લગ્ન માટે પરિવાર તૈયાર ન હોવાથી ઘરેથી સામાન સાથે નીકળ્યા બાદ આઘાતજનક પગલું ભર્યું
પ્રેમી યુગલ નાયલૉનની એક જ દોરીના બે છેડાથી લટકેલું જોવા મળ્યું હતું
થાણે જિલ્લાના અંબરનાથ તાલુકાના ટાહુલી નામના પહાડની તળેટીમાં આવેલા કુશિવલી ગામમાં ગઈ કાલે સવારે એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. ગામમાં આવેલા એક ઝાડ પર એક યુવક અને એક યુવતીના મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં સવારના ૧૦ વાગ્યે જોયા બાદ ગામવાસીઓ ચોંકી ઊઠ્યા હતા. ઘટનાસ્થળે બે સૂટકેસ પણ મળી આવી હતી. ગામવાસીઓએ પોલીસને જાણ કરતાં બન્નેના મૃતદેહને ઝાડ પરથી ઉતારીને હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ મામલો પ્રેમનો હોવાનું જાણવા મળ્યું છે. પોતાના પરિવાર લગ્ન માટે તૈયાર નહીં થાય એમ માનીને સવારના ઘરેથી સૂટકેસ સાથે નીકળ્યા બાદ વિવેક પાટીલ અને માનસી પાટીલે સાથે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

ADVERTISEMENT
અંબરનાથમાં ગઈ કાલે માનસી અને વિવેક પાટીલના મૃતદેહ મળી આવ્યા હતા
થાણે જિલ્લાના હિલલાઇન પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ જગતાપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંબરનાથના ચિંચપાડા વિસ્તારમાં ૨૧ વર્ષનો વિવેક પાટીલ અને ૨૧ વર્ષની માનસી પાટીલ તેમના પરિવાર સાથે રહેતાં હતાં. બન્ને જુદી-જુદી પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતાં હતાં. એક જ વિસ્તારમાં રહેતાં હોવાથી વિવેક અને માનસીની ઓળખાણ થઈ હતી અને બાદમાં તેઓ પ્રેમમાં પડ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે કે વિવેક અને માનસી લગ્ન કરવા માગતાં હતાં, પરંતુ તેમના પરિવાર એ માટે તૈયાર નહોતા. આથી ગઈ કાલે સવારના વિવેક અને માનસી સામાન સાથે ઘરેથી નીકળ્યાં હતાં અને કુશિવલી ગામમાં પહોંચ્યાં હતાં. ગામની બહાર આવેલા એક ઝાડ પર બન્નેએ ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાસ્થળેથી બે સૂટકેસ મળી આવી હતી, જેમાં વિવેક અને માનસીનાં આધારકાર્ડ સહિતના ડૉક્યુમેન્ટ્સ મળ્યા હતા. અમે બન્નેના પરિવારજનોને આ ઘટનાની જાણ કર્યા બાદ તેઓ પોલીસ-સ્ટેશન આવી ગયા હતા અને બન્નેની ઓળખાણ કરી હતી. આમ તો આ કેસમાં કંઈ શંકાસ્પદ લાગતું નથી. આમ છતાં અમે આકસ્મિક મૃત્યુનો મામલો નોંધીને તપાસ શરૂ કરી છે.’


