પરેલમાં ગઈ કાલે વર્કશૉપમાંથી નીકળતા ગણેશજીને જોવા એટલો ધસારો થયો હતો કે સ્ટૅમ્પીડ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જોકે વિઘ્નહર્તાએ કોઈ દુર્ઘટના થવા નહોતી દીધી
ગઈ કાલે પરેલમાં સર્જાયેલી ધક્કામુક્કીની પરિસ્થિતિ.તસવીરો : આશિષ રાજે
ગણેશોત્સવને હવે સવા મહિનો જ બાકી રહ્યો છે ત્યારે દૂર-દૂરની અને ખાસ કરીને સાર્વજનિક મંડળોની ગણેશમૂર્તિઓ હવે પરેલના વર્કશૉપમાંથી વાજતેગાજતે લઈ જવાઈ રહી છે. પરેલમાંથી ગઈ કાલે સુરતના ભટાર ગામના મંડળની ગણેશમૂર્તિને લઈ જવાતી હતી ત્યારે સ્ટૅમ્પીડ થયું હતું, પણ એકાદ-બે મિનિટમાં જ લોકોએ સમયસૂચકતા વાપરી હતી અને તેઓ ડિવાઇડર કૂદીને રોડની બીજી બાજુ જતા રહ્યા હતા એટલે દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ હતી.
રવિવારના રજાના દિવસે મોટા ભાગના રોડ ખાલી હોવાથી સાર્વજનિક ગણેશમૂર્તિઓ ખુલ્લી ટ્રકમાં લઈ જવામાં સરળતા રહે છે અને ટ્રાફિક નડતો નથી. ગઈ કાલે આ કારણથી ઘણી મોટી મૂર્તિઓ લઈ જવાતી હતી. ગણપતિની મોટી અને ભવ્ય મૂર્તિઓની ઝાંકી લેવા અને એ તક ઝડપી લઈ રીલ બનાવતા લોકો અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરો ત્યાં મોટી સંખ્યામાં પહોંચી જતા હોય છે.
ADVERTISEMENT
ગઈ કાલે પણ તેઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા હતા. બપોરે બે વાગ્યાની આસપાસ પરેલના વર્કશૉપમાંથી લઈ જવાતી ગણપતિબાપ્પાની મૂર્તિઓને જોવા મુંબઈગરાઓ પરિવાર સાથે ત્યાં પહોંચી ગયા હતા. એ વખતે સ્ટૅમ્પીડ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકો ધસારામાં એકબીજા પર ફંગોળાયા હતા. નાનાં બાળકો અને મહિલાઓ પણ એ ભીડ જોઈને ચોંકી ઊઠ્યાં હતાં. પોલીસે એક બાજુ બૅરિકેડ્સ ગોઠવી દીધાં હતાં. ભીડ એટલી હતી કે બૅરિકેડ્સનો કોઈ મતલબ રહ્યો નહોતો. બીજું એ કે ઘણી વાર લોકો પરેલના એ મેઇન રોડને બે ભાગમાં વહેંચતા મોટા પહોળા ડિવાઇડર પર ઊભા રહી જાય છે જેના કારણે તેઓ ઊંચાઈએ હોવાથી દર્શન પણ વ્યવસ્થિત થાય છે અને રસ્તા પર ભીડ પણ ઓછી થતી રહે છે. ગઈ કાલે પોલીસે કોઈને ડિવાઇડર પર ચડવા દીધા નહીં એથી બધી જ પબ્લિક રોડ પર હતી. કેટલાક લોકો તો ફક્ત ત્યાં ઊભા જ રહેવાના હતા અને મંડળના લોકોને આગળ વધવાનું હતું. આવી પરિસ્થિતિમાં એમાં એકદમ ધસારો આવતાં ડિવાઇડર પાસે લોકો પડે-આખડે એવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે એકાદ-બે મિનિટ એ સખત ધમાચકડી રહી અને લોકો હડસેલાતા રહ્યા પછી લોકો એ જ ડિવાઇડર કૂદી, એને પાર કરી સામેની બાજુ જતા રહેતાં ભીડ ઓછી થઈ ગઈ અને વિખરાઈ ગઈ હતી.


