પોલીસને તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપીઓ હૉસ્પિટલના ફેક એમ્પ્લૉઈના નામે પે-સ્લિપ બનાવીને લોન લેતા હતા : વસઈ-વિરારમાં પંચાવન ગેરકાયદે બિલ્ડિંગ પ્રકરણમાં થયો વધુ એક ખુલાસો ઃ એક ગુજરાતી ઑર્થોપેડિક ડૉક્ટરના નામનો નકલી સ્ટૅમ્પ બનાવ્યો હતો
ગેરકાયદે બિલ્ડિંગ બનાવવા માટે ડૉક્ટરના રબર-સ્ટૅમ્પનું શું કામ?
મુંબઈ ઃ વસઈ-વિરારમાં બનાવટી દસ્તાવેજ બનાવીને પંચાવન જેટલાં બિલ્ડિંગ ઊભાં કરવાના કેસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. ૨૦૧૬માં મૃત્યુ પામેલા ગુજરાતી આર્કિટેક્ટના નામે ૨૦૧૯માં ગેરકાયદે બિલ્ડિંગનો બોગસ પ્લાન તૈયાર કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. એ સાથે આ પ્રકરણમાં વધુ એક ખુલાસો બહાર આવ્યો છે, જેમાં એક ગુજરાતી ઑર્થોપેડિક ડૉક્ટરના નામનો બોગસ સ્ટૅમ્પ પણ બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે ગેરકાયદે બિલ્ડિંગ બનાવવાના પ્રકરણમાં પ્રખ્યાત ડૉક્ટરના સ્ટૅમ્પનું શું કામ એવો પ્રશ્ન પોલીસને થયો હતો. એ પછી તપાસ કરતાં પોલીસને જાણ થઈ કે આરોપીઓ હૉસ્પિટલના ફેક એમ્પ્લૉઈના નામે પે-સ્લિપ બનાવીને લોન લેતા હોવાનું જણાયું હતું. ઉલ્લેખનીય છે કે આ ડૉક્ટર મુંબઈની પ્રખ્યાત હૉસ્પિટલ સાથે જોડાયેલા છે.
પંચાવન બનાવટી દસ્તાવેજ બનાવીને ઊભાં કરાયેલાં બિલ્ડિંગોના કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં પોલીસને મહાનગરપાલિકા, કલેક્ટર, સિડકોથી લઈને ડેપ્યુટી રજિસ્ટ્રાર ઑફિસના બનાવટી સ્ટૅમ્પ, લેટરહેડ, ઍગ્રીમેન્ટનો ઉપયોગ કરીને દસ્તાવેજ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ગેરકાયદે બિલ્ડિંગોના બાંધકામ માટેના તમામ બનાવટી દસ્તાવેજોમાં બાંધકામ પરમિટ (સીસી), બાંધકામ પૂર્ણતા પ્રમાણપત્ર (બીસીસી) અને બાંધકામ પ્રમાણપત્ર (ઓસી) મહાનગરપાલિકાનાં બનાવટી લેટરહેડમાંથી તૈયાર કરવામાં આવ્યાં હતાં. એ માટે વિવિધ વિભાગના સ્ટૅમ્પ તૈયાર કરવામાં આવ્યા હતા. આરોપીઓએ બનાવટી દસ્તાવેજના આધારે સેકન્ડરી રજિસ્ટ્રાર પાસે બનાવટી દસ્તાવેજની નોંધણી કરીને રેરા હેઠળ મંજૂરી મેળવી હતી.
ADVERTISEMENT
આરોપીઓ પાસેથી પોલીસ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, નગરરચના ઉપસંચાલક, સરપંચ, સેકન્ડરી રજિસ્ટ્રાર સહિત એમએમઆરએ, આર્કિટેક્ટ્સ અને બે વકીલો મળીને અત્યાર સુધીમાં કુલ ૧૧૫ નકલી સ્ટૅમ્પ, વિવિધ ડેવલપર્સ અને આર્કિટેક્ટ્સનાં બાવીસ રબર-સ્ટૅમ્પ, મહાનગરપાલિકાનાં ૬૦૦ લેટરપૅડ, સિડકોનાં ૫૦૦ લેટરપૅડ અને બનાવટી બિલ્ડિંગ દસ્તાવેજોની પંચાવન ફાઇલો મળી છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી મળેલા નકલી સ્ટૅમ્પમાંથી ડૉક્ટરના નામનો એક સ્ટૅમ્પ પણ મળી આવ્યો છે. જોકે આવા કેસમાં ડૉક્ટરના સ્ટૅમ્પનું શું કામ એવો પ્રશ્ન ઊભો થયો હતો. મુંબઈના એક જાણીતા ડૉક્ટરની હૉસ્પિટલની નકલી પે-સ્લિપ બનાવીને લોન લેવાઈ હતી એમ પોલીસ-તપાસમાં બહાર આવ્યું હતું. લોન લેવા માટે આરોપીઓએ આ ડૉક્ટરના નામનો સ્ટૅમ્પ તૈયાર કર્યો હતો.
શા માટે ડૉક્ટરનો નકલી સ્ટૅમ્પ બનાવ્યો?
વિરારના એક પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તપાસ દરમ્યાન પોલીસને આરોપીઓ પાસેથી ડૉક્ટરનો એક નકલી સ્ટૅમ્પ મળી આવ્યો હતો. આરોપીઓ બાંધકામ માટે સંબંધિત વિભાગના બનાવટી સ્ટૅમ્પ અને લેટરહેડ બનાવતા હતા, પરંતુ ડૉક્ટરના નકલી સ્ટૅમ્પની શી જરૂર પડી એવો સવાલ ઊઠ્યો હતો. ડૉક્ટરના નકલી સ્ટૅમ્પ વિશે તપાસ કરતાં જણાયું કે મુંબઈના પ્રખ્યાત ઑર્થોપેડિક ડૉ. નિખિલ શાહ (નામ બદલ્યું છે)ના નામનો એક સ્ટૅમ્પ બન્યો છે. વધુ તપાસ કરતાં પોલીસને જણાયું કે આરોપીઓ ગેરકાયદે બિલ્ડિંગ બનાવતી વખતે બનાવટી દસ્તાવેજના આધારે બૅન્કમાંથી લોન લેતા હતા. એ માટે તેમણે ડૉ. નિખિલ શાહના નામનો સ્ટૅમ્પ બનાવ્યો હતો. ડૉ. નિખિલ શાહના ક્લિનિકનો કર્મચારી હોવાનું જણાવીને તેના નામે આરોપીઓ પે-સ્લિપ બનાવતા હતા અને એના આધારે બૅન્કમાંથી લોન લેતા હતા. આ સિવાય મુંબઈની બે જાણીતી હૉસ્પિટલના નામે પણ નકલી પે-સ્લિપ બનાવીને લાખો રૂપિયાની લોન લીધી છે. આરોપીઓએ મેડિકલ ક્ષેત્રે પણ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરી છે કે નહીં એ વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે.’


