પેપરના સ્ટૉલ તોડી પાડવાની MNSના નેતા અવિનાશ જાધવની વાતનો વિરોધ, થાણે સ્ટેશનની બહાર કર્યું પ્રદર્શન
ગઈ કાલે થાણે રેલવે-સ્ટેશનની બહાર ભેગા થયેલા મહારાષ્ટ્ર સ્ટેટ ન્યુઝપેપર સેલર્સ અસોસિએશન અને થાણે સિટી ન્યુઝપેપર સેલર્સ અસોસિએશનના પ્રતિનિધિઓ.
સોમવારે મુંબ્રામાં ટ્રેન-અકસ્માત બાદ મંગળવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા અવિનાશ જાધવે થાણે રેલવે-સ્ટેશનના પરિસરમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમ્યાન અવિનાશ જાધવે રેલવે-સ્ટેશન પરથી અખબાર-વિક્રેતાઓના સ્ટૉલ ઉખેડી નાખવાની વાત પણ કરી હતી. આ નિવેદન સામે ઉશ્કેરાયેલા અખબાર વિક્રેતા સંગઠનના ૧૦૦થી વધારે પ્રતિનિધિઓએ ગઈ કાલે બપોરે ભારે પોલીસ-બંદોબસ્ત વચ્ચે થાણે સ્ટેશનની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. અવિનાશ જાધવે આપેલું નિવેદન પાછું લેવું જ પડશે એવી ચેતવણી મહારાષ્ટ્ર રાજ્ય અખબાર વિક્રેતા સંગઠનના પ્રતિનિધિઓ અને થાણે સિટી ન્યુઝપેપર સેલર્સ અસોસિએશને આપી હતી.
થાણે સિટી ન્યુઝપેપર સેલર્સ અસોસિએશનના પ્રમુખ દત્તા ઘાડગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ન્યુઝપેપરને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે. અખબાર-વિક્રેતાઓ ગમે એવો તહેવાર હોય કે પછી ઉનાળો, ઠંડી અને વરસાદમાં પોતાનું કામ કરીને અખબારો વાચકો સુધી પહોંચાડતા હોય છે. સોમવારે મુંબ્રા રેલવે-સ્ટેશન પર થયેલા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં અખબાર-વિક્રેતાઓ પીડિતો અને ઘાયલ મુસાફરો પ્રત્યે સંવેદનશીલ છે. જોકે રેલવે-સ્ટેશન પરના અખબારના સ્ટૉલ ઉખેડી નાખવા માટે આ અકસ્માત સામેના વિરોધ-આંદોલનમાં MNSના નેતા અવિનાશ જાધવે જે ભાષાનો ઉપયોગ કર્યો છે એ અભદ્ર અને અવ્યવહારુ છે. કમનસીબ ટ્રેન-અકસ્માત વિશે બોલતાં અવિનાશ જાધવે કરેલા અખબારના સ્ટૉલ ઉખેડી નાખવાના નિવેદનથી તમામ અખબાર વિક્રેતાઓમાં ગુસ્સો ફેલાયો છે. અવિનાશ જાધવના નિવેદને તમામ અખબાર-વિક્રેતાઓના આત્મસન્માનને ઠેસ પહોંચાડી હતી એ માટે થાણે સ્ટેશનની બહાર અમે વિરોધ-પ્રદર્શન કરીને વિરોધ કર્યો હતો. એમાં મહારાષ્ટ્ર સ્ટેટ ન્યુઝપેપર સેલર્સ અસોસિએશન અને થાણે સિટી ન્યુઝપેપર સેલર્સ અસોસિએશનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. થાણે રેલવે-સ્ટેશનના પરિસરમાં આવેલા ન્યુઝપેપરના સ્ટૉલ હમણાંથી નહીં પણ આઝાદી પહેલાનાં છે જે વારસાગત ચાલતા આવ્યા છે અને ચાલતા રહેશે. આ તમામ લાઇસન્સ ધરાવતા સ્ટૉલધારકો છે. અવિનાશ જાધવ તેમણે કરેલું નિવેદન પાછું લે એવી અમારી માગણી છે.’

