દસમા અને બારમાના વિદ્યાર્થીઓને એક્ઝામ-સેન્ટર પર પહોંચવામાં ટ્રાફિકની સમસ્યા ન નડે એ માટે થાણે ટ્રાફિક પોલીસની વિશેષ વ્યવસ્થા
ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન થાણે ટ્રાફિક-પોલીસના ૧૦૦ ટ્રાફિક-રાઇડર્સ
થાણેમાં છેલ્લાં બે વર્ષથી વિકાસનાં વિવિધ કામોને કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે. ખાસ કરીને ઘોડબંદર રોડ અને માજીવાડા વિસ્તારમાં ટ્રાફિકની રોજિંદી ભીડ નાગરિકો માટે મુશ્કેલીરૂપ બની છે. આવી સ્થિતિમાં દસમા અને બારમાની બોર્ડની પરીક્ષાઓ દરમ્યાન વિદ્યાર્થીઓ ટ્રાફિકને કારણે પરીક્ષાથી વંચિત ન રહે એ માટે થાણે ટ્રાફિક પોલીસે વિશેષ આયોજન કરી થાણેના વિવિધ માર્ગો પર ખાસ ટ્રાફિક-રાઇડર્સ તહેનાત કર્યા છે. પરીક્ષાના દિવસોમાં વાહનનું બગડવું, અકસ્માત, અચાનક ટ્રાફિક જૅમ અથવા માર્ગ બંધ થવા જેવી પરિસ્થિતિઓ સર્જાય તો વિદ્યાર્થીઓને તાત્કાલિક મદદ મળી રહે એ માટે ટ્રાફિક વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે.
થાણે ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) પંકજ શિરસાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દસમા અને બારમાની બોર્ડની પરીક્ષાઓ અનુક્રમે ૧૦ ફેબ્રુઆરી અને ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. થાણે પોલીસ કમિશનરેટના એકથી પાંચ પરિમંડળ (થાણે-ડોમ્બિવલી-કલ્યાણ-બદલાપુર-અંબરનાથ) વિસ્તારમાં બારમાનાં કુલ ૧૨૬ અને દસમાનાં કુલ ૨૨૩ પરીક્ષા-કેન્દ્રો છે. આ તમામ કેન્દ્રોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગે વ્યૂહાત્મક રીતે અધિકારીઓ અને વાહનો તહેનાત કર્યાં છે. પરીક્ષાના સમયગાળા દરમ્યાન કુલ ૧૦૦ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જે માત્ર પરીક્ષાર્થીઓની સહાય માટે ફરજ બજાવશે. મુશ્કેલીમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સુધી આ અધિકારીઓ માત્ર ૧૦ મિનિટમાં પહોંચીને ટ્રાફિક સમસ્યા દૂર કરી અથવા જરૂરી હોય તો તેમને સીધા પરીક્ષા-કેન્દ્ર સુધી પહોંચાડશે.’
ADVERTISEMENT
વિદ્યાર્થીઓ અથવા તેમનાં માતા-પિતા ટ્રાફિક-કન્ટ્રોલ હેલ્પલાઇન નંબર ૮૨૮૬૩ ૦૦૩૦૦ અને ૮૨૮૬૪ ૦૦૪૦૦ પર ફોન કરી શકે છે તેમ જ વૉટ્સઍપ નંબર ૭૦૩૯૦ ૦૩૮૬૬ પર સંપર્ક સાધી શકે છે. ઉપરાંત થાણેનાં ૧૮ ટ્રાફિક-યુનિટમાં પણ હેલ્પલાઇન સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય ટ્રાફિક-કન્ટ્રોલ રૂમમાં ૩ વિશેષ વાહનો પણ સતત તૈયાર રાખવામાં આવશે. રસ્તા પર કોઈ પણ પ્રકારની અડચણ વિશે માહિતી મળતાં જ ટ્રાફિક-પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક-વ્યવસ્થા સુધારશે અને વિદ્યાર્થીઓને પરીક્ષા-કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરશે. આ સુવિધા માત્ર પરીક્ષાના સમયગાળા પૂરતી જ અમલમાં રહેશે.


