Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પોતાની હાઉસહેલ્પને દીકરીની જેમ પરણાવી આ ગુજરાતી દંપતીએ

પોતાની હાઉસહેલ્પને દીકરીની જેમ પરણાવી આ ગુજરાતી દંપતીએ

Published : 12 June, 2025 02:33 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

છેલ્લાં ૧૬ વર્ષથી ઘરકામ કરતી છોકરીને ઘરના સભ્યની જેમ સાચવી અને જ્યારે તે ઉંમરલાયક થઈ ત્યારે તેનાં ધામધૂમથી લગ્ન કરાવીને સાસરે વળાવી

અંજલિ અને તેના પતિ સંયોગ સાથે શાહ દંપતી.

અંજલિ અને તેના પતિ સંયોગ સાથે શાહ દંપતી.


આપણા જીવનમાં અમુક સંબંધો એવા હોય છે જે લોહીના સંબંધો નથી હોતા, પણ તેમ છતાં લાગણી અને પ્રેમના તારથી એ રીતે જોડાયેલા હોય છે કે આપણે એને સાચવતા હોઈએ છીએ અને જરૂર પડે ત્યારે નિભાવી જાણીએ છીએ. આનું ઉત્તમ ઉદાહરણ એટલે ઘાટકોપરનું શાહ દંપતી જેમણે તેમને ત્યાં છેલ્લાં ૧૬ વર્ષથી ઘરકામ કરતી છોકરીને ઘરના સભ્યની જેમ સાચવી અને જ્યારે તે ઉંમરલાયક થઈ ત્યારે તેનાં ધામધૂમથી લગ્ન કરાવીને સાસરે વળાવી

ઘરકામ માટે રાખેલી નાની છોકરીને પરિવારમાં દીકરીની જેમ સાચવવી અને જ્યારે તે મોટી થાય ત્યારે માતા-પિતા બનીને તેને ધામધૂમથી પરણાવવી આ વાત જાણે કોઈ ફિલ્મી સ્ટોરી હોય એવું લાગે, પણ આનંદની વાત એ છે કે આ રીલ નહીં પણ રિયલ લાઇફમાં બન્યું છે. આ સરાહનીય અને સમાજમાં દાખલારૂપ બની રહે એવું કામ કરીને દેખાડ્યું છે ઘાટકોપરમાં રહેતા શાહ દંપતીએ એટલે કે કેતન શાહ અને સંગીતા શાહે. તેમણે તેમને ત્યાં નાની ઉંમરથી જ કામ કરવા માટે આવેલી અંજલિને ૧૬ વર્ષ બાદ  ધામધૂમથી પરણાવી છે. ખાસ વાત એ છે કે અંજલિને પોતાની દીકરી સમજીને તેનાં લગ્નનો બધો જ ખર્ચ શાહ દંપતીએ પોતે જ ઉપાડ્યો છે અને તેનું કન્યાદાન પણ પોતાના હાથે જ કર્યું છે.




અંજલિનું કન્યાદાન કરતાં સંગીતાબહેન અને કેતનભાઈ.

અંજલિ વિશે વાત કરતાં સંગીતાબહેન કહે છે, ‘અંજલિ એક મહારાષ્ટ્રિયન છોકરી છે.  તેના ઘરની આર્થિક સ્થતિ ખૂબ ખરાબ હતી. તેનાં મમ્મી-પપ્પાની એવી ઇચ્છા હતી કે તે ઘરકામ કરીને પરિવારને આર્થિક સહારો આપે. બીજી બાજુ હું અને મારા હસબન્ડ કેતન અમે બન્ને વર્કિંગ હતાં. ઘરમાં મારાં સાસુ-સસરા હોય. તેમનું ધ્યાન રાખવા માટે કોઈ હોય તો સારું પડે એટલે એમ વિચારીને અમે તેને ફુલટાઇમ માટે જ રાખી લીધી. એ સમયે અંજલિ નાની જ હતી એટલે તેને વધુ કંઈ આવડે નહીં, પણ ધીમે-ધીમે તે બધું શીખતી ગઈ. એ પછી તો મારાં સાસુ-સસરા માટે સવારનો ચા-નાસ્તો, બપોરનું જમવાનું બધું જ અંજલિ સંભાળી લેતી હતી. અમારે ક્યાંય બહારગામ જવું હોય તો પણ ઘરની ચિંતા ન હોય. એ સમયે તેના ભણવાના પણ દિવસો હતા. છોકરી થોડુંઘણું ભણી હોય તો આગળ જઈને કામ આવે એમ વિચારીને અમે તેને ઘરે પ્રાઇવેટ ટ્યુશન ટીચર બોલાવીને ભણાવતાં. તે સ્કૂલ ન જતી. તેણે દસમા ધોરણની પરીક્ષા ઇન્ડિપેન્ડન્ટ કૅન્ડિડેટ તરીકે આપી હતી. એ સમયે એક્ઝામિનેશન સેન્ટરમાં લઈ જવા-લાવવાનું કામ હું કરતી. દસમું પાસ કર્યા પછી તેને બહાર જઈને નોકરી કરવાની ઇચ્છા હતી. તેણે જૉબ શોધવાનું શરૂ કર્યું પણ કોઈ જગ્યાએ મેળ પડ્યો નહીં. બીજી બાજુ તેનાં માતા-પિતાની એવી ઇચ્છા હતી કે તેમની દીકરી અમારા ઘરે રહીને જ કામ કરે. એમ કામ કરતાં-કરતાં અંજલિએ અમારા ઘરે ૧૬ વર્ષ કાઢ્યાં. મારાં સાસુ તો હવે નથી રહ્યાં, પણ સસરા છે. તેમને વારંવાર બધું ભૂલી જવાની બીમારી છે. એટલે તેમને નહાવા લઈ જવા, વૉશરૂમમાં લઈ જવા બધાં જ કામમાં અંજલિ તેમની મદદ કરતી. મારા કુટુંબના બધા જ સભ્યો અંજલિને ઓળખે છે અને તેના માટે માનની લાગણી ધરાવે છે. ઘરે જે પણ મહેમાન આવે તેને હસતે મોઢે તે આવકારે.’


અંજલિની હલ્દી સેરેમનીમાં તેને પીઠી ચોળતાં સંગીતાબહેન.

અંજલિનાં લગ્નનો ખર્ચ ઉઠાવવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે વાત કરતાં સંગીતાબહેન કહે છે, ‘અંજલિને એક નાનો ભાઈ અને એક બહેન છે. ભાઈ ગ્રૅજ્યુએટ થઈને અત્યારે કેબ-ડ્રાઇવર તરીકે કામ કરે છે, જ્યારે બહેન ગ્રૅજ્યુએશનના ફાઇનલ યરમાં છે. અમારા ઘરે કામ કરીને જ અંજલિએ પોતાના બળે તેમને ભણાવ્યાં છે. બન્ને અત્યારે પુણેમાં રહે છે, કારણ કે અંજલિનાં કાકા, ફઈ બધાનો પરિવાર ત્યાં જ રહે છે. અંજલિનાં માતા-પિતા મ્હાડમાં આવેલા તેમના ગામમાં રહે છે અને તેમના ખર્ચ માટે પણ અંજલિએ પૈસા મોકલવા પડે. એટલે આટલાં વર્ષોમાં અંજલિ પાસે તેની પોતાની કોઈ બચત જ નહોતી.  અંજલિ લગ્નલાયક થઈ ગઈ હતી. તેણે પોતાના માટે એક છોકરો પણ જોઈ રાખેલો. તેનું નામ સંયોગ છે. તે તેની જ જ્ઞાતિ અને કુટુંબનો છે. અંજલિએ સંયોગ વિશે મને જણાવેલું. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી હું પણ તેના કૉન્ટૅક્ટમાં હતી જેથી જાણી શકાય કે તેનો સ્વભાવ કેવો છે એટલે આગળ જઈને અંજલિને કોઈ તકલીફ ન થાય. બન્નેને લગ્ન તો કરવાં હતાં, પણ એનો ખર્ચ કઈ રીતે કાઢવો એની ચિંતા હતી. બીજી બાજુ અમારું એવું માનવું હતું કે જે છોકરીએ આપણા વડીલોની આટલી સેવા કરી, તેમને કોઈ દિવસ કોઈ તકલીફ ન થવા દીધી, જેને કારણે આપણે ચિંતામુક્ત થઈને બહાર કામકાજ માટે જઈ શક્યાં, જેણે આપણા ઘરને ઉજાળ્યું તેને માટે આપણે પણ કંઈક કરવું જોઈએ. છેલ્લાં ૧૬ વર્ષ તેનો વખત હતો કામ કરવાનો અને હવે આપણો સમય છે તેના પડખે ઊભા રહેવાનો. આપણે મંદિરો, દેરાસરોમાં જઈને દાન કરતા હોઈએ છીએ પણ સાથે-સાથે આવા લોકોને પણ મદદ કરવી જોઈએ. એટલે આ વિચાર સાથે અમે અંજલિનાં લગ્નનો ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી.’

શાહ દંપતીએ ફક્ત લગ્નના પૈસા આપ્યા એવું નથી. તેમણે આખો લગ્નપ્રસંગ પાર પાડ્યો છે. આ વિશે વાત કરતાં સંગીતાબહેન કહે છે, ‘ફક્ત પૈસા આપી દેવા કરતાં તેને જે વસ્તુ જોઈતી હોય એ અપાવીને, લગ્નની બધી જ જવાબદારી ઉઠાવીએ તો જ એ લેખે લાગે એમ અમારું માનવું હતું. અંજલિ મહારાષ્ટ્રિયન પરિવારમાંથી આવે છે. તેમનામાં સંસાર આપવાનો રિવાજ હોય જેમાં ઘરની બધી જ ઘરવખરી આપવી પડે. એટલે અમે નાનાથી લઈને મોટો બધો જ સામાન લઈ આપ્યો. એવી જ રીતે તેના માટે સાડી, ડ્રેસ, ચંપલ બધું તેની પસંદગી મુજબનું લઈ આપ્યું છે. તેમનામાં લગ્નમાં આવતા મહેમાનો પણ કંઈક આપવું પડે. એટલે મહિલાઓ માટે સાડી લીધી, જ્યારે પુરુષો માટે શર્ટ-પૅન્ટના પીસ લીધા. જ્વેલરીમાં અંજલિ માટે સોનાનો સેટ, મંગળસૂત્ર, રિંગ તેમ જમાઈને આપવા માટે પણ ચેઇન, રિંગ બધું કરાવીને આપ્યું. આ ઘરેણાંના પૈસામાં અંજલિના પણ પૈસા હતા. હું તેને છ મહિનાથી પગાર આપતી નહોતી અને મારી પાસે પૈસા જમા કરતી હતી. અંજલિનાં લગ્ન હતાં એના પંદર દિવસ પહેલાં જ હું પુણે જઈને તેના સાસરિયે આણું આપીને આવેલી. અંજલિનાં લગ્ન માટેની બધી વ્યવસ્થા અમે જ કરી હતી. ACવાળો હૉલ બુક કરાવેલો. હૉલ શોધવા માટે હું જાતે બે વાર પુણે ગયેલી. ૪૦૦ માણસોનો જમણવાર રાખેલો.’

સંગીતાબહેન અને કેતનભાઈને અંજલિ ભાઈ-ભાભી માને છે. તેમના પ્રત્યે તેને ખૂબ આદરભાવ છે એટલે અંજલિએ પોતાનું કન્યાદાન પણ સંગીતાબહેન અને કેતનભાઈના હાથે કરાવેલું. એ વિશે વાત કરતાં અંજલિ કહે છે, ‘જેમણે મને ઘરમાં એક દીકરીની જેમ રાખી, જીવનનાં દરેક સુખ-દુઃખમાં જેઓ મારી સાથે હતાં તેમના હાથેથી મારું કન્યાદાન થાય એવી મારી ઇચ્છા હતી. એટલે મેં અગાઉથી જ મારાં માતા-પિતાને કહી રાખેલું કે મારું કન્યાદાન ભાઈ-ભાભી કરશે. એક વ્યક્તિના જીવનમાં માતા-પિતા જે ફરજ નિભાવતાં હોય એ બધી જ ભાઈ-ભાભીએ નિભાવી છે. મને જે પણ જોઈતું હતું એ બધું જ તેમણે મને આપ્યું છે. હું એ ઘરમાં આવી ત્યારે મને ઝાડુ-પોતા કરવા સિવાય બીજું કોઈ કામ આવડતું નહોતું. રસોઈ બનાવતાં ને એ બધું હું તેમને ત્યાં શીખી છું. તેમની સાથે રહીને હું ગુજરાતી બોલતાં પણ શીખી ગઈ. તેમણે મને ક્યારેય એવો અનુભવ થવા દીધો નથી કે હું તેમના પરિવારની સભ્ય નથી. મારાં લગ્ન થઈ ગયાં છે અને હુ પરણીને હવે પુણેમાં જ રહેવાની છું. હું ભલે પરણીને સાસરે આવી ગઈ છું તેમ છતાં એવું નથી કે તેઓ મને ભૂલી જશે. તેમને મારા માટે હંમેશાં પ્રેમ અને કાળજી રહેશે.’

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2025 02:33 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK