે ચાઇના. ઇઝરાયલની રક્ષાપ્રણાલી એક નહીં, બહુસ્તરીય (Multi-layered) છે જે દુશ્મનના કોઈ પણ હુમલાને ત્વરિત રોકવા માટે સક્ષમ છે : આયર્ન ડોમ જેવી ટેક્નૉલૉજી. આ સિસ્ટમ ટૂંકા અંતરના રૉકેટ અને મોર્ટારને હવામાં જ તોડી પાડે છે. આ એટલી ઍડ્વાન્સ ટેક્નૉલૉજી ઇઝરાયઈલે વિકસાવી છે કે એ રડારની મદદથી નક્કી કરે છે કે રૉકેટ વસ્તીવાળા વિસ્તારમાં પડશે કે નહીં અને માત્ર જોખમી રૉકેટને જ નિશાન બનાવે છે. હજી ડેવિડ સ્લિંગ વિશે તો આપણે ક્યાં જાણ્યું જ? મધ્યમ અંતરની આ મિસાઇલ્સ વિમાનો અને ડ્રોન્સને રોકવા માટે વપરાય છે જે ઇઝરાયલે જાતે વિકસાવેલી ટેક્નૉલૉજી છે. અને ઍરો સિસ્ટમ (Arrow-2 & Arrow-3)... બાપ રે, પૃથ્વીના વાતાવરણની બહારથી આવતી લાંબા અંતરની બૅલિસ્ટિક મિસાઇલ્સને રોકવા માટે આ વિશ્વનું સૌથી આધુનિક સુરક્ષાકવચ છે એમ કહીએ તો જરાય વધુપડતું નથી. અને આજકાલ ટેલિવિઝન ચૅનલ્સ પર જેની સૌથી વધુ ચર્ચા થાય છે એ આયર્ન બીમ (Iron Beam) એક નવી અને એવી લેસર ટેક્નૉલૉજી છે જે મિસાઇલને બદલે લેસર કિરણો દ્વારા જ ડ્રોન કે રૉકેટને નષ્ટ કરી શકે છે. અધૂરામાં પૂરું આ પદ્ધતિ અત્યંત સસ્તી અને છતાં સચોટ છે. આ દેશને સૌથી મજબૂતી બક્ષે છે એની સામાજિક એકતા. વિવિધ સંસ્કૃતિઓનું મિશ્રણ હોવા છતાં ઇઝરાયલ એક એવો દેશ બની રહ્યો છે જે બાહ્ય જોખમો સમયે ‘સર્વાઇવલ’ (અસ્તિત્વ)ના મુદ્દે એકજૂથ થઈ શકે છે.
કઈ બાબત ઇઝરાયલને આમમાંથી ખાસ બનાવે છે?
હોશિયારી આ યહૂદીઓની ગળથૂથીમાં છે. અહીં એક કિસ્સો યાદ આવે છે ઇઝરાયલ દ્વારા વપરાયેલા સાઇકોલૉજિકલ વેપનનો. ૧૯૪૮માં જ્યારે દેશ આઝાદ થયો અને ૨૪ કલાકની અંદર જ પાંચ દેશોની સેનાએ એકસાથે એના પર હુમલો કર્યો ત્યારે તેમની સામે લડવા માટે ન તો ઇઝરાયલ પાસે પૂરતી આર્મી હતી કે ન તો એટલાં વેપન્સ. ગણતરીના જ સમયમાં જ્યારે આ દેશ પાસે હથિયારો અને આર્મી ઘટી પડ્યાં ત્યારે એક નવો જ ઇનોવેટિવ વિચાર એક યહૂદીને આવ્યો. આ વિચાર હતો, સેલ્ઝર બૉટલ્સનો. સેલ્ઝર બૉટલ એક એવી કાચની બૉટલ હોય છે જેમાં સોડા સ્ટોર કરવામાં આવે છે. હવે આવી સોડા સ્ટોર કરેલી બૉટલને જ્યારે હાઈ અલ્ટિટ્યુડથી નીચે પાડવામાં આવે ત્યારે એ એવો અવાજ કરે કે જાણે બૉમ્બ ફૂટ્યો હોય. ઇઝરાયલે શું કર્યું? આખાય દેશમાંથી આવી સેલ્ઝર બૉટલ્સ જમા કરી અને એને વિમાનમાં ભરી આરબ આર્મીના વિસ્તારોમાં ડ્રૉપ કરવા માંડી. અરબી સેનાને લાગ્યું કે તેમના પર જબરદસ્ત બૉમ્બમારો થઈ રહ્યો છે. જીવ બચાવવા માટે બધા ઊભી પૂંછડીએ ભાગવા માંડ્યા.
એવો જ બીજો એક કિસ્સો છે ડેવીડકા નામના એક હથિયારનો જે દેખાવે તો ગોળા ફેંકતી તોપ જેવું હોય પણ વાસ્તવમાં સાવ યુઝલેસ. માત્ર મોટા-મોટા અવાજ કરે અને કામ કશું નહીં. ઇઝરાયલે એક પછી એક ડેવીડકાની નળીઓમાં વાટ સળગાવીને ધમાકા કરવા માંડ્યા. આરબ આર્મીને લાગ્યું કે ઇઝરાયલ પાસે કોઈ ઍટમ બૉમ્બ છે અને તેઓ એનાથી હુમલો કરી રહ્યા છે. ધપાધપ પાંચેય દેશોની આર્મી વચ્ચે કો-ઑર્ડિનેશન ખોરવાયું અને તેઓ ભાગવા માંડ્યા હતા. આ ચાતુર્ય અને આવી પ્રતિભા જ ઇઝરાયલને આમમાંથી ખાસ બનાવે છે.
ભારત અને ઇઝરાયલની અમસ્તી જ સરખામણી નથી થતી
ભારત જેવો જ ઇતિહાસ છતાં ભારત કરતાં ક્યાંય આગળ એવા ઇઝરાયલ સાથે આમ તો ભારતની સરખામણી પણ થઈ શકે એમ નથી કારણ કે ઇઝરાયલ એક એવો દેશ છે જેણે છેલ્લાં પચાસ વર્ષોમાં છ યુદ્ધ લડ્યાં છે. પાંચ-પાંચ દેશોએ એકસાથે ઇઝરાયલ પર અટૅક કર્યા છે : ઇરાક, સિરિયા, જૉર્ડન, ઇજિપ્ત અને લેબૅનન; જેમાં ટેરરિસ્ટ અટૅકથી લઈને મેદાની યુદ્ધ પણ સામેલ છે. અનેક મોટા-મોટા દેશોએ એને બૅન સુધ્ધાં કર્યું છે. એક સમયે ઈરાન જેની સાથે હમણાં સામસામે યુદ્ધ ચાલી રહ્યું છે એના લીડર ખામેનેઇએ તો એક વાર જાહેર પ્લૅટફૉર્મ પર કહ્યું હતું કે તેઓ ઇઝરાયલનું નામ-ઓ-નિશાન મિટાવી દેશે. તો પછી સરખામણી શાની? ઇઝરાયલ પાસે ન તો ચાઇના જેવી મોટી આર્મી છે, ન ભારત જેવો વિશાળ લેબર ક્લાસ કે ન આરબ દેશો જેવા તેલના કૂવા કે નથી કોઈ નૅચરલ રિસોર્સીસ. અરે, ૧૯૪૮માં જ્યારે આ દેશને આઝાદી મળી ત્યારે તો તેની પાસે રોજિંદું પીવા જેટલું પાણી સુધ્ધાં નહોતું. આથી જ તો સરકારે એક સમયે વ્યક્તિદીઠ ૧૦ લીટર પાણીનું રૅશનિંગ લગાવવું પડ્યું હતું. આ બધા છતાં કોઈને ખ્યાલ છે ઇઝરાયલે વિશ્વમાં કયા અને કેવા દેશ તરીકે ઓળખ ઊભી કરી? ‘અ સ્ટાર્ટઅપ નેશન’. યસ, રિસ્ક, ઇનોવેશન ઍન્ડ ઍન્થુઝિએઝમને સૌથી પહેલું મહત્ત્વ આપનારો દેશ એટલે ઇઝરાયલ જે આજે હવે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં પ્રથમ હરોળમાં સામેલ છે.. છતાં આપણે એમ કરવા પ્રેરાઈએ છીએ કારણ કે એક નહીં, અનેક સામ્ય છે આ બે દેશો વચ્ચે. તો શરૂ કરીએ?
વિશ્વમાં સૌથી પ્રાચીન ધર્મ કયા? સનાતન હિન્દુ અને યહૂદી. વિશ્વમાં એક સમયે કયાં બે મુખ્ય ધાર્મિક કેન્દ્રો હતાં? સિંધુ નદીની ઘાટીમાં જન્મેલા સનાતન ધર્મનું ભારત અને યહૂદીઓનું જન્મસ્થળ યેરૂસલેમ. યહૂદીઓને કેટલી વાર નામશેષ કરવાનો પ્રયત્ન થયો? અનેક વાર. ક્યારેક બેબિલોન, ક્યારેક રોમ તો ક્યારેક યુરોપ અને હજી આજે પણ અનેક ઇસ્લામિક દેશો. સનાતન હિન્દુ ધર્મ પર મહંમદ ગઝનવીથી શરૂ થયેલાં આક્રમણ તથા ત્યાર બાદ મુગલો, ફિરંગીઓ અને છેક બ્રિટિશર્સ સુધી. સનાતન ધર્મ પર મુગલોએ અનેક પ્રહારો કર્યા. યહૂદીઓની જેમ હિન્દુઓનાં પણ અનેક ધાર્મિક સ્થળો અને મંદિરો તોડી પાડવામાં આવ્યાં.
ભારતને આઝાદી મળી ૧૯૪૭માં અને ઇઝરાયલને મળી ૧૯૪૮માં. આઝાદી પછી જે રીતે ભારતના ત્રણ ભાગલા પડ્યા એ જ રીતે ફિલીસ્તીનના પણ ત્રણ ભાગલા પડ્યા જેમાંનો એક નાનો ટુકડો ઇઝરાયલ મળ્યો યહૂદીઓને. ભારતના ત્રણ ભાગમાંથી જે રીતે બે ભાગ મળ્યા મુસલમાનોને એ જ રીતે ફિલીસ્તીનના પણ ત્રણ ભાગમાંથી બે ભાગ આરબના મુસલમાનોએ પોતાને નામ કરી લીધા. તેમ છતાં આઝાદી પછીના નવસર્જનમાં બન્ને દેશોની વિચારધારા લગભગ-લગભગ એકસરખી હતી. બન્ને દેશો દુશ્મનોથી ઘેરાયેલા છે. ઇઝરાયલ ઘેરાયેલું છે આરબ દેશોથી તો ભારત ઘેરાયેલું ઇસ્લામિક રાષ્ટ્રોથી જે ચીનના પ્રભાવ હેઠળ છે. આટઆટલી મુશ્કેલી છતાં સર્વધર્મ સમભાવ અને સૌહાર્દની ભાવના રાખનારા આ બન્ને દેશોને વિશ્વમાં ઍન્ટિમાઇનોરિટી અને ઍન્ટિસેક્યુલર ચીતરવાનો પ્રયાસ વિશ્વમાં થતો રહ્યો છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે આ બન્ને દેશો અને બન્ને ધર્મોએ ક્યારેય બીજા પર તેમનો ધર્મ થોપ્યો નથી કે બળજબરીએ ધર્મપરિવર્તન સુધ્ધાં ક્યારેય કરાવ્યું નથી. આ બન્ને દેશો અને તેમના ધર્મને અનેક વાર મજાક બનાવવામાં આવે છે. હિન્દુઓ માટે ક્યારેક તિલક, ક્યારેક ધોતી તો ક્યારેક ગાયની પૂજા કરવાને મજાક તરીકે ચીતરવામાં આવે છે. તો યહૂદીઓ પર ક્યારેક તેમની ધાર્મિક પ્રૅક્ટિસ, માન્યતાને આગળ કરી મજાક બનાવવામાં આવે છે. આ બન્ને દેશો અને ધર્મો એવા છે કે જેમના પર ધર્માંતરણના પ્રયત્નો પ્રાચીન કાળથી થતા રહ્યા છે. પરિસ્થિતિ આજે એ છે કે આ બન્ને ધર્મો વિરુદ્ધ યોજનાબદ્ધ રીતે દુનિયામાં જબરદસ્ત નફરત ફેલાવવામાં આવી રહી છે જેનું મુખ્ય કારણ એ છે કે
આ બન્ને ધર્મ આક્રાંતાઓ સામે ઝૂક્યા નહીં અને ક્રૂરતાથી ડરી જઈને પોતાનો ધર્મ બદલ્યો નહીં.
દરેક ઇઝરાયલી બાળકને પોતાનાં ધર્મ અને સંસ્કૃતિનું જ્ઞાન અને માહિતીઓ પોતાના ઘર અને સ્કૂલથી જ આપવામાં આવે છે. તેમના પર કયા-કયા અને કઈ રીતના જુલમ થયા છે અને એમાંથી એ દેશે કઈ રીતે સર્વાઇવ કર્યું છે એ પેઢી-દર પેઢી ભૂલવા દેવામાં આવતું નથી.
આજે ઇઝરાયલમાં પ્રતિ ૧૦,૦૦૦ વ્યક્તિએ ૧૩૫ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો છે જે રેશિયો વિશ્વમાં સૌથી વધુ છે. ઘર અને શાળામાંથી મળેલા મૂળભૂત સંસ્કારોને કારણે ઇઝરાયલમાં જોખમ લેવાની ક્ષમતા અને પરંપરાગત વિચારોને પડકારવાની વૃત્તિ સંસ્કૃતિના મૂળમાં છે. ફરજિયાત લશ્કરી સેવા અનેક ડાબેરી વિચારધારાવાળા કે લિબરલ્સને કદાચ બળજબરી જેવું લાગતું હશે પરંતુ આ સેવા જ એ દેશના યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને ટેક્નિકલ કુશળતા વિકસાવે છે, જે એક હકીકત છે.
