રોહિત શેટ્ટીના ઘર પર થયેલા ફાયરિંગના મામલે ડિરેક્ટરોના અસોસિએશનની જાહેર અપીલ
ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલી ફાયરિંગની ઘટના
ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલી ફાયરિંગની ઘટનાએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ભારે હલચલ મચાવી દીધી છે. આ મામલે ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશન (IFTDA) પણ ખુલ્લેઆમ સામે આવી છે અને ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે.
IFTDAના અધ્યક્ષ અને ફિલ્મમેકર અશોક પંડિતે સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ગોળીબારની ઘટનાની કડક ટીકા કરી છે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ મામલાની વ્યક્તિગત રીતે દેખરેખ રાખવા અપીલ કરી છે.
ADVERTISEMENT
અશોક પંડિત દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘ફિલ્મ-ઇન્ડસ્ટ્રી રોહિત શેટ્ટીના ઘરની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. રોહિત શેટ્ટી ભારતીય એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના સન્માનિત અને આઇકૉનિક નિર્દેશકોમાંના એક છે. આવી ઘટનાઓ ડર અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું કરે છે જે સહન કરી શકાય એમ નથી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલાની જાતે દેખરેખ રાખવી જોઈએ.’
અશોક પંડિતે વધુમાં જણાવ્યું કે ‘અસોસિએશનનું માનવું છે કે આ ગંભીર ઘટનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નૈતિકતા અને આત્મવિશ્વાસને આંચ આવવી ન જોઈએ. IFTDAને પૂરો વિશ્વાસ છે કે મુંબઈ પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરશે. આ મુશ્કેલ સમયમાં IFTDA રોહિત શેટ્ટી અને તેમના સમગ્ર પરિવાર સાથે મજબૂતીથી ઊભું છે.’
આરોપીઓ પાંચ ફેબ્રુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં
રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગના કેસમાં પકડાયેલા આરોપીઓને રવિવારે મોડી રાત્રે એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને પાંચ ફેબ્રુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલ્યા છે.
રોહિત શેટ્ટીએ ખરીદેલા પુસ્તકના રાઇટ્સને કારણે તેના ઘર પર કરવામાં આવ્યું ફાયરિંગ?
હાલમાં ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જુહુ ખાતે શેટ્ટી ટાવરમાં આવેલા ઘર પર ફાયરિંગની ઘટના બની, જેની તપાસમાં મુંબઈ પોલીસથી લઈને ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ એજન્સીઓ જોડાઈ ગઈ હતી. આ સમગ્ર હુમલાની જવાબદારી બિશ્નોઈ ગૅન્ગે ફેસબુક પોસ્ટ શૅર કરીને સ્વીકારી હોવાનું સામે આવ્યું છે. રોહિત શેટ્ટી પર હુમલો થયા બાદ દરેક સંભવિત ઍન્ગલથી તપાસ ચાલી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે રોહિત શેટ્ટીએ તાજેતરમાં ભૂતપૂર્વ મુંબઈ પોલીસ-કમિશનર રાકેશ મારિયા દ્વારા અન્ડરવર્લ્ડ અને ગુનાહિત દુનિયા પર લખાયેલા ચર્ચિત પુસ્તક ‘વેન ઇટ ઑલ બિગેન’ના રાઇટ્સ ખરીદ્યા હતા. આ પુસ્તક મુંબઈ અન્ડરવર્લ્ડની શરૂઆત અને અનટોલ્ડ સ્ટોરીઝ વિશે છે. ગયા વર્ષે નવેમ્બરમાં એની લૉન્ચ-ઇવેન્ટમાં જ રોહિત શેટ્ટીએ જાહેર કર્યું કે તેણે આ પુસ્તકના રાઇટ્સ ખરીદી લીધા છે. પોલીસને શંકા છે કે અપરાધજગત સાથે જોડાયેલી આ ડીલને કારણે કદાચ અંડરવર્લ્ડના કેટલાક લોકો નારાજ થયા હોય અને કદાચ ડર ફેલાવવાના ઇરાદે આ ફાયરિંગ કરાવવામાં આવ્યું હોય.


