સંસદમાં ઑપરેશન સિંદૂર પરની ચર્ચામાં રાહુલ ગાંધીએ કહ્યું... : આપણી સેના ટાઇગર છે, ટાઇગરને પૂરી આઝાદી આપવી પડે; તમારામાં રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ હતો એટલે તમે સેનાને પાકિસ્તાની સૈન્યનાં ઠેકાણાં પર હુમલો કરવાની છૂટ ન આપી
રાહુલ ગાંધી
ગઈ કાલે પણ સંસદમાં ઑપરેશન સિંદૂર પર જબરદસ્ત ચર્ચા જામી હતી. વિપક્ષના પ્રહારો સામે BJPના સંસદસભ્યોએ પણ જોરદાર જવાબો આપ્યા હતા. કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત કૉન્ગ્રેસનાં પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીનાં અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે પણ સરકાર સામે પ્રશ્નો કર્યા હતા. વિપક્ષે પહલગામ હુમલો કેમ થયો અને એની પાછળ ઇન્ટેલિજન્સની નિષ્ફળતા માટે કોણ જવાબદાર છે એવા તીખા સવાલ કર્યા હતા. ભારતે કોના કહેવા પર યુદ્ધવિરામ કર્યું અને ભારતીય સેનાએ પાકિસ્તાનને ધ્વસ્ત કરી નાખ્યું હતું તો સરકારે ઑપરેશન અચાનક અટકાવી કેમ દીધું એના ખુલાસા વિપક્ષે માગ્યા હતા.
સરકાર તરફથી રક્ષાપ્રધાન પોતે બોલ્યા હતા અને તેમણે ઑપરેશન સિંદૂરની સફળતા વર્ણવી હતી. ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીરમાં ઠાર કરાયેલા આતંકવાદીઓ જ પહલગામ હુમલા માટે જવાબદાર હોવાની જાણકારી પુરાવા સાથે આપી હતી અને વિપક્ષને આતંકવાદી મર્યા એની ખુશી નથી કે કેમ એવો પ્રશ્ન કરી કટાક્ષ કર્યો હતો.
ADVERTISEMENT
સંસદમાં અંતે વડા પ્રધાન પોતે બોલવા ઊભા થયા હતા અને તેમણે વિપક્ષના દાવાઓને ફગાવી કડક શબ્દોમાં વિપક્ષના વલણની નિંદા કરી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘ભારતના ઑપરેશનને વિશ્વનું સમર્થન તો મળ્યું, પણ કૉન્ગ્રેસનું સમર્થન ન મળ્યું. આપણે વિશ્વના કોઈ નેતાના કહેવાથી ઑપરેશન નથી અટકાવ્યું, પણ આપણું લક્ષ્ય પહેલાંથી નક્કી હતું, એ લક્ષ્ય પાર પાડ્યા પછી આપણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી અને માર ખાઈ ખાઈને થાકી ગયેલા પાકિસ્તાને જ્યારે સામેથી વિનંતી કરી ત્યારે આપણે ઑપરેશન અટકાવ્યું.’
ગૃહપ્રધાન અમિત શાહ
-ત્રણ આતંકવાદીઓનો સેનાએ ખાતમો કરી દીધો છે એની તમને ખુશી નથી થતી?
- તમામ પુરાવા પરથી એ સાબિત થયું છે કે આ ત્રણ આતંકવાદીઓએ જ પહલગામમાં હુમલો કર્યો હતો.
- નેહરુએ તો ૧૯૪૮માં પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર (PoK) જતું કરી દીધું હતું અને ૧૯૬૨માં આસામને આકાશવાણી પરથી અલવિદા પણ કહી દીધું હતું.
- ડોકલામમાં ભારતીય જવાનો ચીની સૈનિકો સામે લડી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી ચીની ઍમ્બૅસૅડર સાથે મીટિંગ કરી રહ્યા હતા.
સંસદસભ્ય અખિલેશ યાદવ
- તમે કોના કહેવાથી સીઝફાયર કરી દીધું?
- અમે રાહ જોતા હતા કે સરકાર યુદ્ધવિરામ જાહેર કરશે, પણ સરકારની અમેરિકા સાથે ગાઢ મૈત્રી હોવાથી સરકારે અમેરિકાને જ યુદ્ધવિરામની જાહેરાત કરવા કહ્યું લાગે છે.
- ઑપરેશન સિંદૂર એ સરકારની નિષ્ફળતાનું પ્રતીક છે. પહલગામ હુમલા માટેની ઇન્ટેલિજન્સની નિષ્ફળતાની જવાબદારી કોણ લેશે?
કૉન્ગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે
- પહલગામના હુમલા પછી વડા પ્રધાને બિહારમાં ચૂંટણીપ્રચારમાં જવાને બદલે ઑલ-પાર્ટી મીટિંગમાં હાજરી આપવાની જરૂર હતી.
- ગૃહપ્રધાને પહલગામ હુમલાની જવાબદારી સ્વીકારવી જોઈએ.
- ઑપરેશન સિંદૂર વખતે અમે બધાએ તો સેનાને વધાવી હતી, પણ વડા પ્રધાન રૅલીઓમાં વિપક્ષની ટીકા કરતા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)ના જે સંસદસભ્યોએ સેનાનું અપમાન કર્યું તેમના પર મોદીએ ચૂપકીદી સાધી લીધી હતી.
- સરહદ પર પાકિસ્તાનના શેલિંગમાં ભારતીયોએ જીવ ગુમાવ્યો. તેમની રક્ષા કરવામાં સરકાર નિષ્ફળ રહી હતી.
- ડોનલ્ડ ટ્રમ્પના દાવાઓ મુદ્દે મોદી મૌન કેમ છે.
- જો આપણાં એક પણ ફાઇટર જેટ તોડી
પાડવામાં ન આવ્યાં હોય તો વડા પ્રધાને
બોલવું જોઈએ. દેશ જાણવા માગે છે.
- કોઈ દેશ ભારત સાથે ઊભો ન રહ્યો. અમેરિકાએ પણ પાકિસ્તાનની ટીકા નથી કરી.
- BJPના સંસદસભ્યોએ મોદી-મોદી બોલીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વધાવતાં ખડગેએ કહ્યું હતું કે ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓનું સન્માન કરવું જોઈએ, પણ એમને ભગવાન ન બનાવી દો.
સંસદસભ્ય પ્રિયંકા ગાંધી
- પહલગામ હુમલો થયો જ કેમ? આપણી ઇન્ટેલિજન્સ એજન્સીને ખબર કેમ ન પડી? એજન્સીના અધ્યક્ષે કે ગૃહપ્રધાને રાજીનામું આપ્યું? ગૃહપ્રધાનના નેજામાં તો આખું મણિપુર રાજ્ય બળીને ખાખ થયું છે. અમિત શાહે દોઢ કલાકના ભાષણમાં એક પણ વાર એ ન કહ્યું કે આપણે યુદ્ધવિરામ કેમ કર્યો?
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી
- ઑપરેશન સિંદૂર શરૂ થયું એ પહેલાંથી જ વિપક્ષી દળો પર્વતની જેમ સૈન્ય અને સરકાર સાથે ઊભાં રહ્યાં હતાં.
- તમારે સેનાનો ઉપયોગ કરવો હોય તો એ માટે ૧૦૦ ટકા પૉલિટિકલ વિલ-રાજકીય ઇચ્છાશક્તિ જોઈએ, સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપી દેવી પડે.
- આપણી સેના ટાઇગર છે. ટાઇગરને પૂરી આઝાદી આપી દેવી પડે. ૧૯૭૧માં ત્યારનાં વડાં પ્રધાને અમેરિકાની ચિંતા ન કરી. સેનાને છૂટ આપી દીધી. ૧ લાખ પાકિસ્તાની જવાનોએ સરેન્ડર કર્યું.
- તમારામાં પૉલિટિકલ વિલનો અભાવ હતો એટલે તમે સેનાને પાકિસ્તાનનાં સૈન્ય ઠેકાણાં પર હુમલો કરવાની છૂટ નહોતી આપી.
- રક્ષાપ્રધાને પોતે જાહેર કર્યું કે તમે પાકિસ્તાનને કહેલું કે ભારતે આતંકવાદી ઠેકાણાં પર હુમલો કર્યો છે અને હવે એસ્કેલેશન નહીં કરીએ. ૩૦ મિનિટમાં તમે સરેન્ડર કરી દીધું. તમે સૈનિકોના હાથ-પગ બાંધી લીધા.
- સેનાની ભૂલ નથી, સરકારની ભૂલ છે. ટ્રમ્પ ૨૯ વખત દાવા કરી ચૂક્યા છે કે તેમણે યુદ્ધવિરામ કરાવ્યો. વડા પ્રધાનમાં હિંમત હોય તો આ સંસદમાં કહી દે કે ટ્રમ્પ જૂઠું બોલે છે. ઇન્દિરા ગાંધી કરતાં ૫૦ ટકા પણ હિંમત હોય એમનામાં તો કહી દે.
- ચીન-પાકિસ્તાનની જોડી ખતરો છે. ચીને પાકિસ્તાનને મદદ કરી. એક પણ દેશે પાકિસ્તાનની નિંદા નથી કરી. આ વિદેશનીતિની નિષ્ફળતા છે.
- સૈન્યનો વપરાશ રાષ્ટ્રહિત માટે થવો જોઈએ. વડા પ્રધાન સેનાનો ઉપયોગ પોતાની ઇમેજ માટે કરે છે.


