વિરાર પોલીસે ૬ મહિનામાં ૧૦ પત્રો લખ્યા અને ૧૦૦ ગેરકાયદે ઇમારતો વિશેની માહિતીઓ આપી છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં
વસઈ-વિરાર પાલિકાએ ૬ મહિના સુધી ગેરકાયદે બિલ્ડિંગ કાંડ દબાવી રાખ્યો
મુંબઈ : વસઈ-વિરારમાં બનાવટી દસ્તાવેજોના આધારે પંચાવન ગેરકાયદે બાંધકામ થયાં હોવાની ઘટના ચર્ચામાં છે ત્યારે ફરી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશને છેલ્લા સતત ૬ મહિનાથી વસઈ-વિરારમાં ગેરકાયદે બિલ્ડિંગનું કૌભાંડ છુપાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. માર્ચથી વિરાર પોલીસે એક કે બે નહીં, દસ લેખિત પત્રો અને ગેરકાયદે બિલ્ડિંગ્સની યાદી મ્યુનિસિપલ કૉર્પોરેશનને આપી હતી. આ પત્રો અને ગેરકાયદે બિલ્ડિંગ્સની યાદી ‘મિડ-ડે’ના હાથમાં આવી છે. જોકે એના પર ઝીરો કાર્યવાહી થઈ હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. ૬ મહિનાથી પત્રો મળી રહ્યા હોવા છતાં મ્યુનિસિપલ કૉર્પોરેશન કોને બચાવવા માટે કાર્યવાહી નથી કરી રહી એવો ગંભીર પ્રશ્ન અહીં ઊભો થઈ રહ્યો છે. જો સમયસર આ પત્ર પર પ્રશાસન દ્વારા ધ્યાન આપવામાં આવ્યું હોત તો કદાચ હાલનાં પંચાવન ગેરકાયદે બિલ્ડિંગોનું પ્રકરણ પહેલાં જ પ્રકાશમાં આવ્યું હોત.
વિરાર પોલીસે બનાવટી સ્ટૅમ્પ અને દસ્તાવેજો બનાવીને એક ટોળકીનો પર્દાફાશ કર્યા બાદ પંચાવન ગેરકાયદે બિલ્ડિંગોનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણે આ બિલ્ડિંગો સામે એક પછી એક ગુનો દાખલ કરવાનું શરૂ કર્યું છે. જોકે ‘મિડ-ડે’ને મળેલી માહિતી મુજબ વિરાર પોલીસે ૧૦૦ ગેરકાયદે બિલ્ડિંગનાં નામ સાથેની યાદી અને એની તમામ વિગતો, ઍડ્રેસ, સર્વે નંબર, કોણે બાંધકામ કર્યું છે એની માહિતી પણ મહાનગરપાલિકાને આપી હતી અને પગલાં લેવા જણાવ્યું હતું. માર્ચ ૨૦૨૩થી ઑગસ્ટ ૨૦૨૩ સુધીના ૬ મહિનામાં પોલીસે મહાનગરપાલિકાને ૧૦ પત્રો આપ્યા હતા. આ પત્રો મહાનગરપાલિકાના ‘સી’ વૉર્ડ કમિટીના ભૂતપૂર્વ અસિસ્ટન્ટ કમિશનર ગણેશ પાટીલ, ડેપ્યુટી કમિશનર (બાંધકામ) કિશોર ગવસ, વૉર્ડ કમિટી ‘બી’ના અસિસ્ટન્ટ કમિશનર અને કમિશનર અનિલકુમાર પવારને મોકલવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
શું હતું આ પત્રમાં?
આ પત્રો વિરાર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળે અને અન્ય પોલીસ અધિકારીના નામે મોકલવામાં આવ્યા હતા. આ પત્રમાં દરેક વૉર્ડ વાઇઝ બિલ્ડિંગોની વિગતો, સર્વે નંબર, બિલ્ડિંગોનાં નામ, ડેવલપરનાં નામ વગેરે વિગતો સવિસ્તર આપવામાં આવી હતી. પત્રમાં જણાવાયું છે કે આ બિલ્ડિંગો ગેરકાયદે છે, તેમની પાસે કોઈ દસ્તાવેજ નથી અને તેઓ લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ પત્ર દ્વારા આ સંબંધિત બિલ્ડિંગોના ડેવલપર્સ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી. વિરાર પોલીસે અફસોસ સાથે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાએ આમાંથી એક પણ પત્ર પર કાર્યવાહી કરી નથી. આ તમામ બિલ્ડિંગ રાજકીય પક્ષોને લગતી અને મહત્ત્વની વ્યક્તિઓનાં હોવાથી મહાનગરપાલિકા પત્રો સામે આંખ આડા કાન કરીને કાર્યવાહી કરવા ટાળંટાળ કરી રહી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. વૉર્ડ કમિટી ‘સી’ અને વૉર્ડ કમિટી ‘બી’એ ભેગાં મળીને ૧૦૦ બિલ્ડિંગનાં નામ મહાનગરપાલિકાને આપ્યાં હતાં.
૧૦૦ ગેરકાયદે બિલ્ડિંગ પર એક પણ ગુનો દાખલ નહીં
વિરાર પોલીસે પંચાવન બિલ્ડિંગના કેસનો પર્દાફાશ કર્યા બાદ હવે મહાનગરપાલિકા એના પર કાર્યવાહી કરી રહી છે અને અત્યાર સુધી ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ એ પહેલાં વિરાર પોલીસે ૧૦૦ ગેરકાયદે બિલ્ડિંગોની યાદી મહાનગરપાલિકાને સોંપી દીધી છે, પણ એની સામે કોઈ કેસ નોંધાયો નથી.
પોલીસ શું કહે છે?
વિરારના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે માર્ચ મહિનાથી વસઈ-વિરાર મહાનગરપાલિકાના સંબંધિત વિભાગને ગેરકાયદે બિલ્ડિંગોની વૉર્ડ વાઇઝ વિગતવાર માહિતી આપી હતી, પરંતુ આ સંદર્ભે મહાનગરપાલિકાએ ફરિયાદ નોંધી નથી અને કોઈ કાર્યવાહી પણ કરી નથી.’
આ યાદી તૈયાર કરનાર વિરારના એક પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાની-નાની વિગતો ભેગી કરીને સર્વે નંબર સાથે મહાનગરપાલિકાને માહિતી આપી હતી, પરંતુ એના પર કોઈ જ હિલચાલ થઈ નથી, તો પોલીસે જે જહેમત ઉઠાવી એનો કોઈ અર્થ નથી?’
મહાનગરપાલિકાનું શું કહેવું છે?
આ વિશે વસઈ-વિરાર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર (બાંધકામ) કિશોર ગવસ મિડ-ડેને જણાવ્યું હતું કે ‘અમને વિરાર પોલીસ દ્વારા પત્રો મળ્યા છે અને એના પર વેરિફિકેશન, નોટિસ, પંચનામા વગેરે કાર્યવાહી ચાલી રહી છે. આ પ્રક્રિયા લાંબી હોવાથી તેમાં થોડો સમય પણ જતો હોય છે. તેમ જ વોર્ડ વાઈઝ સંબંધિતોને માહિતી બધી મોકલી દેવામાં આવી છે અને ત્યાં પણ આ વિશે કામ કરવામાં આવી રહયું છે. આ વિશે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે.’


