Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લોકસભામાં રાહુલ ગાંધી અને સરકાર સામસામે

લોકસભામાં રાહુલ ગાંધી અને સરકાર સામસામે

Published : 03 February, 2026 08:53 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ અને સંસદીય પ્રધાન કિરેન રિજિજુએ તેમને રોક્યા, લોકસભાના સ્પીકરે પણ તેમને અટકાવ્યા અને પછી કાર્યવાહી સ્થગિત કરી

ગઈ કાલે લોકસભામાં એક મૅગેઝિનમાંથી ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેના પુસ્તક વિશે વાંચવાની કોશિશ કરતા રાહુલ ગાંધી તેમજ બીજી તસવીરમા હજી સુધી પ્રકાશિત ન થયા હોય એવા પુસ્તક વિશે બોલવાની કોશિશ કરતા રાહુલ ગાંધીનો ગૃહપ્રધાન અમિત શાહે જોરદાર વિરોધ કર્યો હતો.

ગઈ કાલે લોકસભામાં એક મૅગેઝિનમાંથી ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેના પુસ્તક વિશે વાંચવાની કોશિશ કરતા રાહુલ ગાંધી તેમજ બીજી તસવીરમા હજી સુધી પ્રકાશિત ન થયા હોય એવા પુસ્તક વિશે બોલવાની કોશિશ કરતા રાહુલ ગાંધીનો ગૃહપ્રધાન અમિત શાહે જોરદાર વિરોધ કર્યો હતો.


ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેના અપ્રકાશિત પુસ્તકના મુદ્દે હંગામો : રાહુલ ગાંધી આ પુસ્તક વિશે એક મૅગેઝિનમાં પ્રકાશિત આર્ટિકલ વાંચવા માગતા હતા અને સત્તાધારી પાર્ટીને ભીંસમાં મૂકવા અને ડરપોક ગણાવવા માગતા હતા : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ અને સંસદીય પ્રધાન કિરેન રિજિજુએ તેમને રોક્યા, લોકસભાના સ્પીકરે પણ તેમને અટકાવ્યા અને પછી કાર્યવાહી સ્થગિત કરી

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમ્યાન કૉન્ગ્રેસના સંસદસભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે બપોરે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમણે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ એમ. નરવણે દ્વારા લખાયેલા એક અપ્રકાશિત પુસ્તકના અંશ વાંચ્યા હતા જેને કારણે લોકસભામાં જોરદાર હંગામો થયો હતો અને એના પગલે સદનની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. રાહુલ ગાંધી મનોજ નરવણેની અપ્રકાશિત બુક વિશે એક મૅગેઝિનમાં પ્રકાશિત આર્ટિકલ વાંચવા માગતા હતા અને સત્તાધારી પાર્ટીને ભીંસમાં મૂકવા અને ડરપોક ગણાવવા માગતા હતા, પણ સરકારે તેમનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. રાહુલ ગાંધી જે વાત કહેવા માગતા હતા એ લદ્દાખમાં ચીને પચાવી પાડેલી ભારતની જમીનને લગતી હતી.



મનોજ નરવણેએ લખેલી અપ્રકાશિત બુક વિશે એક મૅગેઝ‌િન ‘કારવાં’માં પ્રકાશિત લેખમાંથી રાહુલ ગાંધીએ કેટલાક અંશ વાંચવાનો પ્રયાસ કર્યો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ એની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ બન્યું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સંસદમાં હાજર હતા.


સરકાર બુક પ્રકાશિત થવા દેતી નથી

લોકસભામાં રાહુલ ગાંધી ગૃહમાં બોલવા માટે ઊભા થયા ત્યારે તેમણે કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિનું ભાષણ દેશની સ્થિતિ, એની નીતિઓ, વિદેશનીતિ અને વૈશ્વિક પરિસ્થિતિ સાથે સંબંધિત છે. એક સભ્યએ કહ્યું કે અમે દેશભક્ત નથી. હું ફક્ત એનો જવાબ આપવા માગું છું કારણ કે નરવણેજીએ ઘણું બધું કહ્યું છે. આ મૅગેઝિનમાં નરવણેજીએ કહ્યું છે કે આ તેમનું સંસ્મરણ છે, જેને સરકાર પ્રકાશિત કરવાની મંજૂરી આપતી નથી. હું આમાંથી ફક્ત પાંચ પંક્તિ વાંચવા માગું છું.’


એ પછી સત્તાધારી પાર્ટી તરફ ઇશારો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘તેઓ કહે છે કે તેઓ આતંકવાદ સામે લડે છે, પરંતુ તેઓ નરવણેજીના માત્ર એક જ અવતરણથી ડરે છે. એમાં શું લખ્યું છે જે તેમને ડરાવી રહ્યું છે અને હું બોલી શકતો નથી. જો તેઓ ડરતા નથી તો મને એ વાંચવા દો.’

શું કહ્યું રાજનાથ સિંહે?

આ મુદ્દે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ પહેલાં કહેવું જોઈએ કે પુસ્તક પ્રકાશિત થયું છે કે નહીં. રાહુલ ગાંધી જે પુસ્તકનો ઉલ્લેખ કરી રહ્યા છે એ ક્યારેય પ્રકાશિત થયું નથી. રાહુલ ગાંધી, સભાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશો નહીં. રાહુલજી, અહીં બિનજરૂરી બાબતોનો ઉલ્લેખ ન કરવો જોઈએ. વિપક્ષના નેતાએ પહેલાથી જ વિવાદનો અંત લાવી દીધો છે. તેમણે પોતે કહ્યું હતું કે પુસ્તક પ્રકાશિત થયું નથી. હવે જે પુસ્તક પ્રકાશિત થયું નથી એનો ઉલ્લેખ ગૃહમાં કેવી રીતે થઈ શકે?’

શું કહ્યું અમિત શાહે?

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ ફક્ત એટલું જ કહેવું જોઈએ કે તેઓ મૅગેઝિન વાંચી રહ્યા છે, કારણ કે આ જનરલ નરવણેનું પુસ્તક નથી અને મૅગેઝિન કંઈ પણ લખી શકે છે.’

કિરેન રિજિજુએ વાંધો ઉઠાવ્યો

લોકસભામાં હોબાળા વચ્ચે રાહુલ ગાંધીએ વારંવાર આ મુદ્દા પર બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આ મુદ્દે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન અહીં તમારી વાત સાંભળવા બેઠા છે. તમે ઉઠાવેલા મુદ્દા પર ચુકાદો આપી દેવામાં આવ્યો છે. એ પછી પણ તમે વારંવાર આર્ટિકલ વાંચવાનો પ્રયાસ કરી રહ્યા છો તો ગૃહ કેવી રીતે કાર્ય કરી શકે? જો નિયમોનું પાલન ન થાય તો ચર્ચા કેવી રીતે થઈ શકે? વિપક્ષ એવી ચર્ચા ઊભી કરી રહ્યો છે કે તે પોતે બોલવા માગતો નથી અને બીજાને પણ બોલવા દેવા માગતો નથી.’

બુક પર ચર્ચા કરવાની પરંપરા નથી

આ મુદ્દે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જવાબ આપ્યો કે ‘પુસ્તક પ્રકાશિત થયું હોય તો પણ એનો ઉલ્લેખ કરી શકાતો નથી. ગૃહમાં કોઈ પણ પુસ્તક કે ઈ-મેઇલની ચર્ચા કેવી રીતે થઈ શકે? મેં નિયમ-બુક વાંચી છે. નિયમ અને પરંપરા એ છે કે ગૃહમાં અખબારનાં કટિંગ, પુસ્તકો કે વિષયો પર ચર્ચા કરવાની કોઈ પરંપરા નથી. ગૃહની ગરિમા જાળવવા માટે ગૃહમાં જેકંઈ કહેવામાં આવે છે એ પ્રામાણિક હોવું જોઈએ.’

આના પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે આ ૧૦૦ ટકા પ્રામાણિક છે.

બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થયેલો હોબાળો લગભગ ૪૫ મિનિટ સુધી ચાલ્યો, ત્યાર બાદ ગૃહને ૩ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. જ્યારે ગૃહ ફરી શરૂ થયું ત્યારે એને ૪ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું. ત્યાર બાદ ગૃહને મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.

BJP શૅર કર્યો વિડિયો

BJPએ આ મુદ્દે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ એમ. નરવણેનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ સ્પષ્ટપણે કહે છે કે આપણે એક ઇંચ પણ જમીન ગુમાવી નથી, આપણે ત્યાં જ છીએ જ્યાં હતા.

BJPનો દાવો છે કે રાહુલ ગાંધી ખોટી વાત ફેલાવવા માટે તથ્યોને તોડી-મરોડીને રજૂ કરી રહ્યા છે અને ભૂતપૂર્વ આર્મી ચીફને પોતાની મેલી રમતમાં ઢસડી રહ્યા છે. 

BJPનો દાવો : બજેટ દરમ્યાન રાહુલ સંસદમાં સૂઈ રહ્યા હતા, વિડિયો શૅર કર્યો

ભારતીય જનતા પાર્ટી (BJP)એ એક વિડિયો શૅર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી રવિવારે બજેટ રજૂ કરતી વખતે સંસદમાં સૂઈ રહ્યા હતા. આ વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે બજેટ દરમ્યાન રાહુલ ગાંધી સૂઈ રહ્યા છે, જ્યારે પણ કામની ચર્ચા થાય છે ત્યારે તેઓ સૂઈ જાય છે અને સ્ટેજ પર જઈને કહે છે કે મને બજેટમાં શું થયું એ સમજાતું નથી.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 08:53 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK