કબૂતરખાનાંઓને બચાવવા મેદાને પડેલા કાનૂની લડવૈયાઓની અપીલ : કબૂતરો માનવસ્વાસ્થ્ય માટે જોખમી નથી એના પુરાવા ૭ આૅગસ્ટે કોર્ટમાં આપવાના છે એ ભેગા કરવાની હાકલ
કબૂતરખાના
મુંબઈ હાઈ કોર્ટમાં કબૂતરખાનાના મુદ્દે જીવદયાપ્રેમીઓના વકીલોની દલીલોને મહત્ત્વ આપ્યા વગર કોર્ટે પૂછ્યું હતું કે તમારી પાસે પુરાવા છે કે કબૂતરો માનવસ્વાસ્થ્ય માટે જોખમી નથી? આ સવાલ કરીને કોર્ટે કહ્યું હતું કે નાગરિકોએ કબૂતરોને ખવડાવવાનો શોખ બનાવી દીધો છે અને એને નિયંત્રિત કરવાની જરૂર છે.
કોર્ટના આ વિધાનને પગલે હવે પછીની ૭ ઑગસ્ટની સુનાવણીમાં કબૂતરખાનાંઓને બચાવવા માટે જીવદયાપ્રેમીઓએ કોર્ટને આ બાબતના પુરાવા આપવા અનિવાર્ય છે. આથી કાયદાકીય લડત લડી રહેલા જીવદયાપ્રેમીઓએ પલ્મનૉલૉજિસ્ટો અને જીવદયાપ્રેમી લોકોને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં જીવદયાપ્રેમી સંસ્થાઓનો સંપર્ક કરીને કબૂતરો માનવજીવન માટે જોખમી નથી એના લેખિતમાં પુરાવા રજૂ કરે જેથી મુંબઈનાં કબૂતરખાનાંઓને જીવતદાન આપી શકાય.
ADVERTISEMENT
આ બાબતની માહિતી આપતાં જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટનાં ફાઉન્ડર અને અત્યારે કાયદાકીય લડત લડી રહેલાં સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અત્યાર સુધી કબૂતરખાનાં પાસે વર્ષોથી રહેતા સાત હજારથી વધુ લોકોનાં મંતવ્યો મેળવવામાં સફળ રહ્યાં છીએ. આ રહેવાસીઓએ અને જીવદયાપ્રેમીઓએ સ્પષ્ટ કર્યું છે કે અમે વર્ષોથી કબૂતરખાના પાસે રહીએ છીએ અથવા તો અમારી દુકાનો ત્યાં આવેલી છે એટલું જ નહીં, અમે રોજ કબૂતરોને ચણ ખવડાવવા માટે પણ જઈએ છીએ. છતાં અમને આજદિન સુધી કોઈ શ્વસન-સમસ્યાઓ થઈ નથી, અમે સંપૂર્ણ રીતે સ્વસ્થ છીએ. જોકે કોર્ટે પલ્મનૉલૉજિસ્ટ કે જેઓ ફેફસાંના રોગોનું નિદાન અને સારવાર કરવામાં ખાસ તાલીમ પામેલા ડૉક્ટરો છે તેમની પાસેથી આ જાણકારી મેળવવી જોઈએ, પરંતુ પ્રશાસનના દબાણને લીધે મુંબઈના પલ્મનૉલૉજિસ્ટ આ વિવાદથી અંતર રાખીને બેઠા છે. દુઃખની વાત તો એ છે કે અનેક પલ્મનૉલૉજિસ્ટ તો જૈન અને જીવદયાપ્રેમી હોવા છતાં આ વિવાદથી દૂર રહ્યા છે અને અમારા બચાવ-અભિયાનમાં જોડાઈ રહ્યા નથી. બીજી બાજુ મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પાસે પણ હિસ્ટોપ્લાઝ્મોસિસ (HP) કબૂતરો દ્વારા ફેલાય છે એના કોઈ જ પુરાવા નથી. કોર્ટે તેમને પણ ૭ ઑગસ્ટ સુધીમાં પુરાવા રજૂ કરવાનો સમય આપ્યો છે. આ સંજોગોમાં અમે આ કેસને મજૂબત કરવા માટે વધુ ને વધુ જીવદયાપ્રેમીઓ અને પલ્મનૉલૉજિસ્ટ આગળ આવે એવી નમ્ર વિનંતી કરીએ છીએ.’
સ્નેહા વિસરિયાએ મુંબઈના જીવદયાપ્રેમીઓને વિનંતી કરતાં કહ્યું હતું કે ‘કદાચ તમને મુંબઈના કોઈ પલ્મનૉલૉજિસ્ટનો સાથસહકાર ન મળે તો ગુજરાત, રાજસ્થાન કે અન્ય શહેરોના તમારા કૉન્ટૅક્ટમાં હોય અને અમારા આ અભિયાનમાં જોડાવા ઇચ્છતા પલ્મનૉલૉજિસ્ટ પાસેથી ૭ ઑગસ્ટ પહેલાં કબૂતરો માનવજીવન માટે જોખમી નથી એના લેખિતમાં પુરાવા મગાવીને અમને મોકલી આપશો.’
સંપર્ક કરો
આ મુદ્દા પર વધુ માહિતી મેળવવા ઇચ્છુક જીવદયાપ્રેમીઓ અને પલ્મોનૉલૉજિસ્ટો જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટનાં ફાઉન્ડર સ્નેહા વિસરિયાનો તેમના મોબાઇલ નંબર 98700 00936 પર સંપર્ક કરી શકે છે.


