૮ દિવસમાં પ્લૅટફૉર્મ પરના ફૂડ અને પેપરના સ્ટૉલ દૂર કરો, નહીંતર અમે જ એને ઉખેડી નાખીશું
થાણેમાં ગઈ કાલે નીકળેલો MNSનો મોરચો.
સોમવારે મુંબ્રા રેલવે-સ્ટેશન નજીક લોકલ ટ્રેનોમાંથી ૧૩ મુસાફરો પડી જતાં એમાંના ૪ મુસાફરોનાં મોત થયાં હતાં. આ અકસ્માતે સેન્ટ્રલ રેલવેના રૂટ પર લોકલ ટ્રેનોમાં ભીડનો મુદ્દો ફરી વાર ઉઠાવ્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં ગઈ કાલે સવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ થાણેમાં ગાંવદેવી મેદાનથી થાણે સ્ટેશન સુધી વિશાળ મોરચો કાઢ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં MNSના કાર્યકરો જોડાયા હતા. આ સમયે થાણે સ્ટેશનને RPF અને GRP સાથે સિટી પોલીસ-સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. આ દરમ્યાન થાણે સ્ટેશન પર MNSના નેતા અવિનાશ જાધવે સેન્ટ્રલ રેલવેના અધિકારીઓને આડે હાથ લીધા હતા તેમ જ ૮ દિવસમાં સ્ટેશનો પરના ખાવા-પીવાના સ્ટૉલ અને પેપરના સ્ટૉલ દૂર કરો નહીં તો MNS આ સ્ટૉલ ઉખેડી નાખશે એવી ચેતવણી આપી હતી.
અવિનાશ જાધવે સેન્ટ્રલ રેલવેના કાર્યકરો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘રેલવેમાં સુધારા રાતોરાત થતા નથી એ માનવું આપણા માટે સહેલું છે, પણ ગઈ કાલની ઘટના પછી મુસાફરોની સુવિધા માટે કયાં પગલાં લેવામાં આવ્યાં છે? સેન્ટ્રલ રેલવેના દરેક સ્ટેશન પર પેપર અને વડાપાંઉના સ્ટૉલની શું જરૂર છે? ડિજિટલ યુગમાં લોકો તેમના મોબાઇલ ફોન પર સમાચાર વાંચે છે. અમે સ્ટેશન પર પહોંચ્યાની પાંચથી ૧૦ મિનિટમાં ટ્રેનમાં ચડી જઈએ છીએ એટલે વડાપાંઉ અથવા બીજા ખાદ્ય સ્ટૉલની જરૂર નથી. સ્ટેશન પરના સ્ટૉલ દૂર કરો અને લોકોને બેસવા માટે જગ્યા બનાવો. સ્ટેશન પરના આ સ્ટૉલ આગામી ૮ દિવસમાં દૂર કરવા પડશે, નહીંતર અમે એમને ઉખેડીને ફેંકી દઈશું.’

