કપડાંના દુકાનમાં લાગેલી આગનો તણખો એ ગાદલાની દુકાનમાં જતાં એમાં પણ આગ લાગી હતી
ગઈ કાલે નાલાસોપારાના આચોલે રોડ પર આવેલી કપડાંની દુકાનમાં ફાટી નીકળેલી આગને ઓલવવાનો પ્રયાસ કરતા ફાયર-બ્રિગેડના જવાનો.
નાલાસોપારા-ઈસ્ટના આચોલે રોડ પર આવેલા ચંદનનાકા પાસે આયેશા અપાર્ટમેન્ટમાં આવેલી કપડાંની દુકાનમાં ઍર-કન્ડિશનરમાં પહેલાં ધડાકો થયો હતો અને એ પછી આગ ફાટી નીકળી હતી. કપડાંની દુકાન હોવાથી આગ બહુ જ ઝડપથી વિકરાળ બની ગઈ હતી અને આગની જ્વાળાઓ લબકારા મારવા માંડી હતી.
કપડાંની દુકાનની બાજુમાં જ ગાદલાં, કુશન બનાવવાની દુકાન હતી જેમાં મોટા પ્રમાણમાં કાપડ, રૂ અને ફોમનો સ્ટૉક કરાયો હતો. કપડાંના દુકાનમાં લાગેલી આગનો તણખો એ ગાદલાની દુકાનમાં જતાં એમાં પણ આગ લાગી હતી. બન્ને દુકાનો આગમાં બળવા માંડી હતી. ફાયર-બ્રિગેડને જાણ કરતાં તેમની ટીમ દોડી આવી હતી અને તેમણે આગ ઓલવવાના ભારે પ્રયાસ કર્યા હતા. આગ ઓલવી પણ હતી પણ બન્ને દુકાનો પૂરી રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. આગમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું, પણ લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગ આચોલે રોડ પર લાગી હોવાથી ત્યાંનો વાહનવ્યવહાર પણ રોકી દેવામાં આવ્યો હતો.


