બન્ને યુવાનોના મોબાઇલ ગાયબ હોવાથી પોલીસે તપાસ તેજ કરી
પ્રતીકાત્મક તસવીર
અન્ડર-કન્સ્ટ્રક્શન ઇમારત પરથી કૂદકો લગાવીને બન્નેએ જીવ આપ્યો, આત્મહત્યાનું કોઈ દેખીતું કારણ ન હોવાથી એકના પરિવારને હત્યાની શંકા, બન્ને યુવાનોના મોબાઇલ ગાયબ હોવાથી પોલીસે તપાસ તેજ કરી
નાલાસોપારાના અચોલે રોડ પર રહેતા અને રાહુલ ઇન્ટરનૅશનલ કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા બે યુવાનોના મૃતદેહ સોમવારે રાતે વિરારની અન્ડરકન્સ્ટ્રક્શન ઇમારત નીચેથી મળી આવતાં ચકચાર મચી હતી. અર્નાળા પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધવાની પ્રોસીજર શરૂ કરી હતી. વિરાર વેસ્ટના અગાશી રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પમ્પની બાજુમાં બની રહેલી ઇમારતની નીચે રાતે ૯-૧૦ વાગ્યા દરમ્યાન નાલાસોપારામાં રહેતા ૨૦ વર્ષના શ્યામ સનદ ઘોરાઈ અને ૨૧ વર્ષના આદિત્ય રામસિંહના મૃતદેહ મળી આવ્યા હતા. બન્ને યુવાનો ઇમારત પરથી નીચે પટકાયેલા હોય એવું દેખાઈ આવતું હતું. ઘટનાની જાણ અર્નાળા પોલીસને કરવામાં આવતાં પોલીસે એ બન્ને મૃતદેહ તાબામાં લઈ વધુ કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
શું કહે છે પોલીસ?
ઘટનાની વિગતો આપતાં અર્નાળા પોલીસના એક ઑફિસરે કહ્યું હતું કે ‘અમને પ્રાથમિક તપાસમાં તેમની પાસેથી કોઈ સુસાઇડ-નોટ મળી આવી નથી. બીજું, અમને તેમના મોબાઇલ પણ મળ્યા નથી. અમે આખા બિલ્ડિંગ અને આસપાસનો વિસ્તાર સર્ચ કર્યો પણ તેમના મોબાઇલ મળ્યા નથી. શ્યામના મૃતદેહને સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કર્યા બાદ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. જ્યારે આદિત્ય સિંહના પરિવારને શંકા છે કે તે આત્મહત્યા ન કરે, આ હત્યા હોઈ શકે. તેમણે માગણી કરી હતી કે તેનું પોસ્ટમૉર્ટમ જે. જે. હૉસ્પિટલમાં કરવામાં આવે. એથી તેના મૃતદેહને જે. જે. હૉસ્પિટલ મોકલવામાં આવ્યો છે. બન્ને યુવાનોએ આ પગલું શા માટે ભર્યું એની અમે તપાસ કરી રહ્યા છીએ. આ ઘટનામાં કોઈ યુવતી સાથેના સંબંધનો ઍન્ગલ હોય તો એ દિશામાં પણ તપાસ ચાલુ કરાઈ છે. બન્નેના મોબાઇલ મળ્યા નથી, પણ તેમના કૉલ ડીટેલ્સ રિપોર્ટ કાઢવામાં આવશે. તેઓ કોની-કોની સાથે સંપર્કમાં હતા એ ચેક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.’


