Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની મહિલાઓએ સમાજના કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો

ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની મહિલાઓએ સમાજના કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો

Published : 03 February, 2026 06:57 AM | IST | Mahesana
Pallavi Acharya

લગ્નમાં, મરણમાં અને સામાજિક પ્રસંગોએ દેખાદેખીમાં કરવામાં આવતા ખોટા ખર્ચ અને રિવાજોને જાકારો આપવાની પ્રતિજ્ઞા

સિદ્ધપુરમાં યોજાયેલા બ્રહ્મ મહિલા શક્તિ સ્નેહમિલન સમારોહમાં ભેગી થયેલી મહિલાઓ.

સિદ્ધપુરમાં યોજાયેલા બ્રહ્મ મહિલા શક્તિ સ્નેહમિલન સમારોહમાં ભેગી થયેલી મહિલાઓ.


આપણા સમાજમાં લગ્નો સહિતના કેટલાક રીતરિવાજોમાં દેખાદેખીને લઈને ધૂમ ખર્ચ કરવામાં આવે છે ત્યારે લાંબા જોડે ટૂંકો જાય ને મરે નહીં તો માંદો થાય એવી જે સ્થિતિ સર્જાય છે એમાં મધ્યમ વર્ગે ખૂબ પિસાવું પડે છે. આવી સ્થિતિ માટે જવાબદાર કોણ? એવા પ્રશ્ન સાથે ૩૧ જાન્યુઆરીએ સિદ્ધપુરમાં બ્રહ્મ મહિલા શક્તિ સ્નેહમિલન સમારોહ શરૂ થયો. સિદ્ધપુર અને મહેસાણાના ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિના મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા આ અનોખું સ્નેહમિલન  સિદ્ધપુરમાં આંબાવાડી ખાતે યોજાયું જેમાં અંબાજી, પાટણ, મહેસાણા, વડોદરા, અમદાવાદ, કડી, કલોલ, સુરત, મુંબઈ સુધીના વિસ્તારોમાં રહેતી ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિની સેંકડો મહિલાઓએ ભાગ લીધો હતો. આ સ્નેહમિલનમાં જોડાવા માટે તેઓ ખાસ વાહનો કરીને સિદ્ધપુર પહોચ્યાં હતાં.

બ્રહ્મ મહિલા શક્તિ સ્નેહમિલન સમારોહને એક રીતે અનોખો કહી શકાય, કારણ કે એમાં સમાજમાં પ્રવર્તમાન જે કેટલાક ખોટા અને દેખાદેખીથી પ્રેરિત તથા સમાજને પીડતા રિવાજો છે એની સામે સમાજના અગ્રણીઓએ નહીં પણ સમાજની સ્ત્રીઓએ અવાજ ઉઠાવ્યો અને આ કુરિવાજોને ડામવાની જવાબદારી પણ પોતાના શિરે લીધી.



આ સ્નેહમિલનનું આયોજન સિદ્ધપુર ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા ઉત્કર્ષ મંડળ સિદ્ધપુર અને મહેસાણાના મંડળે કર્યું હતું. સમગ્ર આયોજનની જવાબદારી સિદ્ધપુર મંડળનાં પ્રમુખ પ્રજ્ઞા ઠાકર, પ્રકાશ ઠાકર, હર્ષા શુક્લ તથા સમગ્ર કારોબારી સભ્યોએ લીધી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવાની જવાબદારી જેણે પોતાના માથે લીધી હતી એ મહેસાણા ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા ઉત્કર્ષ મંડળનાં પ્રમુખ અલકા ત્રિવેદીએ સૌપ્રથમ સમાજની મહિલાઓને જ પૂછ્યું કે આપણા સમાજમાં કયા એવા રિવાજો છે જે યોગ્ય નથી? જવાબમાં ખૂબ લાંબું લિસ્ટ મળ્યું. એટલું જ નહીં, હાજર અનેક મહિલાઓને તેમનાં મંતવ્યો રજૂ કરવા માટેની પૂરતી તક આપવામાં આવી. એ પછી આ મહિલાઓને જ એના માટે જવાબદાર કોણ છે અને એનો ઉકેલ શું એ પૂછવામાં આવ્યું. મહિલાઓને વિશ્વાસમાં લેતાં અલકાબહેને હવે આપણે શું કરવું જોઈએ એની વાત કરતાં કહ્યું, ‘લગ્નો સહિતના બીજા સામાજિક પ્રસંગોમાં તમે જે કહ્યું એ રીતે જે ધૂમ ખર્ચ થાય છે એની ગતિને હવે આપણે જરા ધીમી પાડવાની છે. ફલાણાએ તેમના દીકરા કે દીકરીનાં લગ્નમાં ફલાણો-ફલાણો વહેવાર કર્યો હતો અને હું નહીં કરું તો સમાજમાં કેવું લાગશે આવો ડર રાખવાની જરૂર જ નથી. લગ્ન અને મરણ વગેરેમાં કેટલાક રિવાજો તમને બિનજરૂરી લાગ્યા છે. એમાં તન, મન, ધન અને સમયથી પણ આપણે ખૂબ સહન કરવું પડે છે જે યોગ્ય નથી. આપણને જે અયોગ્ય લાગી રહ્યું છે એને આપણે જ બદલવાની જરૂર છે. આમ સમાજમાં બદલાવ લાવવાની જવાબદારી આપણી મહિલાઓની છે, આપણે જાતે જ આ માટે કટિબદ્ધ થવાની જરૂર છે.’
સિદ્ધપુરમાં લગ્ન સમયે નીકળતા વરઘોડા (વરયાત્રા)માં, જમણવાર, પ્રીવેડિંગ સહિતની વિવિધ રસમો વગેરેમાં પૈસાવાળા ધૂમ ખર્ચ કરે, પણ સમાજમાં પોતે નીચા ન દેખાય એ માટે પૈસા ન હોય એવા લોકો દેવું કરે છે એ શું યોગ્ય છે? આ પ્રશ્ન પુછાયો ત્યારે એનો જવાબ જ્યારે હાજર મહિલાઓએ નામાં આપ્યો ત્યારે મંચ પર હાજર મહિલાઓએ પણ એકસૂરે કહ્યું કે આજે આપણે સૌએ ખોટા રિવાજો અને ખોટા ખર્ચ ટાળવા હશે તો સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં જોડાવાની જરૂર છે. આ માટે તમામ શહેરોમાંથી આવેલી પ્રતિનિધિઓએ પણ મહિલાઓને અપીલ કરી. સિદ્ધપુર ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ સમાજની મહિલાઓએ સમાજને પીડતાં લગ્નો, મરણ સહિતના પ્રસંગોમાં કેટલાક જે કુરિવાજો છે એને નાબૂદ કરવાનું બીડું ઉપાડ્યું છે. તેમણે સંકલ્પ લીધો અને હાજર સૌ મહિલાઓને પ્રતિજ્ઞા લેવડાવી કે ખોટા ખર્ચ અને રિવાજોને દૂર કરવા આપણે એક બંધારણ બનાવીશું અને એનો અમલ કરીશું.


મંચ પરની સમગ્ર મહિલાઓએ આશાવાદ જગાવ્યો કે આજે નહીં તો કાલે આપણે આપણા કાર્યમાં ચોક્કસ સફળ થઈશું. આ સમારોહમાં હાજર મહિલાઓને મંડળે એક અપીલ પણ કરી કે સુધારાની શરૂઆત દરેકે પોતાનાથી કરવાની છે; એવું નથી કે સમાજે પ્રગતિ નથી કરી, સમાજના ઘણા રિવાજો અત્યારે બંધ પણ થઈ ગયા છે, પરંતુ હજી એમાં પ્રગતિની જરૂર છે.
અંતે સમારોહમાં એક સર્વસંમતિ સધાઈ કે બધાએ સાથે મળીને સમાજને આગળ લઈ જવાનો છે.

 


 

 

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 06:57 AM IST | Mahesana | Pallavi Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK