અગાઉ જાહેરાત કર્યા મુજબ ૨૧ નવેમ્બરે એકસાથે ૧૦૦૦ જેટલી કંપનીઓ નવી ઑફિસનાં મુહૂર્ત કરશે
પ્રતીકાત્મક તસવીર
સુરતમાં ખજોદ ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા સુરત ડાયમન્ડ બુર્સ (એસડીબી)માં દિવાળી બાદ અનેક ડાયમન્ડ કંપનીઓએ કામકાજ શરૂ કરવાની જાહેરાત કરી હતી. એ મુજબ મંગળવારે ૧૦૦૦ જેટલી કંપનીઓ એમની એસડીબીમાં આવેલી નવી ઑફિસોમાં મુહૂર્ત કરશે. જોકે એને લઈને આજથી મીટિંગના દોર શરૂ થશે. એસડીબીનું વિધિવત્ ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ૧૭ ડિસેમ્બરે થશે, પણ ૪૩૦૦માંથી ૧૦૦૦ જેટલા હીરાના વેપારીઓએ અહીં મંગળવારથી કામકાજનાં મુહૂર્ત કરવાનો નિર્ણય લીધો છે.
૪૩૦૦ જેટલી ઑફિસો ધરાવતા વિશ્વના સૌથી મોટા ડાયમન્ડ બિઝનેસ સેન્ટર એસડીબીમાં મંગળવારથી કામકાજ શરૂ થઈ જશે. ઑફિસો શરૂ કરવા માટે ૧૦૦૦ જેટલા વેપારીઓએ દશેરાના શુભ દિવસે કુંભ મૂક્યા હતા. દશેરાએ સવારના નવ વાગ્યે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પાંચેક હજાર લોકો સામેલ થયા હતા. હવે આ વેપારીઓ મંગળવારે એટલે કે ૨૧ નવેમ્બરે કામકાજ શરૂ કરશે.
ADVERTISEMENT
સુરત ડાયમન્ડ બુર્સની મીડિયા કમિટીના કન્વીનર દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરત ડાયમન્ડ બુર્સ હીરાનું કામકાજ કરવા માટે સજ્જ છે. આથી મંગળવારથી ૧૦૦૦ જેટલા વેપારીઓ તેમની ઑફિસ શરૂ કરવા જઈ રહ્યા છે. આજથી કામકાજ શરૂ થઈ રહ્યું છે ત્યારે એસડીબી શરૂ કરવા સંબંધી મીટિંગો યોજાશે. વહીવટી સંચાલન માટે ૧૧ કમિટી બનાવવામાં આવી છે. એના પદાધિકારીઓ દ્વારા મીટિંગોમાં મંગળવારથી ૧૦૦૦ જેટલી ઑફિસોમાં કામકાજ શરૂ થઈ રહ્યાં છે ત્યારે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એનું વિશેષ ધ્યાન આપવામાં આવશે.’
મંગળવારથી હીરાના વેપારીઓ તેમનાં કામકાજ એસડીબીમાં શરૂ કરી રહ્યા છે, પણ સંપૂર્ણ બીડીબીનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ૧૭ ડિસેમ્બરે મોટા પાયે કરવામાં આવશે. વડા પ્રધાનને ઉદ્ઘાટન સમારોહની પહેલી આમંત્રણપત્રિકા ૬ નવેમ્બરે એસડીબીની કમિટીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને આપી હતી.


